હિંમતનગર, તા.૦૭
હિંમતનગરને અડીને આવેલ બોરીયા ખૂરાંદમાં કેમિકલ ફેક્ટરીને કારણે ભૂગર્ભ જળ દૂષિત બની ગયા બાદ ભારે હોબાળો થવાને પગલે દોઢેક દાયકા અગાઉ ફેક્ટરી બંધ થઇ ગઇ હોવા છતાં હજુ પણ લાલ રંગનુ દૂષિત પાણી આવી રહ્યુ હોવાથી આખોયે મામલો ઔદ્યોગિક એકમ ઉપર ઢોળી દઇ જમીન સુધારણા અને ભૂગર્ભ જળ સુધારણા માટે શુ કહી શકાય તેનો જીપીસીબીએ અભિપ્રાય માંગતા જીટકો નામની ખાનગી એજન્સી દ્વારા મંગળવારે લાલ પાણીના સેમ્પલ લેવાયા હતા.
સમગ્ર પ્રકરણની ટૂંકમાં હકીકત એવી છે કે બોરીયા ખૂરાંદમાં સ્વસ્તીક ઓર્ગેનીક્સ નામની ફેક્ટરીને કારણે ભૂગર્ભજળ દૂષિત થવાના પ્રકરણમાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યા બાદ દોઢેક દાયકા અગાઉ ફેક્ટરી બંધ કરી દેવાઇ હતી. થોડા સમય અગાઉ જશવંતસિંહ સોલંકીના ખેતરમાં લાલ પાણી આવતું હોવાથી જીપીસીબી દ્વારા ફરીથી સેમ્પલ લેવાયા હતા અને ભૂગર્ભ જળને દૂષિત થતુ કેમ અટકાવી શકાય તેનુ ખાનગી એજન્સીના માધ્યમથી પૃથ્થકરણ કરાવી અહેવાલ રજૂ કરવા સ્વસ્તીક ઓર્ગેનીક્સને સૂચના આપી હતી.
જેને પગલે બુધવારે ખાનગી એજન્સીના માણસોએ બોરીયા-ખૂરાંદ આવી સેમ્પલ લેતા દોડધામ મચી જવા પામી હતી. જીપીસીબી અધિકારી શુકલે જણાવ્યુ કે જીટકો નામની એજન્સી દ્વારા સેમ્પલ લેવાયા છે અને ફેક્ટરીના સંચાલકો દ્વારા સુધારણા માટેના સૂચનો સહિતનો અહેવાલ રજૂ થયા બાદ વધુ સ્પષ્ટતા કરી શકાશે. નોંધનીય છે કે નિયમિત અંતરાલે દૂષિત પાણી હોવા અંગે નવેસરથી ફરિયાદ થાય છે અને સેમ્પલો લેવાય છે. આ વખતે જીપીસીબીએ દંડ પણ ભરી ચૂકેલ ફેક્ટરી સંચાલકો ઉપર ઢોળી દઇ હાથ અધ્ધર કરી દીધાનો અનુભવ થઇ રહ્યો છે.