અમરેલી જિલ્લામાં ઓણસાલ ઓછા વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી છે તો ખેતી બાદ જિલ્લામાં હીરા ઉદ્યોગ અગ્રેસર છે પણ દિવાળી બાદ તેજીને બદલે મંદીનું મોજુ યથાવત રહેતા અમરેલી જિલ્લાનો હીરા ઉદ્યોગ પણમાંદગીના બિછાને જોવા મળી રહૃાો છે. 2 કરોડની રોજ રોજગારી મળતી હતી હવે રૂ.1 કરોડની થઈ ગઈ છે.
ખેતી બાદ ઉદ્યોગ જ રોજગારીની મહત્વનું સાધન અમરેલી જિલ્લાના લોકો માટે છે. સુરત બાદ અમરેલી જિલ્લામાં 10 હજાર ઉપરાંતના હીરાના કારખાનાઓ આવ્યા છે. 50 હજાર ઉપરાંતના રત્ન કલાકારોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ મંદીનું ગ્રહણ યથાવત જોવા મળી રહૃાું છે. હીરાના કારખાનાઓમાં ઘણી ઘંટીઓ ખાલી પડી છે. રત્ન કલાકારોમાં રોજગારી જે પહેલા મળતી એના કરતાં પણ હાલ સાવ અડધી રોજગારી મળી રહી છે.
400 રૂપિયાનું કામ કરતા રત્ન કલાકારોને હવે માંડ 200 રૂપિયા મહેનતાણું મળી રહૃાું છે. જેનું મુખ્ય કારણ સુરતથી આવતા હીરા અને વિદેશમાં જવેલરીમાં વપરાતા હીરાનો વપરાશ ઓછો થતાં એકધારી મંદીએ અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગની કમર ભાંગી નાખી હોવાનું હીરાના કારખાનેદારો માની રહૃાા છે.
વિદેશમાં જતાં હીરાની માંગ હાલ સાવ ઓછી થઈ છે તો નાણા ભીડનો પ્રશ્ન પણ કારખાનેદારને સતાવી રહૃાો છે. ત્યારે દિવાળી બાદ હીરામાં ચમક આવવાની આશાઓ પર પાણીઢોળ થઈ ગયું. અમેરિકા અને ચાયના 10 ટકા ટેકસની જગ્યાએ 15 ટકા ટેકસ કરતા ડાયમંડમાં જવેલરીમાં વપરાતા હીરાને બ્રેક લાગી છે તો અસલી હીરાની જગ્યાએ સીવીડી હીરાની વધુ ખપત ચાલું હોય જેના કારણે હીરામાં ભયંકર મંદીછવાય હોવાનું જિલ્લા ડાયમંડ એસોસીએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું.