હોટલોમાં ફૂડ અધિકારીની ઓળખ આપી તોડ કરનાર પત્રકાર સહીત ૩ શખ્સો ઝડપાયા

મોડાસા, તા.૨૬

અરવલ્લી જીલ્લામાં અસલી નામે નકલી પોલીસ બની તોડ કરતા અનેક શખ્સો જેલની હવા ખાઈ ચુક્યા છે. હાઈવે પર આવેલી હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને કર્મચારીના નામે તોડ કરવા પહોંચેલા એક પત્રકાર સહીત ૩ શખ્સોએ દમદાટી આપી તોડ કરતા હતા. હોટલ માલિકોને શંકા પેદા થતા તોડનો ભોગ બનેલા કેટલાક હોટલ માલિકોએ પીછો કરી મોડાસા નજીકથી ત્રણે શખ્સોને લકઝુરિયસ કાર સાથે ઝડપી પાડી શામળાજી નજીક આવેલી હોટલમાં લાવી પૂછપરછ કરતા ત્રણે શખ્સો બની બેઠેલા ફૂડ એન્ડ ડ્રગ્સના નકલી અધિકારી હોવાની જાણ થતા એક પત્રકાર સહીત અન્ય બે શખ્સોને શામળાજી પોલીસને સુપ્રત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, શામળાજી વિસ્તારમાં આવેલી હોટલમાં કહેવાતો પત્રકાર રામભાઈ અંબાલાલ પ્રજાપતિ (રહે,અમદાવાદ), મનીષ ઉપાધ્યાય(રહે,ગાંધીનગર) અને બી.આર. નાયર(રહે,ગાંધીનગર) નામના ત્રણે શખ્સો લકઝુરિયસ કારમાં પહોંચી હોટલ માલિકોને કાયદાકીય દમદાટી આપી હોટલ પ્રમાણે ૫ થી ૨૦ હાજર રૂપિયાનો તોડ કરતા અનેક હોટલોને ટાર્ગેટ બનાવતા હોટલ માલિકોમાં ખળભળાટ મચ્યો હતો. ત્રણે શખ્સો નકલી હોવાની ગંધ આવતા ત્રણ- ચાર હોટલ માલિકો એકઠા થઈ ત્રણે નકલી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને ઝડપી પાડવા વાહનમાં પીછો કરી મોડાસા નજીક ટોલપ્લાઝા પરથી ઝડપી પાડી શામળાજી નજીક એક હોટલમાં લઈ આવી તલાસી લેતા એક શખ્સ પાસેથી પત્રકારનું કાર્ડ સાથે સરકારી અધિકારીઓ ઉપયોગમાં લેતા હોય તેવા સાહિત્ય અને ફોર્મ મળી આવ્યા હતા અને રબર સ્ટેમ્પ પણ મળી આવતા ત્રણે શખ્શોને શામળાજી પોલીસને સુપ્રત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

કહેવાતા પત્રકાર રામભાઈ પ્રજાપતિ સહીત સાથે બંને રહેલા શખ્સોની પોલ ખુલ્લી પડી જતા ત્રણે કાકલુદી કરી છોડી મુકવા આજીજી કરતા જોવા મળ્યા હતા.