૧૦૫ ગામના લોકોની ૫૦૦ વર્ષ ની બાધા પૂર્ણ

અયોધ્યા,તા.૧૯
અયોધ્યાની આસપાસના ૧૦૫ ગામના સૂર્યવંશી ક્ષત્રિય પરિવાર ૫૦૦ વર્ષ બાદ ફરી એક વખત પાઘડી બાંધશે અને ચામડાના ચંપલ પહેરશે. રામ મંદિર નિર્માણના ચુકાદા બાદ તેઓએ પોતાની બાધા પૂર્ણ કરી છે. તેઓએ રામ મંદિરના નિર્માણનો સંકલ્પ લીધો હતો. રામ મંદિરના ચુકાદા બાદ આ તમામ ગામડાઓ માં ઘરે-ઘરે જઈને અને સાર્વજનિક સભાઓ દ્વારા ક્ષત્રિયોને પાઘડીઓની વહેચણી થઈ રહી છે. સૂર્યવંશી સમાજના પૂર્વજાએ મંદિર પર કરેલા હુમલા બાદ બાધા લીધી હતી કે હવે જ્યાં સુધી ફરીથી રામ મંદિર બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના માથા પર પાઘડી નહીં બાંધે, છત્રીથી પણ પોતાનું માથું નહી ઢાંકે અને ચામડાના ચંપલ નહીં પહેરે.

બાધા રાખનાર ૧૦૫ ગામના આ તમામ ઠાકુર પરિવારો પોતાને શ્રીરામ ભગવાનના વંશજ માને છે. સુપ્રીમ કોર્ટના રામ મંદિર નિર્માણના આદેશ બાદ અયોધ્યાના આ ગામડાઓમાં ગજબનો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. સરાયરાસીના બાસદેવ સિંહ વકીલ છે. તેમણે જણાવ્યું કે કોર્ટના ચુકાદા બાદથી અત્યાર સુધીમાં ૪૦૦ પાઘડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. સમાજના લગભગ દોઢ લાખ લોકો અહીંના આસપાસના ગામડાઓમાં રહે છે.