અમદાવાદ, તા. ૧૬
રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી એસવીપી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલના સિક્યોરિટી ઓફિસરે જ સિક્યોરિટી ગાર્ડને પેશન્ટના પરિવારજનો માર મારતા હોવાનો વિડીયો અપલોડ કરી સોશિયલ મિડીયા ઉપર મુકતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા જારી કરાયેલી સુચનાનો ભંગ થયો છે. ઉપરાંત હોસ્પિટલની હાલની પરિસ્થિતિમાં કુલ ૧૬ પૈકી ચાર જેટલા ઓપરેશન થિયેટર બંધ હાલતમાં છે. જો કે આ અંગે શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારો દ્વારા મૌન સેવવામાં આવ્યું છે.
શહેરની ૭૫૦ કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલના ઉતાવળે કરાયેલા ઉદ્ધાટન બાદ અનેક ક્ષતિઓ બહાર આવી રહી છે. થોડા દિવસ પહેલા હોસ્પિટલના પંદરમા માળે વરસાદી પાણી ભરાતા કર્મચારીઓને પાણી ઉલેચવાની ફરજ પડી હતી. ઉપરાંત એ અગાઉ હોસ્પિટલના પાંચમા માળની પીઓપીની સિલિંગ તૂટી પડી હતી. દરમિયાન પાણી અંગેનો વિડીયો વાયરલ થયા બાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ તમામ સ્ટાફને હોસ્પિટલની ઈજ્જત જાય એવા કોઈપણ વિડીયો વાઈરલ ન કરવાની સાફ સૂચના આપી હતી. આ ઉપરાંત જો કોઈ આવી પેરવી કરશે તો તેની સામે સખત કાર્યવાહી કરાશે એમ પણ કહ્યું હતુ. આ તરફ હોસ્પિટલના જ સિક્યોરિટી ગાર્ડ દ્વારા અન્ય ગાર્ડને પેશન્ટના પરિવારજનો માર મારતા હોય એવો વિડીયો વાઈરલ કરતા દિવસભર આ બાબત ચર્ચાનો વિષય બની હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત ડેપ્યુટી મેયર અને પક્ષનેતાને આ મામલે મિડીયા દ્વારા પૂછવામાં આવતા માત્ર એટલું જ કહેવાયું હતુ કે, સિક્યોરિટી ઓફિસરની ઘટના મામલે તપાસ કરાશે. જ્યારે પાણી પડવા અંગે સ્ટેન્ડિંગ ચેરમેન અમુલ ભટ્ટે એટલું કહ્યું, આ મામલે મેયર સહિત તમામે રાઉન્ડ લીધો હતો અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા તંત્રને સૂચના આપવામાં આવી છે. આ તરફ હોસ્પિટલ શરૂ કરાયા બાદ કુલ સોળ ઓપરેશન થિયેટરમાંથી ચાર જેટલા ઓપરેશન થિયેટર બંધ હાલતમાં છે એ સવાલનો પણ જવાબ આપવાનું ભાજપના હોદ્દેદારોએ ટાળ્યું હતું.