હિંમતનગર, તા.૨૫
હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં ગુરૂવારે બપોરે એક એપાર્ટમેન્ટ આગળ નવા ખાળકૂવાના ખોદકામ દરમિયાન બાજુનો ખાળકૂવો ધસી પડતા યુવકનુ દટાઇ જવાને કારણે મોત નિપજ્યુ હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
સહકારીજીન વિસ્તારમાં ગુરૂવારે સવારે શ્રીરાજ એપાર્ટમેન્ટ આગળ નવા ખાળકૂવાનુ ખોદકામ ચાલુ કરાયુ હતુ. અનિલ બાબુભાઇ વણઝારા (ઉ.વ. 21) નીચે હતો અને અન્ય બે ત્રણ વ્યક્તિઓ કૂવાની ઉપર હતા. 15 ફૂટ ઊંડું ખોદકામ થવા દરમિયાન નવા ખાળકૂવાની બાજુમાં જ આવેલ જૂના ખાળકૂવાની દિવાલ માટીની ભેખડ સાથે ધસી પડી હતી અને અનિલભાઇને એક પળનો પણ મોકો ન મળતા નીચે દટાઇ ગયા હતા.
યુવક નીચે દટાતા હિંમતનગર ફાયર બ્રિગેડને બપોરે 12:40 કલાકે જાણ કરતા તરત જ ઘટનાસ્થળે પહોંચી જેસીબી લગાડી ધસી પડેલ માટી વગેરે બહાર ખેંચી યુવકને બહાર કાઢ્યો હતો અને 108 મારફતે સિવિલમાં લઇ જવાતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. એડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બાજુમાં જ બીજો ભરાઇ ગયેલ ખાળકૂવો છે તેની શ્રમિકોને જાણ ન હોવાને કારણે દૂર્ઘટના સર્જાઇ હતી તથા અવારનવાર આવી કમનસીબ ઘટનાઓ બનતી હોવા છતાં સલામતીના ઉપાયોની જોગવાઇ રાખવામાં આવતી નથી.