ઈન્ટરનેટનની બાળમાનસ અને યુવામાનસ પર વિપરીત અસર ન થાય તે માટે રાજય સરકારે ‘પબજી રમત’ પર રોક લગાવવા અંગે કાર્યવાહી કરવા ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.
દરમિયાન પ્રાથમિક શાળાના બાળકોમાં ‘પબજી રમત’ અંગે સજાગતા તથા બાળકોમાં જાગૃતિ કેળવાય તે માટે જે તે શાળા દ્વારા જરૂરી કાર્યવાહી થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધિકારીને તેમના હસ્તકની પ્રાથમિક શાળાઓને જરૂરી સૂચના આપવા જણાવાયું છે.
મોબાઈલ દ્વારા ઓનલાઈન દર્શાવાતી ‘પબજી રમત’ જેવી રમત કે જે બાળ અને યુવામાનસમાં હિંસાવૃત્તિ જન્માવે તેવી છે. તેવી રમતો પર રોક લગાવાય તેવી શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆતો પણ આવેલી છે. આ પ્રકારની ઓનલાઈન દર્શાવાતી રમતો જોવાનો બાળકોમાં એક પ્રકારનો નશો રહેતો હોવાથી તે શિક્ષણ કાર્યથી વિમુખ બની જાય છે, કયારેક તો તે પોતાના ભોજન સંબંધી રોજીંદી જરૂરીયાતોથી પણ વિમુખ થઈ જાય છે. કુટુંબના સભ્યોથી વિમુખ થઈ જાય છે. તેનો સામાજિક વ્યકિતત્વ વિકાસ પણ રુધાંય છે. આ સંજોગોમાં બાળકોના લાંબાગાળાના સામાજિક અને શૈક્ષણિક હિતને ઘ્યાનમાં રાખીને હાલના તબકકે શાળાઓમાં શિક્ષકો દ્વારા આવા બાળકોને આ પ્રકારની રમતો ન જોવા માટે સજાગતા કેળવવા જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.