અમદાવાદ,તા.૧૪
અમપા હેલ્થ વિભાગ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ચાલતી મોસ્કીટો બ્રિડીંગની સામેની કાર્યવાહીમાં સોમવારે ફરી એક નાટક ભજવાયુ.અમપાના સંકુલોમાં મચ્છરોના પોરા મળવા છતાં કોઈ દંડનીય કાર્યવાહી કરાઈ નથી.કુલ મળીને શહેરમાં ૧૨૩૬ એકમો જેમાં મોલ,મલ્ટીપ્લેકસ, અમપાના પ્રિમાઈસીસ અને ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે તેમાં તપાસ કરી ૧૮૪ એકમોને નોટિસ આપી ૪૦ એકમો સીલ કરાયા છે.જે સામે રૂપિયા ૨.૫૦ લાખનો દંડ વસુલવામા આવ્યો છે.
સોમવારે શહેરના સાત ઝોનમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં ચાંદખેડાના એક બિલ્ડીંગમાં બ્રિડીંગ મળતા આખુ બિલ્ડીંગ સીલ કરાતા ઉહાપોહ થવા પામ્યો હતો.આ તરફ હેલ્થ વિભાગ દ્વારા જારી કરાયેલી યાદીમાં આસોપાલવ ગેસ્ટહાઉસ,નરોડા,હોટલ કયારા,સરદારનગર,નેન્સી મેગા માર્ટ,નિકોલ,આર કે એસ્ટેટ,ગોમતીપુર સહીતના સીલ કરેલા એકમોમાં અમપાના કોઈ એકમનો સમાવેશ કરાયો નથી.ઉપરાંત ચાંદખેડા સ્મશાનગૃહ,શ્રીનાથ પંપીંગ સ્ટેશન,મોટેરા સુઅરેજ ડ્રેનેજ પંપીંગ સ્ટેશનમાં મચ્છરો મળી આવ્યા હોવા છતાં માહીતી છુપાવવામા આવી છે.મેટ્રો સામે પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી.એનઆઈડી પાલડી પાસેથી રૂપિયા ૭ હજાર અને શાલીન,પાલડી પાસેથી રૂપિયા બે હજારનો દંડ વસુલાયો છે.