ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૩૦: ૭૦મા સ્થાપના દિવસની ૧ ઓક્ટોબરથી શરુ થતી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના ગોલ્ડન ડેની ઉજવણીની સાપ્તાહિક રજા પર ચીન જાય, તે પહેલા ડ્રાય બલ્ક કોમોડીટીનું દુનિયાભરમાં વહન કરતા માલ વાહક જહાજોનો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ, પાછલા ૧૭ ટ્રેડીંગ સત્રમાંથી ૧૬મા ઘટ્યો હતો. રાજધાની બીજિંગ આસપાસના તમામ શહેરોના હવામાન સુદ્ધિકરણ અભિયાનના ભાગ રૂપે કોકિંગ કોલ અને સ્ટીલ મિલોના ઉત્પાદન પર કાપ મૂકી દેવામાં આવ્યો છે. બીમ્કોના ચીફ શીપીંગ એનાલીસ્ટ કહે છે કે બજાર વર્તમાન ઘટાડાની આ સાયકલમાંથી બહાર આવે તે પહેલા બાલ્ટિક અને કેપ્સાઈઝ ઇન્ડેક્સ આ સપ્તાહે વધુ ઘટવાની સંભાવના ઉજળી છે. શુક્રવારે બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ એક જ દિવસમાં ૫.૪ ટકા (૧૦૬ પોઈન્ટ) તૂટી ૧૮૫૭ પોઈન્ટ બંધ રહ્યો હતો.
છેલ્લા એક સપ્તાહમાં આ ઇન્ડેક્સ ૧૬.૨ ટકા ઘટ્યો હતો ૮ મહિનામાં આ પહેલી સાપ્તાહિક ઘટના હતી. બીડીઆઈ ૪ સપ્ટેમ્બરે ૨૫૦૧ પોઈન્ટ થયો હતો, જે નવેમ્બર ૨૦૧૦ પછીની નવી ઊંચાઈ હતી. છેલ્લા ત્રણ જ સપ્તાહમાં આ ઇન્ડેક્સ ૨૫ ટકા કરતા વધ્યું ઘટ્યો છે. કેપ્સાઈઝ જહાજના નુર ઘટતા કેપ્સાઈઝ ઇન્ડેક્સ ૮.૩૯ ટકા (૨૬૩ પોઈન્ટ) ઘટી ૩૩૩૮ પોઈન્ટ થયો આ ઘટનાએ બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ ઘટાડામાં મુખ્ય ભૂમિકા કરી હતી. ૧.૭૦થી ૧.૮૦ લાખ ટન કોલસો, આયર્ન ઓર કે અનાજનું વહન કરતા કેપ્સાઈઝ જહાજનું દૈનિક સરેરાશ નુર ૨૨૮૩ ડોલર ઘટીને ૨૪,૯૧૬ ડોલર શુક્રવારે નોંધાયું હતું.
પૂર્વ ચીનના શેંગડોંગ જીલ્લાના ક્વીન્ગ્ડાઓ પોર્ટ શહેરમાં ૨૬ સપ્ટેમ્બરે મળેલી ૧૯મી ચાઈના ઇન્ટરનેશનલ સ્ટીલ એન્ડ રો મટીરીયલ કોન્ફરન્સમાં ડેલીગેટ્સનો મત એવો હતો કે, ઓક્ટોબરથી ડીસેમ્બર ત્રિમાસિકમાં એક તરફ દરિયાઈ સફરમાં ઓછા માલવાહક જહાજો ઉપલબ્ધ હશે, ત્યારે ચીનમાં આયર્ન ઓરની રી-સ્ટોકીંગ માંગમાં ઉછાળો આવશે. અને જહાજી નુર બજારમાં પણ તેજી આવવાની શક્યતા છે. ચીનમાં માર્ચ ૨૦૧૮થી આયર્ન ઓરનો સ્ટોક સતત ઘટી રહ્યો છે. ચીનનો પોર્ટ સ્ટોક અત્યારે ૩૦ ટકાના ઘટાડે ૧૨૦૦ લાખ ટનના તળિયે ગયો છે. એવી આશા રાખવામાં આવે છે કે તળિયે ગયેલો આ સ્ટોક હવે અટકવો જોઈએ અને ચીનમાં ટૂંકમાં રી-સ્ટોકીંગ શરુ થવું જોઈએ.
છેલ્લા ત્રણ સપ્તાહથી ઘટી રહેલા નુરને ધ્યાનમાં રાખીને જુના જહાજો ખાસ કરીને ૨૦૦૮થી ૨૦૧૧ની વચ્ચે દરિયાઈ યાત્રાએ ઉતર્યા છે, તેની માંગમાં વધારો જોવાઈ રહ્યો છે. શીપ બ્રોકર્સ ઇન્ટરમોડેલએ તેના ગત સપ્તાહના અહેવાલમાં કહ્યું હતું કે સેન્ટિમેન્ટની દ્રષ્ટીએ જોઈએ તો છેલ્લા પાંચ મહિનાથી બલ્ક નુર બજારમાં ભાવોની ભારે ઉથલપાથલ થઇ રહી છે. ટૂંકાગાળા માટે પનામેક્સ જહાજી સેગ્મેન્ટમાં તો ભારે અફડાતફડી મચી હતી, પણ હવે તબક્કાવાર તેની માંગ નબળી પડીને સુપ્રામેક્સ જહાજોએ તેનું સ્થાન લઇ લીધું છે. હાલમાં બજારમાં સંખ્યાબંધ વાસ્તવિક નુર ગ્રાહકો અસ્તિત્વમાં હોય છે ત્યારે જ જહાજોના નૂરમાં ક્ષણીકવારમાં વ્યાપક વધઘટ થઇ જતી જોવા મળે છે. બીજી તરફ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનનાં નિયમ કાનુન ધોરણોને પહોચી વળવા તેમજ સલ્ફ્યુરિક ફ્યુઅલ અને તેના ધુમાડા ઘટાડવાના હેતુથી કેટલાંક જહાજો ડીસલ્ફરાઈઝેશન ફેસેલીટી સ્ટાન્ડર્ડ સિદ્ધ કરવા પ્રવૃત્ત થયા હોવાથી પણ જહાજોની ઉપલબ્ધી ઘટી ગઈ છે.