હેડ કોન્સ્ટેબલ શકુંતલા ત્યજાયેલા બાળકની સારી માતા પણ બની

2014ની વાત છે, તે દિવસે હું અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાંથી મારી નોકરી પુરી કરી ઘર તરફ જોઈ રહી હતી. મેં જોયુ તો બસ સ્ટેન્ડ ઉપર લોકોનું ટોળુ ઉભું હતું. એક તરફ કુતુહલ પણ હતું. સાથે પોલીસ તરીકે પણ મારે ત્યાં શું થઈ રહ્યું છે તે જોવાની જવાબદારી હતી. હું લોકોનું ટોળુ પાર કરી ત્યાં પહોંચી મેં જોયું તો બસ સ્ટેન્ડ ઉપર એક પ્લાસ્ટીકની થેલી પડી હતી. લોકોની નજર થેલી તરફ હતી, કારણ થેલીમાં કંઇક હલનચલન થઈ રહી હતી. મેં સાવચેતી સાથે થેલી ખોલી જોયું અને થેલીના અંદર નજર કરતા હું પોલીસ હોવા છતા મારી શરીરમાંથી લખલખુ પસાર થઈ ગયું. થેલીમાં એક નવજાત બાળકી હતી. આ શબ્દો હાલમાં ઈસનપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શકુંતલા પરિહારના છે.

હેડ કોન્સ્ટેબલ શકુંતલા પોતાની વાત આગળ વધારતા કહે છે. મેં તરત વિચાર કર્યો કે આ નવજાત બાળકી કોની છે અને ક્યાંથી આવી તેનો તપાસ કરવાનો સમય નથી. પહેલા આ બાળકી હોસ્પિટલ પહોંચે તે જરૂરી છે. મેં 108 એબ્યુલન્સને ફોન કર્યો અને મિનિટોમાં એબમ્યુલન્સ આવી ગઈ. બાળકીને મેં મારા પોલીસ યુનિફોર્મના દુપ્પટા પકડી રાખી હતી. મને ખબર નથી બાળકી એમ્બ્યુલન્સ સ્ટાફને સોંપવાને બદલે હું પોતે જ બાળકીને લઈ એમ્બ્યુલન્સમાં બેસી ગઈ અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટરે સારવાર શરૂ કરી. બાળકીની તબીયત નાજુક હતી, કારણ એકદમ તાજી જન્મેલી હતી. મને લાગ્યું કે આ મારી જ બાળકી છે. ડૉક્ટર મને બહારથી દવાઓ લખી આપતા અને હું દોડીને દવાઓ લઈ આવતી હતી. પોલીસ તરીકે મારી ફરજ પુરી થઈ ગઈ હતી. જણ મારું એક માતા તરીકેનું મન મને ત્યાંથી ખસવા દેતું નહોતુ. હું પંદર દિવસ સિવિલ હોસ્પિટલમાં તેની સાથે રહી મારે તેની સાથે કોઈ સંબંધ નહોતો છતા મને લાગતું હતું તે મારી જ છે.

મારા ઘરે પણ મારી એક દીકરી હતી, છતા મને આ બાળકી સાથે લગાવ થઈ ગયો હતો. પંદર દિવસ પછી બાળકીની તબીયત સારી થતા હોસ્પિટલે બાળકીને નારી સ્વરક્ષણ ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો. કારણ અમે પંદર દિવસ સુધી બાળકીને માતા કોણ છે તેને શોધી શક્યા નહોતા. હું બાળકની નિયમ પ્રમાણે સ્વરક્ષણ ગૃહમાં મૂકવા ગઈ. જ્યારે હું નારી સ્વરક્ષણ ગૃહમાં બાળકીને સોંપી રહી હતી ત્યારે બાળકીએ તેની નાનકડી આંગળીઓથી મારો ડ્રેસ પકડી રાખ્યો હતો. જાણે તે મને કહી રહી હતી હું તેને છોડીને ના જાઉં. મારી આંખોમાં આંસુઓ વહેવા લાગ્યા. હું મારી જ દીકરીને છોડી જઈ રહી હોઉં તેવું મને લાગી રહ્યું હતું. તે દિવસે ઘરે ગઈ પણ રાતભર મને બાળકીને ચહેરો સામે આવી રહ્યો હતો. હું સૂઈ શકી નહીં. બીજા દિવસે હું ફરી નારી સ્વરક્ષણ ગૃહ પહોંચી મેં કહ્યુ હું બાળકીને દત્તક લેવા માગું છું. તેમણે મને સવાલ કર્યો કે તમારે તો એક દીકરી છે, તમારે કેમ આ દીકરી જોઈએ છે.

મેં કહ્યુ આ પણ મારી જ દીકરી છે. હું તેના વગર રહી શકું નહીં. તેમણે મારી પાસે દત્તક આપવા માટેના ફોર્મ ભરાવ્યા. સરકારી નિયમ પ્રમાણે સરકારી અધિકારીઓએ મને દત્તક આપતા પહેલા બોલાવી. તેમને પણ આશ્ચર્ય હતું કે એક દીકરીની માતા હોવા છતા હું કેમ તેને દત્તક લઈ રહી છું, તેમને ડર એવો પણ હતો કે જો મને ફરી બીજુ કોઈ સંતાન થાય તો હું આ દીકરીની સંભાળ રાખીશ નહીં. મેં ખાતરી આપી કે હવે હું બાળકને જન્મ આપીશ નહીં. છતા સરકારી અધિકારીઓને મારી વાતનો સંતોષ થયો નહીં. તેમણે મને મારી આર્થિક સ્થિતિ પૂછી મેં કહ્યું પોલીસની નોકરી સિવાય મારી પાસે કઈ નથી બસ એક ઘર છે. સરકારી અધિકારીએ કહ્યું તમે આ બાળકીના નામે તમારું ઘર કરી શકો. મેં હા પાડી અને મેં બાળકીના નામે ઘર કરી દીધું. આખરે સરકારી નિયમોને આધીન મને દીકરી મળી.

આજે દીકરી છ વર્ષની છે તેને અમે અનામીકા નામ આપ્યું છે. મારી મોટી દીકરી અને અનામીકા ખાસ સહેલી થઈ ગયા છે. પોલીસની નોકરી દરમિયાન અનેક ગુંડાઓને પકડવાનું કામ કર્યુ છે. સરકારે મારી બહાદુરી ભર્યા કામના ઈનામ પણ આપ્યા છે. પણ મને લાગે છે તેમાં સૌથી મોટુ મારા જીવનમાં કઈ હોય તો અનામીકાનું આગમન છે. અનામીકા મારા અને મારા પરિવારનો અતુલ્ય હિસ્સો છે.

હેડ કોન્સ્ટેબલ શકુંતલા પરિહારની વાત સાંભળી મને લાગ્યુ કે બહાદુરો માત્ર સરહદ ઉપર હોય છે તેવું નથી આપણી આસપાસ પણ શકુંતલા જેવા બહાદુરો હોય છે. આ બહાદુરોની ઠંડી તાકાત જ સમાજને જીવતો રાખે છે. બધુ જ ખાડે ગયુ છે તેવું લાગે ત્યારે શકુંતલા અને અનામીકાની કહાની આપણને જીવવાનું બળ આપે છે. વુમન્સ ડેના દિવસે અમે શકુંતલાને સલામ કરી છીએ.

(પ્રશાંત દયાળ)