હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચાંપલાનાર ગામના એક ૨૪ વર્ષીય યુવાનની ઝાડ પર લટકતી લાશ શુક્રવારે સવારે વાવડી ગામની સીમમાં આવેલ એક ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવતા વાવડી અને ચાંપલાનાર ગામના અનેક ટોળાં ભેગા થઈ ગયા હતા . દરમ્યાન આ અંગે ગાંભોઈ પોલીસને જાણ થતા પોલીસે લાશને કાજે લઈ તેને ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી પોસ્ટમોટમ કરાવી લાશ મૃતકના પરીવારજનોને સોંપવાની કાર્યવાહી કરી હતી . પરંતુ વાવડી અને ચાંપલાનાર ગામના લોકોએ મૃતકનું ખુન કરાયુ હોવાનું માની તેમાં ત્રણ જણાની સંડોવણી હોવાનો આક્ષેપ કરી તેમની ધરપકડ કરાયા બાદ લાશ સ્વીકારાશે તેવો નિર્ણય કરતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં એક તબક્કે અફડાતફડી મચી જવા પામી હતી .
આ અંગે આધારભૂત સુત્રોમાંથી મળતી માહીતી મુજબ ચાંપલાનાર ગામના ૨૪ વર્ષીય યુવાન કૌશિકભાઈ અમૃતભાઈ પ્રણામી ગુરૂવારે સાંજના સુમારે પોતાના ઘરેથી બાઈક લઈને ગયા બાદ તે પરત આવ્યો ન હતો . ગ્રામજનોના જણાવાયા મુજબ શુક્રવારે સવારે ચાંપલાનાર ગામની નજીકમાં આવેલ એક પટેલના આંબાના ઝાડ પર પ્લાસ્ટીકની દોરીથી ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી . જેથી બંને ગામના લોકો દોડી આવ્યા હતા . ત્યારબાદ મૃતક ચાંપલાનારના કૌશિકભાઈ અમૃતભાઈ પ્રણામી હોવાનું બહાર આવ્યું હતુ .
દરમ્યાન આ અંગે ગાંભોઈ પોલીસને ખબર પડતા તરતજ તેમણે વાવડી ગામની સીમમાં જઈને લાશને કબજે લઈ મોતનું સાચુ કારણ જાણવા માટે તેને ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાઈ હતી . જ્યાં પોલીસે પી . એમ કર્યા બાદ લાશ મૃતકના પરીવારજનોને સોંપવાનું નક્કી કર્યુ હતુ . પરંતુ મૃતકના પરીવારજનો તથા તેના સ્નેહીઓએ કૌશિકે આત્મહત્યા નથી કરી પરંતુ કેટલાક લોકોએ તેનું ખુન કર્યું હોવાનો આક્ષેપ કરી ને તેમાં સંડોવાયેલા બે થી વધુ લોકોના નામ આપ્યા હતા . અને પોલીસ તેમની ધરપકડ કરે ત્યારબાદ લાશ સ્વીકારવામાં આવશે તેવો નિર્ણય કરતા મામલો ગરમાર્યો હતો .
ગુજરાતી
English



