૩,૭૧૦ કરોડના મૂડીરોકાણના પ્રોજેક્ટ્સ માટે એમ.ઓ.યુ. કરાયા

સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ અને મહાનસરીયા ટાયર્સ
પ્રા. લિમિટેડ ગુજરાતમાં કુલ રૂ. ૩,૭૧૦ કરોડના મૂડીરોકાણ સાથે નવા પ્રોજેક્ટ શરૂ કરશે.
ગાંધીનગરમાં આ ત્રણેય કંપનીઓએ રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ. કર્યા હતા.

સાંઘીપુરમ, કચ્છમાં વાર્ષિક ૪ મિલિયન ટન સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી
સાંઘી ઇન્ડસ્ટ્રીઝ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધારીને વાર્ષિક ૮.૬ મિલિયન ટન કરવા જઈ
રહ્યા છે. આ માટે તેઓ સાંઘીપુરમ ખાતે જ રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે પ્લાન્ટનું વિસ્તરણ
કરવા જઈ રહ્યા છે. આ વિસ્તરણથી વધુ ૩૫૦ લોકો માટે રોજગારીની સંભાવના ઊભી થશે.
વર્ષ ૨૦૨૦ સુધી કાર્યરત થઈ જનારા આ પ્રોજેક્ટ માટે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન
અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રવિ સાંઘીએ આજે ગાંધીનગરમાં એમ.ઓ.યુ. કર્યા હતા.

ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કચ્છમાં મીઠા અને મરીન કેમિકલ્સના ઉત્પાદન માટે
રૂ. ૫૫૦ કરોડના ખર્ચે પ્લાન્ટ શરૂ કરશે. ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર
શ્રી રવિશંકર જાલને આજે એમ.ઓ.યુ કર્યા હતા. વર્ષ ૨૦૨૧ સુધીમાં કાર્યરત થઇ જનારા આ
પ્રોજેક્ટથી અંદાજે ૧૦૦૦ લોકો માટે રોજગારીની તકોનું નિર્માણ થશે. ગીર-સોમનાથના
સુત્રાપાડા ખાતેના બ્રાઉનફિલ્ડ સોડા-એશ પ્લાન્ટના વિસ્તરણ માટે પણ ગુજરાત હેવી
કેમિકલ્સ લિમિટેડે આયોજન કર્યું છે. વર્ષ ૨૦૨૦ સુધી કાર્યરત થનારા રૂ. ૬૦૦ કરોડના મૂડી
રોકાણવાળા આ વિસ્તરણ પ્રોજેક્ટ માટે પણ આજે એમ.ઓ.યુ. કરાયા હતા. લગભગ ૨૦૦૦
લોકો માટે આ પ્રોજેક્ટમાં રોજગારીની નવી તકોનું નિર્માણ થશે.

મહાનસરીયા ટાયર્સ પ્રા. લિમિટેડનું ગુજરાતમાં ભરૂચ જિલ્લાના પાનોલી ખાતે ટાયર
ટ્યૂબ અને અન્ય રબર ઉત્પાદનોનો પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન છે. રૂ. ૧૦૬૦ કરોડના
મૂડીરોકાણવાળા આ પ્રોજેક્ટ માટે મહાનસરીયા ટાયર્સ પ્રા. લિમિટેડના ડાયરેક્ટર શ્રી અશોક મહાનસરીયાએ એમ.ઓ.યુ. કર્યા હતા. વર્ષ ૨૦૨૦ સુધીમાં કાર્યરત થનાર આ પ્રોજેક્ટ
પૂર્ણપણે ધમધમતો થયા બાદ ૨૦૦૦ જેટલા લોકો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે.

આમ કુલ રૂપિયા ૩,૭૧૦ કરોડના મૂડીરોકાણવાળા બે નવા અને બે વિસ્તરણ
પ્રોજેક્ટથી ગુજરાતમાં કુલ પાંચ હજારથી વધુ લોકો માટે રોજગારીની તકોનું સર્જન થશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનર
શ્રીમતી મમતા વર્મા અને ઈન્ડેક્ષ-બીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજકુમાર બેનીવાલ ઉપસ્થિત
રહ્યા હતા.