હિંમતનગર માર્કેટયાર્ડમાં 8 દિવસમાં મગફળીની સવા લાખ બોરીની આવક

હિંમતનગર, તા.22 

હિંમતનગર યાર્ડમાં મગફળીની છેલ્લા આઠ દિવસમાં 1,27,610 બોરીની આવક થઇ છે.જોકે, નવી મગફળીની આવક શરૂ થયાના દસેક દિવસમાં મહત્તમ ભાવમાં રૂ.500 નો ઘટાડો થયો છે અને સોમવારે રૂ.800થી રૂ.1100ના ભાવે 12380 બોરીની આવક થઇ હતી.

હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ.1600ના ભાવથી ખરીદી શરુ થયા બાદ ખેડૂતોએ ધસારો કરતા છેલ્લા 8 દિવસમાં 1,27,610 બોરીની મબલક આવક થઇ છે. જોકે, પુષ્કળ આવકને કારણે ભાવમાં ક્રમશ: ઘટાડો થતા દસેક દિવસમાં રૂ.500નુ ગાબડુ પડ્યુ છે. દસેક દિવસ અગાઉ પ્રતિમણ મહત્તમ રૂ.1600નો ભાવ પડ્યા બાદ સોમવારે રૂ.800થી 1100ના ભાવે મગફળીની ખરીદી થઇ હતી. દિવાળીના તહેવાર આવી જતા અને વેપારીઓ દ્વારા તરત ચૂકવણુ થઇ રહ્યુ હોવાથી ખેડૂતો ટેકાના ભાવ કરતા પણ નીચા ભાવે વેચાણ કરવા મજબૂર બની રહ્યા છે.