હું કોંગ્રેસનો રાજા હતો, ધારું તેને આખા દેશમાં ટિકીટ અપાવી શકતો, હું કહું તેમ જ થતું : અલ્પેશ

અમદાવાદ, તા.૧૫

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે અલ્પેશ ઠાકોરને લઇને દરરોજ નવા નવા રહસ્યો ખૂલી રહ્યા છે. આ વખતની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં સૌ કોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. સોમવારે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે અહીંનું રાજકારણ બરાબરનું ગરમાયું હતું. હવે અલ્પેશ ઠાકોરને લઇને એક બીજો કાંડ સામે આવ્યો છે.

કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપના પેરાશૂટ નેતા બનેલા અલ્પેશ ઠાકોરનો આજે વધુ વીડિયો વાયરલ થયો છે. રાધનપુરમાં ભાજપની યોજાયેલી સભામાં અલ્પેશ ઠાકોરના જુદા જુદા ભાષણોના વિવાદિત વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. અલ્પેશ ઠાકોર અહીં ભાજપની સભામાં કોંગ્રેસના દિવસોને યાદ કરીને ગુણગાન ગાયા હતા.

અલ્પેશ ઠાકોરનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જ અલ્પેશ ઠાકોર એક જાહેર સભામાં સંબોધન કરી રહ્યા છે અને તેઓએ આ સભામાં એવી શેખી મારી કે હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું. ત્યારે આ વીડિયોથી અલ્પેશ ઠાકોર ભાજપનો ખેસ પહેરેલા જોવા મળી રહ્યા છે. જ્યાં ચાલીસથી પચાસ લોકોની હાજરીમાં તેઓ માઇક પર બોલતા નજરે પડી રહ્યા છેકે, હું કોંગ્રેસમાં રાજા હતો અને ધારુ તેને દેશમાં ટિકિટ અપાવી શકતો હતો. ત્યારે આ વીડિયોના ઘણા અર્થ સરી રહ્યા છે.

તો બીજી બાજુ અલ્પેશ ઠાકોર અન્ય સભાઓમાં કોંગ્રેસને ખંડેર ગણાવી હતી. જેમાં અલ્પેશે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખંડેર છે, જેમાં રાજા પણ ભૂખે મરે અને પ્રજા પણ ભૂખે મરે તેવા આકરા પ્રહારો કર્યા હતા.

રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના આ નિવેદનથી ફરીથી રાજનીતિ ગરમાઇ ગઇ છે. અલ્પેશ ઠાકોરના નિવેદનિ વિશે જ્યારે તેમના અમુક કાર્યકરોને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં જઇને સૌથી મોટી ભૂલ કરી છે. અલ્પેશ જો કોંગ્રેસમાં રહ્યો હોત તો તે રાજા જ હતો, પરંતુ ભાજપમાં જઇને હવે અલ્પેશ બિલાડી થઇ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવે ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે, તેમ તેમ ગરમાવો વધતો જાય છે. હાલ પાટણના રાધનપુર સીટ પર બન્ને પાર્ટીઓના ઉમેદવારો સહિત મોટા નેતાઓ પોતાની પાર્ટીને જીતાડવા માટે સભાઓ, રેલીઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોરને લઇને સોમવારે પણ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા હતા.

રાધનુપુરમાં ભાજપની ચાલુ સભામાં અલ્પેશ ઠાકોરનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અલ્પેશનો આ પ્રકારનો ફોટો વાયરલ થતા રાજનીતિ ગરમાઇ ગઇ છે. ચૂંટણી પહેલા જ ઉમેદવારનું ચાલું સભામાં આ પ્રકારના વર્તનનો ફોટો કેટલો યોગ્ય કહેવાય તે લોકોમુખે ચર્ચાઇ રહ્યું છે.