હાર્દિક પટેલને કોંગ્રેસના રાષ્ટ્રીય સ્ટાર પ્રચારક જાહેર કરાયા

ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ જામનગર લોકસભાની ચૂંટણી લડવા માટે પ્રચારના કામમાં 10 દિવસથી લાગી ગયા છે. તેમને રાષ્ટ્રીય કોંગ્રેસે દેશભરમાં ફેરવીને સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરી દઈને તેનું રાજકીય કદ વધારી દીધું છે. એવું અલ્પેશ ઠાકોરમાં નથી થયું તેણે બળવો કર્યો હોવાથી ઠાકોરને આવું ગૌરવ આપવાનું ટાળવામાં આવ્યું છે.

કોંગ્રેસના  ઉત્તર પ્રદેશના એકમે ચૂંટણી પ્રચાર માટે જે 40 સ્ટાર કેમ્પેઈનરોની યાદી જાહેર કરી છે, એમાં ગુજરાત તરફથી એકમાત્ર હાર્દિકને સમાવિષ્ટ થયો છે. જે ગુજરાત કોંગ્રેસ માટે ગૌરવ માનવામાં આવે છે. તેમના માટે એક તરફ ચૂંટણી લડવા ઉપર વિસનગર કોર્ટનો કેસ એના માટે અડચણરૃપ બની રહ્યો છે. જોકે ભાજપના અનેક ઉમેદવારોના કેસ હાર્દિક પટેલ જેવા જ છે તેથી તેમને ચૂંટણી લડતાં કોઈ રોકી નહીં શકે.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, રાજીવ સાતવેએ મને કહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં સ્ટાર કેમ્પેઈનર તરીકે તમારે દેશમાં જવાનું છે. ત્યારે મેં હા કહી હતી. હવે સત્તાવાર યાદીમાં નામ આવ્યું છે. પક્ષ હવે કાર્યક્રમ આપશે તે પ્રમાણે દેશભરમાં કામ કરીશ.