March 27th, 2018
પ્રતિષ્ઠિત ઇન્ડિયા બુક ઑફ રેકાર્ડ્સમાં ડાંગનું નામ નોંધાયુ સ્વર્ણાક્ષરે
વનરાજ પવાર-તાપીમિત્ર ન્યુઝ,આહવા:તંદુરસ્ત સમાજ નિર્માણની આહ્લેક સાથે કુપોષણને દેશવટો આપવા માટેનો શંખનાદ ફૂંકતા ડાંગ જિલ્લા પ્રશાસને, એક સાથે જિલ્લાની ૧૭,૭૦૧ કિશોરીઓને આયર્ન (લોહતત્વ)ની ગોળી, એક જ દિવસે-એક જ સમયે ગળાવીને, પ્રતિષ્ઠિત ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન દર્જ કરાવી, ડાંગ જિલ્લાનું નામ સ્વર્ણાક્ષરે અંકિત કર્યુ છે.ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સના પ્રતિનિધિ શ્રી વિશ્વદિપ રોય ચૌધરી તથા તેમની ટીમની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગે મુખ્ય મથક આહવા સહિત વધઇ, સુબિર અને સાપુતારા ખાતે તા.ર૮/૩/ર૦૧૮નાં રોજ બરાબર ૧૧ વાગ્યાના ટકોરે જિલ્લાની ૧૭,૭૦૧ કિશોરીઓને એક સાથે આયર્નની ગોળી ગળાવીને આ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
જિલ્લાની આરોગ્ય સેનાની આ સિદ્ધિને બિરદાવતા ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સના પ્રતિનિધિ શ્રી વિશ્વદિપ રોય ચૌધરીએ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જ્યારે હકારાત્મક્તા સાથે, સમાજલક્ષી કાર્ય માટે એકજૂટ થાય છે ત્યારે ધાર્યુ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે તેમ જણાવી, ડાંગ જિલ્લા પ્રશાસનના આ પ્રયાસને બિરદાવ્યો હતો.તંદુરસ્ત અને સ્વસ્થ ભાવિ પેઢીના ધડતર માટે પાયાનું કાર્ય કરવા બદલ જિલ્લાના આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવતા ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે, પાયાના આરોગ્યકર્મીઓ દ્વારા નિષ્ઠાપૂર્વક હાથ ધરાયેલા કાર્યનું સૂફળ પ્રાપ્ત થયુ છે તેમ જણાવી, ડાંગની કિશોરીઓ કે જે ભવિષ્યની માતાઓ છે તેમને નિયમિત રીતે આયર્નની ગોળીઓ લેવા સાથે, બાળલગ્ન જેવા કુરીવાજોને તિલાંજલી આપવા અનુરોધ કર્યો હતો.ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ ટીમ આરોગ્યને અભિનંદન પાઠવી, સતત સારા પરિણામો મેળવતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી વઢવાણિયાએ આરોગ્ય સેવાઓની અસરકારકતા વધારવાની સાથે, પ્રજાજનોમાં પણ સતત જાગૃતિ આવે તે માટે પદાધિકારીઓના સહયોગથી વ્યાપક જનઆંદોલન જગાવવાનો પણ અનુરોધ કર્યો હતો.
ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી સુરેશભાઇ ચૌધરીએ જિલ્લા વહિવટી તંત્રના સહિયારા પ્રયાસોની હિમાયત કરી, સૌને અભિનંદન પાઠવ્યા હતા.ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાએ ટીમ ડાંગની પાછલા બે માસની રાતદિવસની જહેમત બાદ, આજે ડાંગ જિલ્લો આ કીર્તિમાન સ્થાપી શક્યો છે તેમ જણાવી, તમામ આરોગ્યકર્મીઓના ફાળાને બિરદાવ્યો હતો. ડાંગ જિલ્લાને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવાની ચિંતા, બેટી બચાવો-બેટી પઢાવોની વડાપ્રધાનશ્રીની વિભાવના, અને સંવેદનશીલ રાજ્ય સરકારની સંવેદનશીલતાને કારણે આજે ડાંગ જિલ્લાએ આ એવોર્ડ્સ મેળવ્યો છે તેમ ડૉ.મહેતાએ ખુશી સાથે જણાવ્યું હતું.આ વેળા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી સ્મિતાબેન ગાવિત સહિત વિરોધ પક્ષના નેતા શ્રી હરેશ બચ્છાવ, તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લાની આરોગ્ય સેના, જિલ્લાભરની કિશોરીઓ, સ્થાનિક મીડિયાકર્મીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનિય છે કે, તા.ર૮/૩/ર૦૧૮નાં રોજ જિલ્લાના (૧) પોલીસ પરેડ ગ્રાઉન્ડ-આહવા સહિત (ર) હેલીપેડ ગ્રાઉન્ડ-સાપુતારા, (૩) પી.ટી.સી.કૉલેજ-વધઇ, અને (૪) નવજ્યોત હાઇસ્કૂલ-સુબિર ખાતે, જિલ્લાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલી તમામે તમામ કિશોરીઓને, એકી સાથે-એકી સમયે લોહતત્વની ગોળીઓ ગળાવી, આ ક્ષેત્રે નોંધાયેલા આ અગાઉના ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડને બ્રેક કરી, નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનો મહાયજ્ઞ આરંભાયો હતો.દરમિયાન ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સના પ્રતિનિધિ શ્રી વિશ્વદિપ રોય ચૌધરીએ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાને એવોર્ડ્સ, પ્રમાણપત્ર અને શીલ્ડ એનાયત કર્યું હતું.