હું આત્મહત્યા કરીશ, જમાદારનો ધમકી પત્ર વાંચો

બે લાખ રૂપિયાનો તોડ કરવાના મામલામાં ચાલી રહેલી તપાસ દરમિયાન નવરંગપુરાનો કોન્સ્ટેબલ અને એલઆરડી આત્મહત્યાની ધમકી આપતી સ્યૂસાઈડ નોટ લખી ગુમ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. વિવાદાસ્પદ કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ અને એલઆરડી જીગર સોલંકીએ સ્યૂસાઈડ નોટમાં એસીપી, પીઆઈ, બે વહીવટદાર અને રાઈટર સામે આક્ષેપો કર્યા છે. પોલીસ અધિકારીના ત્રાસથી બંને પોલીસ કર્મચારી આત્મહત્યા કરવા ગયા હોવાની પોલીસ કંટ્રોલ રૂમમાં પણ ફોન કરી જાણ કરવામાં આવી છે. ગુમ થયેલા બંને પોલીસ કર્મચારીઓને શોધવાની સાથે સાથે આ મામલાની તપાસ એ ડિવિઝન એસીપી મુકેશ પટેલને સોંપવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગત 13 જુલાઈની મધરાત્રી બાદ નિશિથ ગજ્જર નામના એક યુવકની કાર કોમર્સ છ રસ્તા પાસે નવરંગપુરાના એલઆરડી જીગર સોલંકીએ રોકી હતી. નિશિથ ગજ્જરના મોબાઈલ ફોનમાંથી ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશન મળતા તું તો સટ્ટો રમે છે તેમ કહી તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ 5 લાખની ડિમાન્ડ કરવામાં આવી હતી. દરમિયાનમાં નવરંગપુરાનો કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ આવતા બે લાખ રૂપિયામાં મામલાની પતાવટ કરવામાં આવી હતી. નિશિથ ગજ્જરની બીજા દિવસે સગાઈ હોવાથી તે અને તેના કાકા 15 જુલાઈના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને પીઆઈ પી.બી.દેસાઈને મળ્યા હતા. પીઆઈના રાઈટરે બે લાખના તોડ મામલે નિશિથ ગજ્જરના નામની અરજી તૈયાર કરવામાં આવી હતી.

નિશિથ ગજ્જરની અરજીમાં થયેલા આક્ષેપને લઈને પીઆઈ દેસાઈએ કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ અને એલઆરડી જીગર સોલંકીને નિવેદન માટે બોલાવ્યા હતા, પરંતુ બે દિવસ સુધી બંને પોલીસ કર્મચારી હાજર નહી થતા એસીપી એલ.બી.ઝાલાએ કૌશલ અને જીગરને બોલાવ્યા હતા. ગત 15 જુલાઈથી નોકરી ઉપર ગેરહાજર રહેનારા કોન્સ્ટેબલ અને એલઆરડીને હાજર થવા માટે મૌખિક તેમજ લેખિત જાણ કરવામાં આવવા છતાં તેઓ નોકરી ઉપર આવ્યા ન હતા.

થલતેજ ગામ લુહારવાસમાં રહેતા કૌશલ મહેન્દ્રભાઈ ભટ્ટ અને ઘાટલોડીયા કે.કે.નગર ક્રાંતિ એપાર્ટમેન્ટમાં રહેતા જીગર જીતેન્દ્રભાઈ સોલંકી ગત 20 જુલાઈથી ગુમ થઈ ગયા હોવાની જાણવા જોગ અનુક્રમે સોલા અને ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

કૌશલ ભટ્ટ જુગારના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે 

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ અગાઉ પેથાપુર પોલીસની હદમાંથી જુગાર રમવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. વસ્ત્રાપુર, ગોમતીપુર અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરી ચૂકેલો કૌશલ ભટ્ટ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે અને તે કારણોસર તેની બદલી પણ કરવામાં આવી હતી.

બંને પોલીસ કર્મચારી નાઈટ ડ્યૂટી જ કરતા હતા

બે લાખના તોડ પ્રકરણમાં સંડોવાયેલા અને આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી ગુમ થઈ ગયેલા બંને પોલીસ કર્મચારી માત્ર નાઈટ ડ્યુટી જ કરતા હતા હોવાની માહિતી મળી છે. વિવાદાસ્પદ કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ અને એલઆરડી જીગર સોલંકી કોની મહેરબાનીથી નાઈટ ડ્યૂટી કરતા હતા તે એક સવાલ છે.