અમદાવાદ કોર્પોરેશને થોડાં સમય પહેલા સાબરમતી શુદ્ધ કરવા માટે નદીમાં આવતાં પ્રદુષિત પાણીને ટ્રીટ કરવા માટે એસટીપી પ્લાન્ટ એટલે કે સુઅરેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાની જાહેરાત કરી હતી. પણ આ અંગેની કાર્યવાહી સમયસર થશે કે કેમ તે અંગે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે.
વિંઝોલ પાસે એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવા અને નવો પ્લાન્ટ બનાવામાં વિલંબ થયો છે. જેના કારણે આજે પણ અશુદ્ધ પાણી નદીમાં જઈ રહ્યું છે. સાબરમતીમાં પ્રદુષણ રોકવા એએમસી નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે. પાણી ટ્રીટ કરી નદીમાં જાય તે માટે વિંઝોલ ખાતે આવેલા 70 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાર મહિનામાં અપગ્રેડ કરવાનો હતો, જે 25 મહિના થવા છતાં અપગ્રેડ થયો નથી.
એએમસી દ્વારા 2016માં ટ્રીટમેન્ટ પ્લાન્ટને અપગ્રેડ કરવા માટે રૂપિયા 8 કરોડ ફાળવવામાં આવ્યા હતા. રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા પ્રા. લિમિટેડને અપગ્રેડ કરવા માટે કોટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે હજી આ કામ બાકી છે. પ્લાન્ટ અપગ્રેડ ન થવાથી ફેક્ટરીના કેમિકલવાળા પાણી નદીમાં છોડવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયા 50 કરોડના ખર્ચે 35 એમએલડીનો નવો પ્લાન્ટ બનવાનો હતો. જેની મુદત 24 મહિનાની હતી, જે પૂર્ણ થઈ ગયાને 6 મહિના થવા છતાં કામ પૂર્ણ થતું નથી. આ બાબતને લઈ જવાબદાર સામે પગલાં ભરવાની માંગ વિપક્ષે કરી છે. તો તંત્ર પણ કામ વિલંબ થયું હોવાનુ સ્વીકારે છે.