હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો

હિંમતનગર, તા.૩૧

સમગ્ર ગુજરાતભરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે, ત્યારે કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે વાઈરલ બીમારીના કેસો વધ્યા છે. પાછોતરા વરસાદના કારણે એકબાજુ પાકને નુકશાન થયું તો બીજીબાજુ પડતાં ઉપર પાટુંની જેમ ગ્રામજનો રોગચાળાથી પરેશાન છે. દિવાળીના દિવસોમાં હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો છે. ગામમાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના 31 કેસો સામે આવ્યા છે. હાલ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. આ ગામમાં 100 લોકોની વસ્તી છે, તેની સામે 31થી વધુ ડેન્ગ્યુના કેસોથી ખળભળાટ મચી ગયો છે. દિવાળીના તહેવારોમાં લોકો દવાખાનામાં સારવાર હેઠળ છે.

હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં કેટલાક દર્દીઓની ડેન્ગ્યુની સારવાર આપવામાં આવતા તાલુકા હેલ્થ કચેરીને જાણ કરાતા અઠવાડિયા પહેલા જ તાલુકા હેલ્થ કચેરી અને હિંમતનગર પાલિકાના આરોગ્ય વિભાગએ સહકારી જીન વિસ્તારમાં ફોગીંગ સહિતની કામગીરી કરાઈ હતી. પણ જાણે આ મચ્છરો માનવા તેયાર નથી. લોકોમાં માથાનો દુખાવો, તાવ, શરીરમાં કળતરા અને લાલ ચકામા ડેન્ગ્યુના લક્ષણો છે, પણ તેનાથી ગભરાવવાની કોઈ જરૂર નથી તે માટે સરકારી ડોકટરની સલાહ લેવી અને સારવાર બાદ પાંચ દિવસ આરામ કરવો તેમજ વધારે પાણી પીવું અને ઘરને જંતુ મુક્ત રાખવાની પણ સલાહ આપાઈ હતી. ગામમાં સરકારી દવાખાનું નથી.

ડેન્ગ્યુ સહિતની વાઇરલ  બીમારીને નાથવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે કામગીરી હાથ ધરાઈ છે. આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે ફરીને ડેન્ગ્યુ વિશેની જાણકારી આપી હતી અને દરેક ઘરમાં  ડેન્ગ્યુના મચ્છર ચોખા પાણીમાં ઇડા મૂકે છે અને ઘરોમાં રહેલા જુના ટાયર, ફૂલના કુડા  વગેરેમાં જાત તપાસ હાથ ધરી હતી અને દરરોજનો દિવસ મચ્છર નાબુદી  તરીકે  ઉજવવાની સમજ આપી હતી.