હું છું ગાંધી: ૭૫ કરી કમાણી એળે ગઈ?

મિ. ચેમ્બરલેન સાડા ત્રણ કરોડ પાઉન્ડ દક્ષિણ આફ્રિકામાંથી લેવા આવ્યા હતા, અંગ્રેજોનું અને બની શકે તો બોઅરોનું મન હરણ કરવા આવ્યા હતા. એટલે હિંદી પ્રતિનિધિઓને ઠંડો જવાબ મળ્યો.

‘તમે તો જાણો છો કે જવાબદાર સંસ્થાઓની ઉપર વડી સરકારનો માત્ર નામનો જ અંકુશ છે. તમારી ફરિયાદો તો સાચી લાગે છે. હું મારાથી બનતું કરીશ, પણ તમારાથી બને તેવી રીતે અહીંના ગોરાઓને રીઝવીને રહેવાનું છે.’

પ્રતિનિધિઓ જવાબ સાંભળી ટાઢાબોળ થઈ ગયા. મેં હાથ ધોયા. ‘જાગ્યા ત્યારથી સવાર’ ગણી ફરી એકડો ઘૂંટવા બેસવું એમ સમજ્યો. સાક્ષીઓને સમજાવ્યા.

મિ. ચેમ્બરલેનનો જવાબ શું ખોટો હતો? ગોળ ગોળ કહેવાને બદલે તેઓ સીધુ બોલ્યા. ‘મારે તેની તલવાર’નો કાયદો તેમણે કંઈક મધુર શબ્દોમાં સમજાવી દીધો.

પણ અમારી પાસે તલવાર જ ક્યાં હતી? અમારી પાસે તો તલવારના ઘા ઝીલવાનાં શરીરોય ભાગ્યે હતાં.

મિ. ચેમ્બરલેન થોડાં અઠવાડિયાં જ રહેવાના હતા. દક્ષિણ આફ્રિકા એક નાનકડો પ્રાંત નથી. એ એક દેશ છે, ખંડ છે. આફ્રિકામાં તો ઘણા પેટાખંડો સમાયા છે. કન્યાકુમારીથી શ્રીનગર જો ૧૯૦૦ માઈલ છે, તો ડરબનથી કેપટાઉન ૧૧૦૦ માઈલથી ઓછું નથી. આ ખંડમાં મિ. ચેમ્બરલેનને પવનવેગે ફરવું હતું. તેઓ ટ્રાન્સવાલ ખાતે ઊપડ્યા. મારે ત્યાંનો કેસ તૈયાર કરી રજૂ કરવો રહ્યો. પ્રિટોરિયા કઈ રીતે પહોંચવું? ત્યાં હું વખતસર પહોંચી શકું એ માટે પરવાનગી મેળવવાનું આપણા લોકોથી બની શકે તેમ નહોતું.

લડાઈ પછી ટ્રાન્સવાલ ઊજડ જેવું થઈ ગયું હતું. ત્યાં ખાવાપીવા અનાજ નહોતું. પહેરવા-ઓઢવા કપડાં નહોતાં ખાલી અને બંધ થઈ ગયેલી દુકાનો ભરવી ને ઉઘાડવી રહી. તે તો ધીમે ધીમે થાય. જેમ માલ ભરાતો જાય તેમ તેમ જ ઘરબાર છોડી ભાગી ગયેલા માણસોને આવવા દેવાય. આથી દરેક ટ્રાન્સવાલવાસીને પાસ લેવો પડતો. ગોરાઓને તો પરવાનો માગ્યો મળતો. હિંદીઓને મુસીબત હતી.

લડાઈ દરમ્યાન હિંદુસ્તાનથી ને લંકાથી ઘણા અમલદારો ને સિપાહીઓ દક્ષિણ આફ્રિકામાં પહોંચી ગયા હતા. તેમાંના જેઓ ત્યાં જ વસવા માગતા હોય તેમને સારુ સગવડ કરી દેવાની બ્રિટિશ રાજ્યાધિકારીઓની ફરજ મનાઈ હતી. અમલદારોનું નવું મંડળ બનાવવાનું તો તેમને હતું જ. તેમાં આ અનુભવી અમલદારો સહેજે ખપ લાગ્યા. આ અમલદારોની તીવ્ર બુદ્ધિએ એક નવું ખાતું જ શોધી કાઢયું. તેમાં તેમની આવડત પણ વધારે તો ખરી જ! હબસીઓને લગતું નોખું ખાતું જ. ત્યારે એશિયાવાસીઓને સારુ કાં નહીં? દલીલ બરોબર ગણાઈ. આ નવું ખાતું, હું પહોંચ્યો ત્યારે ખૂલી ચૂક્યું હતું. તે ધીમે ધીમે પોતાની જાળ પાથરી રહ્યું હતું. જે અમલદાર ભાગેલાઓને પરવાના આપતા હતા તે જ ભલે બધાને આપે. પણ એશિયાવાસીની તેને શી ખબર પડે? જો આ નવા ખાતાની ભલામણથી જ એને પરવાના મળે તો પેલા અમલદારની જવાબદારી ઓછી થાય ને તેના કામનો બોજો પણ કંઈક ઘટે, એવી દલીલ થઈ. હકીકત તો એ હતી કે, નવા ખાતાને કંઈક કામની ને કંઈક દામની જરૂર હતી. કામ ન હોય તો આ ખાતાની જરૂરિયાત સિદ્ધ ન થાય ને છેવટે તે નીકળી જાય. એટલે આ કામ તેને સહેજે જડયું.

આ ખાતાને હિંદી અરજી કરે. પછી ઘણે દિવસે જવાબ મળે. ટ્રાન્સવાલ જવા ઇચ્છનારા ઘણા, એટલે તેમને સારુ દલાલો ઊભા થયા. આ દલાલો ને અમલદારો વચ્ચે ગરીબ હિંદીઓના હજારો રૂપિયા લૂંટાયા. મને કહેવામાં આવ્યું હતું કે વગ વિના પરવાનાની રજા મળતી જ નથી ને વગ છતાં કેટલીક વાર તો જણદીઠ સો સો પાઉન્ડ જેટલો ખર્ચ થાય છે. આમાં મારો પત્તો ક્યાં લાગે?

હું મારા જૂના મિત્ર ડરબનના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને ત્યાં પહોંચ્યો ને તેમને કહ્યું, ‘તમે મારી ઓળખાણ પરવાનાના અમલદારને આપો ને મને પરવાનો કઢાવી આપો. હું ટ્રાન્સવાલમાં રહ્યો છું એ તો તમે જાણો છો.’ તેઓ તરત માથે ટોપી ઘાલીને મારી સાથે આવ્યા ને મારો પરવાનો કઢાવી આપ્યો. મારી ટ્રેનને ભાગ્યે એક કલાક બાકી હશે. મેં સામાન વગેરે તૈયાર રાખ્યું હતું. સુપરિન્ટેન્ડેન્ટ અલેક્ઝાન્ડરનો ઉપકાર માની હું પ્રિટોરિયા જવા ઊપડયો.

મુશ્કેલીઓનો ચિતાર મને ઠીક ઠીક આવી ગયો હતો. પ્રિટોરિયા પહોંચ્યો. અરજી ઘડી. ડરબનમાં પ્રતિનિધિનાં નામ કોઈને પૂછયાનું મને યાદ નથી. અહીં તો નવું ખાતું ચાલતું હતું તેથી પ્રતિનિધિનાં નામ પહેલેથી પુછાયા. મતલબ મને દૂર રાખવાની હતી એમ પ્રિટોરિયાના હિંદીઓને ખબર પડી ગઈ હતી.

આ દુઃખદાયક છતાં રમૂજી કિસ્સો હવે પછી.

વધુ આવતા અંકે______