હું ભાજપમાં નહીં જોડાઉ એવું કહેનાર MLA ધારવિયા ભાજપમાં

જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવવાની વિધી કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપના અગ્રણીઓ તેમજ મંત્રી હકુભા જાડેજા, જામનગર જિલ્લાના ભાજપના અગ્રણીઓ, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં જામનગર જિલ્લાની 7 બેઠકોમાંથી કોંગ્રેસે 4 બેઠકો કબજે કરી ભાજપને આંચકો આપ્યો હતો. સતવારા સમાજના અગ્રણી વલ્લેભ ધારવિયાએ પૂર્વ પ્રધાન અને ભાજપમાં શંકરસિંહની સાથે પક્ષાંતર કરનારા રાઘવજી પટેલને પરાજીત કર્યા હતા.

ગઈકાલ સુધી ભાજપમાં નહીં જોડાવાનું ગાણું ગાતા હતા. ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવાથી તેમને કોઈ પદ આપવાની જાહેરાત થશે નહીં. તેમને કદાચ કોઈ મહત્ત્વના બોર્ડ કે નિગમમાં સત્તા આપવામાં આવે તેવી શક્યતા છે.   પેટા ચૂંટણી માટે કદાચ તેઓને ટિકિટ નહીં આપવામાં આવે એવી અંતદરની વાત છે.

જામનગર લોકસભાની બેઠક માટે મનસુખ માંડવીયા નિરીક્ષક તરીકે મૂકીને હાર્દિક પટેલને હરાવવા જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે પોતાના નિરીક્ષકોની ટીમની જાહેરાત પણ કરી દીધી છે.

જામનગર લોકસભાની બેઠક માટે જ્ઞાતિ પ્રમાણે ભાજપે નિરીક્ષકોની ટીમમાં મનસુખ માંડવીયા, રમણ વોરા અને બિનાબેન આચાર્યને રાખવાંમાં આવ્યા છે.

એક મહિનામાં વલ્લભભાઈ ધારવિયા ગુજરાત કૉંગ્રેસ પાક્ષમાંથી રાજીનામુ આપનારા 5માં ધારાસભ્ય છે. તેના પહેલા કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા અને પરસોત્તમ સાબરીયાએ રાજીનામુ આપ્યું હતુ. મહિલા ધારાસભ્ય આશાબેન પટેલ પણ ભાજપમાં જોડાયા છે. હાલમાં કૉંગ્રેસની પાસે ધારાસભ્યોની સંખ્યા 77 થી ઘટીને 71 રહી ગઈ છે.