સારી ખેતી કરતા ખેડૂતો હવે વર્ષે લાખો રૃપિયાની કમાણી કરતાં હોવાથી ખેડૂતોનું જીવનધોરણ સુધર્યું છે. જમીન હોય તો નોકરી કરતાં ખેતી સારી એવું સમજી ચૂકેલું યુવાધન હવે ખેતીમાં નાનપ અનુભવતું નથી. કૃષિ સેક્ટર હવે વિકાસ કરી રહ્યું છે ત્યારે અહીં એક એવા ખેડૂતની વાત છે જેમના જીવનમાં ખેતી એક મહત્ત્વનું અંગ છે. ૧૭ વર્ષ પૂર્વે જ્યારે જામગર જિલ્લાના લાલપુરના ખેડૂતે ખેતીની શરૃઆત કરી ત્યારે આવકમાં પા પા પગલી ભરતા ખેડૂત આજે ખેતીમાં વર્ષે ૧૩થી ૧૪ લાખ રૃપિયાની ચોખ્ખી કમાણી કરે છે. આજે ખેતીએ તેમનું જીવનધોરણ સુધારી દીધું હોવાની સાથે લાલપુરના તેઓ પ્રગતિશીલ ખેડૂત ગણાય છે. ખેતીલક્ષી કાર્યક્રમોમાં તેઓ અચૂક હાજર રહીને નવી ખેતી માટે તત્પર રહે છે. જેઓને અત્યાર સુધી ચારથી પાંચ ખેડૂત એવોર્ડ પણ મળી ગયા છે. ખેતી અંગે જામનગર જિલ્લાના લાલપુરના મહેન્દ્રભાઇ રામજીભાઇ વાચ્છાણીએ જણાવ્યું હતું કે, તેમની પાસે ૨૦ વીઘા જમીન છે. બાકીની ૮૦ વીઘા જમીન તેઓ સગાંસંબંધીની ભાડે લઇ ખેતી કરે છે.
આ જમીન પૈકી તેઓ વર્ષે ૩૦થી ૪૦ વીઘામાં તો બિયારણના પ્લોટ તૈયાર કરે છે. હાલમાં ખેડૂતે ૨૦ વીઘામાં ઘઉંના બિયારણનું પ્લોટિંગ કર્યું છે. ખરીફમાં મગફળીનું પ્લોટિંગ કરતાં ખેડૂતને વીઘા દીઠ ૩૦ મણ મગફળીનું ઉત્પાદન મળ્યું છે. જેના ખેડૂતને પ્રતિ મણે રૃપિયા ૧,૦૦૦ મળ્યા છે. જ્યાં ખેડૂતોને ચાલુ વર્ષે રૃપિયા ૭૦૦થી ૮૦૦ મગફળીના ભાવ મળ્યા છે ત્યાં આ ખેડૂતને પ્રતિ મણ મગફળીમાં રૃપિયા ૨૦૦ વધારે મળ્યા છે.
ખેડૂતે અત્યાર સુધીમાં તલ અને અડદનું પણ પ્લોટિંગ કરી બિયારણ પકવી સારી આવક મેળવી છે. ખેડૂતે જણાવ્યું હતું કે, પાકમાં યોગ્ય માત્રામાં ખાતર, પાણી આપવા સાથે રોગિંગનું પણ મહત્ત્વ છે. ખેડૂત પાકમાં ધ્યાન રાખે તો સારું બિયારણ પકવી શકે છે. નવો ખેડૂત બિયારણનું વાવેતર કરવા ઇચ્છતો હોય તો બીજનિગમની જિલ્લા કચેરીએ અરજી કરી રજિસ્ટ્રેશન કરાવી નોંધણી કરાવવાની હોય છે. મહેન્દ્રભાઇ આત્મા અને કૃષિ વિજ્ઞાાન કેન્દ્ર સાથે જોડાયેલા હોવાથી અત્યાર સુધીમાં દેશના મોટા ભાગના હિસ્સામાં ખેડૂત મુલાકાતો કરી આવ્યા છે. નવી ખેતી માટે રાજ્ય બહાર ટ્રેનિંગ પણ લઈને ખેતીમાં પ્રગતિ કરી છે. લાલપુરમાં અગ્રણી પ્રગતિશીલ ખેડૂત હોવાથી કૃષિ શિબિરો અને ખેડૂતોની સભાઓનો તેઓ અચૂક લાભ લે છે. સંપર્ક : ૯૮૨૫૫ ૬૨૬૫૨ – કરણ રાજપુત