૧૧૫ બંધની પાઈપ લાઈનો પાછળ ૧૩ હજાર કરોડનો ખર્ચ છતાં રૂપાણી પાણી આપી ન શક્યા

વિજય રૂપાણીએ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન વિપક્ષના નેતા  પરેશ ધાનાણીએ ઉપસ્થિત કરેલા સવાલની ચર્ચામાં ભાગ લેતા સ્પષ્ટ પણે કહ્યું કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ક્યાય પાણીની તંગી ન થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે.

સૌરાષ્ટ્રને પાણી ન મળતું હોત, ઢાંકીનું પમ્પિંગ સ્ટેશન ન હોત તો આજે સૌરાષ્ટ્ર ખાલી કરવું પડ્યું હોત એવી સ્થિતિ ઊભી થઈ હોત. આજે પણ સૌરાષ્ટ્રના ડેમમાં નવું પાણી માત્ર ગિર-સોમનાથ અને જૂનાગઢમાં વરસાદના પગલે નવું પાણી આવ્યું છે. બાકી બધા ડેમ ખાલી છે. આ સૌની યોજનાનો સૌથી મોટો અને ઐતિહાસિક બનાવ કહીએ તો ભાદર ડેમમાં સૌની યોજનાને કારણે સરકાર ૮ ફૂટ જેટલું પાણી પહોંચાડી શકી છે. અને જો આ ન થયું હોત તો આસપાસના જેતપુર-ધોરાજી, ગોંડલ વિસ્તારના ગામો પાણી વિના તરસ્યા રહ્યા હોત.

નર્મદાના સરદાર સરોવર ડેમમાંથી સંપૂર્ણ ન થવાના કારણે વર્ષોથી પાણી દરિયામાં વહી જતા હતા, ડેમની સપાટી આગળ વધતી ન હતી, અને એક તરફ લોકો પાણી વિના તરસતા હતા અને બીજી તરફ પાણી વહી જતુ હતું. સદનસીબે ડેમનું કામ પૂર્ણ થયું અને સૌની યોજના એ ખેડૂતો માટે તથા પીવાના પાણી માટે કરોડરજ્જુ સમાન છે.

આજે પાઇપલાઇન-પમ્પિંગ સ્ટેશનો બન્યા છે. આ માટે આપણો ૧૩ હજાર કરોડનો અંદાજ હતો. ૧૧૫ ડેમ જોડવાનો છેલ્લો તબક્કો ચાલુ છે. એક વર્ષમાં કામ પતી જવાનું છે અને એ પછી ઇન્ટરકનેક્શન દ્વારા બધા જળાશયો જોડાઇ જવાના છે. ગઇકાલે બજેટમાં પણ પાણી પર ફોકસ કર્યું છે.

આપણે ડેફિસિઅન્સીમાંથી સરપ્લસમાં જઇએ તેટલા માટે આ ફોકસ કર્યું છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ૪ દિવસથી ભારે વરસાદ છે અને બાકીનો વિસ્તાર કોરો છે.

ગુજરાતમાં કાયમ ચોમાસામાં કોઇ વિસ્તાર કોરો અને ક્યાંક ભારે વરસાદ હોય છે, ત્યારે આવા નેટવર્કથી જ્યાં નથી ત્યાં પાણી પહોંચાડી શકવાનું આયોજન છે. એશિયાની સૌથી મોટી પાઇપલાઇનનું નેટવર્ક એ સૌની યોજનાનો પ્રોજેક્ટ છે.

આજે ૭૦ ટકા સૌરાષ્ટ્ર નર્મદાનું પાણી આવે છે. ભેંસાણમાં નર્મદાનું પાણી જાય, ખોડિયાર ડેમમાં પણ પહોંચાડીશું, શેત્રુંજયમાં પણ આપણે પાણી નાખ્યું છે, તે સૌની યોજના મારફત નાખ્યું છે. આ યોજનાના નેટવર્કને આધારસ્તંભ ગણી પીવા ઉપરાંત ખેતીમાં સિંચાઇ માટે મહત્તમ પાણી આપી શકીએ તેવું આયોજન છે.

સૌરાષ્ટ્રના કેચમેન્ટમાં વરસાદ જ ન પડે તો ડેમો ભરાવાના નથી. ૧૧૫ ડેમ ખાલી જ રહે પરંતુ નર્મદામાં પૂરતું પાણી હશે તો એ ડેમોમાં પાણી ટ્રાન્સફર થશે. આજની તારીખે ભાદર ડેમમાં પાણી આપવાનું ચાલુ છે. જ્યાં જ્યાં જરૂર છે ત્યાં નર્મદાના પાણી પહોંચાડ્યા છે. ૩૫થી વધુ જળાશયોમાં નર્મદાના પાણી પહોંચ્યા છે અને વધુ તળાવો-ચેકડેમોમાં જ્યાં જરૂર પડી ત્યાં પાણી ભર્યાં છે.

કચ્છના ટપ્પર ડેમમાં પણ નર્મદાના પાણી પહોંચાડ્યા છે. જો ટપ્પરમાં નર્મદાના પાણી પહોંચાડ્યા ન હોત તો આજે કચ્છમાં શું સ્થિતિ હોત? કચ્છમાં લોકો-પશુઓને પાણી વિના ટળવળવું પડ્યું હોત. આ યોજનાના કારણે કચ્છ સુધી પાણી પહોંચ્યું છે, સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સમાન આ યોજના અમે પૂર્ણ કરી છે, તેનું અમને ગૌરવ છે.