હિંમતનગર નગરપાલિકામાં ભાજપે પ્રમુખ તરીકે અનિરૂદ્ધ સોગઠિયાને નિયુક્તિ 12 જૂન 2018ના કરી દીધી તેને 9 મહિના થયા છતાં તેઓ શહેર ભાજપના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતાં હોવાથી પક્ષના નેતાઓએ પ્રદેશના નેતાઓને ફરિયાદ કરી છે. પ્રમુખે જ નેતાઓને કહ્યું હતું કે તેમને નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવે તો તુરંત રાજીનામું આપી દેશે. પણ આજ સુધી રાજીનામું આપ્યું નથી.
સમિતિઓની રચના પણ ન કરી
હિંમતનગર નગરપાલિકાની સમિતિઓની રચના સવા બે વર્ષથી થઈ ન હોવાથી ભાજપના કોર્પોરેટરોમાં રોષ છે. ડિસેમ્બર 2017માં સમિતિઓની રચના થવી જોઈતી હતી. પણ થઈ નથી. તેથી ભાજપમાં અસંતોષ ઊભો થયો છે.
પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો
કોંગ્રેસના સભ્યોએ સામાન્ય સભામાં ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા પાલિકા પ્રમુખ અનિરૂદ્ધ ભીંસમાં આવી ગયા છે. ભ્રષ્ટાચાર શોધી કાઢવા માટે સંયુકત તપાસ સમિતિ નિમવા માટે વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી. પાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન યોજી ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશ્નર સમક્ષ લેખિત રજૂઆત સાથે પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ સાથે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. મુખ્ય અધિકારી અને બાંધકામ ખાતાના ઇજનેર લાંચ લેતા પકડાયા હતા. તેથી આ પ્રકરણમાં પ્રમુખ, બાંધકામ સમિતિના ચેરમેનના રાજીનામાની પણ માગણી કોંગ્રેસ દ્વારા કરાઈ હતી.
ફરી પક્ષાંતર થશે
ભાજપના નેતાઓ હવે ફરીથી 2011ને યાદ કરવાનું શરૂ કર્યું છે. ભાજપના 13 સભ્યોએ પ્રમુખ પદ માટેના પક્ષના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરીને સત્તા કબજે કરી હતી. તેથી તેમને 6 વર્ષ માટે બરતરફ કરાયા હતા. હવે ભાજપમાં ફરી આવા દિવસો આવે એવી શક્યતા જોવામાં આવી રહી છે.
કોંગ્રેસમાં પણ ડખા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ અમીત ચાવડાની સીધી સૂચના અનુસાર શહેર તાલુકા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં કોઇપણ પ્રકારની સીધી નિમણુક નહિ આપવાનો આદેશ કરાયો હોવા છતાં પણ જિલ્લાના મોવડીઓ દ્વારા હિંમતનગર પાલિકામાં વિપક્ષના નેતા તરીકે ઇશાક શેખને નિમણુંક આપી દેવામાં આવી હતી. હિંમતનગર જિલ્લાના મોવડીઓ દ્વારા કોંગ્રેસના ચૂંટાયેલા પાલિકાના સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર કોર્પોરેટર ઇશાક શેખની વિપક્ષી નેતા તરીકે નિમણુક કરી દેવાતા કોંગ્રેસના સદસ્યોમાં ઉકળતા ચરૂ જેવી રાજકીય સ્થિતિનું નિર્માણ થયું હતું. જગદીશભાઇ જયસ્વાલની પાલિકામાં વિપક્ષના નેતા તરીકે નિમણુક કરાઇ હતી. પરંતુ જગદીશભાઇનું ટૂંકી માંદગી બાદ આકસ્મિક નિધન થતા પાલિકામાં વિપક્ષના નેતાની નિમણુકનો મામલો ગૂંચવાયો હતો. હિંમતનગર પાલિકામાં ભાજપ બહુમતી ધરાવે છે. જિલ્લા પંચાયત અને કેટલીક તાલુકા પંચાયતોમાં પણ સમિતિઓની રચના માટે ચૂંટાયેલા સદસ્યોએ નારાજગી દર્શાવી હતી અને સમિતિઓમાંથી રાજીનામા પણ આપ્યા હતા.