હિંમતનગર, તા.13
સાબરકાંઠા જિલ્લામાં 16 મી સપ્ટેમ્બર થી ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ અમલી થઇ રહેલ નવા મસમોટા દંડની જોગવાઈ નો કરંટ લાગતા વાહન માલિકો પીયુસી અને હેલ્મેટ માટે દોડતા થઈ ગયા છે. હિંમતનગરના સાત અને અન્ય બે મળી 9 પીયુસી સેન્ટર પર માંડ દોઢસો પોણા બસો વાહનો પીયુસી માટે આવતા હતા તે સંખ્યા વધીને અત્યારે 600 ને આંબી ગઈ છે. રૂ. 200 ની આસપાસ સસ્તા ભાવે મળતી હેલ્મેટના ભાવ પણ રૂ.350 થઈ ગયા છે અને ઓર્ડર નોંધાવવા છતાં હેલ્મેટનો સપ્લાય મળતો નથી.
આ અંગે હિંમતનગરના સત્યમ પીયુસી સેન્ટરના કમલેશભાઈ ચૌધરી, સાબેરાહ પીયુસી સેન્ટરના હસનભાઈ,રાજપથ પીયુસી સેન્ટરના ગુલામભાઈ હુક્કાએ જણાવ્યું કે ગત સપ્તાહમાં માંડ 15 થી 20 ટુવ્હીલર ચાલકો આવતા હતા. તે સંખ્યા વધીને ચાલુ સપ્તાહમાં વધીને 600ને પાર કરી ગઈ છે. આગામી સમયમાં હજુ પણ તેમાં વધારો થવાની સંભાવના છે.
આવી જ સ્થિતિ હેલ્મેટના વેપારીઓ દ્વારા જણાવાઇ રહી છે. રૂ. 200 ની આસપાસ સસ્તા ભાવે મળતી હેલ્મેટના ભાવ પણ રૂ.350 થઈ ગયા છે અને ઓર્ડર નોંધાવવા છતાં હેલ્મેટનો સપ્લાય મળતો ન હોવાનું રાજ ઓટોના અશરફભાઈ અનસારીએ જણાવ્યું હતું.હાલતો પીયસી સેન્ટરોમાં પીયુસી કઢાવવા લાઇનો લાગી છે.
જૂના વાહનો માટે વીમો અને પીયુસી ચિંતાનો વિષય
ફોર વ્હીલર વાહનોના સામાન્ય રીતે નિયમિત રીતે પીયુસી નીકળતા હોય છે. પરંતુ પાંચ- સાત વર્ષ જૂના ટૂ વ્હીલરો માટે પીયુસી અને વીમો ચિંતાનો વિષય બની રહ્યા છે.જૂના ટૂવ્હીલરોને પીયુસી ત્યારે જ મળે જ્યારે ઓકતો ધૂમાડો કાઢતુ ન હોય અને તેમ કરવા જતા વાહનની કિંમત જેટલો ખર્ચ કરવો પડે તેમ છે. તેવી જ રીતે વાહનોના થર્ડ પાર્ટી વીમો લેવા પણ વીમા કંપનીઓ તૈયાર થતી ન હોવાનુ વાહન માલિકો દ્વારા જણાવાઇ રહ્યુ છે.
સિટી એરિયામાં પણ હેલ્મેટ, સીટબેલ્ટ ફરજિયાત
હિંમતનગર સીટી ટ્રાફિક પીએસઆઇ એ.ડી.પરમારે જણાવ્યું કે કાયદાની જોગવાઈ અનુસાર તમામ ટુ વ્હીલર વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું અને કારમાં આગળ બેઠેલા વ્યક્તિઓ માટે સીટ બેલ્ટ ફરજિયાત છે. સીટી એરિયામાં અને આ બંને બાબતોમાં રાહત આપવામાં આવી હોવાની વાતો ખોટી છે સરકારે આવો કોઈ પરિપત્ર કર્યો નથી.
પીયુસીના રેટ
ટુ વ્હીલર-રિક્ષા રૂ.20 થી રૂ.30
ફોર વ્હીલર (પેટ્રોલ) રૂ.50- રૂ.60
ફોરવ્હીલર (ડીઝલ) રૂ.60-રૂ.80