સુરતના વરાછાનાં કાપોદ્રામાં હીરાબાગ ખાતે આનંદનગર સોસાયટીમાં રહેતા 41 વર્ષના લાઠીના મૂળ વતની મહેશભાઇ નાનજીભાઇ લાઠીયા હીરાના વેપારીની મહેશ એન્ડ કંપનીના નામે ભાગીદારી પેઢીમાં સ્ટોક મેનેજર તરીકે કામ કરતો રાજસ્થાની યુવક ચીમનારામ નજર ચૂકવી 16 કેરેટના તૈયાર અને 740 કેરેટના રૂ.1 કરોડના હીરાની ચોરી કરી ભાગી છૂટયો હતો.
કંપનીમાં ચીમનારામ ચતુરારામ થોરી (રહે- અંબિકાનગર, ચંદ્ર કોલોની, ત્રિકમનગર, વરાછા- મૂળ બડામાલાણી, બાડમેર, રાજસ્થાન) છેલ્લાં 3 વર્ષથી રૂ.18 હજારના પગારથી નોકરી કરે છે. ચીમનારામ સેફ કસ્ટડીમાંથી કાચા હીરા કારીગરોને આપતો હતો અને સાંજના સુમારે આ પ્રોસેસ થયેલા હીરા કારીગરો પાસેથી લઇ ડબ્બામાં પેક કરી સેફ કસ્ટડીમાં મૂકી દેતો હતો.
26 એપ્રિલ 2019માં સ્ટોક મેનેજર ચીમનારામ ગેરહાજર જણાતા મેનેજર કલ્પેશભાઇએ કારીગરોને પ્રોસેસ માટે આપવા સેફ કસ્ટડીમાંથી હીરા કાઢયા હતા. બાદમાં તપાસ કરતા સ્ટોક મેનેજર ચીમનારામ રૂ.1 કરોડ ઉપરાંતના હીરા તફડાવી પલાયન થઇ ગયો હોવાનું જણાયું હતું.
સી.સી.ટી.વી ફુટેજ ચકાસાતા રાતે 8 વાગ્યે ચીમનારામ હીરાનું પડીકું ચોરીને ખિસ્સામાં નાંથી 11 મિનિટમાં કંપનીમાંથી નીકળી ગયો હતો. પોલીસે એક ટીમ રાજસ્થાન રવાના કરી છે. રૂ.1 કરોડ 85 હજારના હીરા ચોરી કરીને કારીગર ફરાર થયો છે.
સુરતમાં અગાઉ પણ આવું જ થયું હતું
12 એપ્રિલ 2018માં વેડરોડની ધ્રુવતારક સોસાયટીના હીરાનાં કારખાના માંથી લાખોના હીરાની ચોરી કરી 3 ઈસમો ભાગી છુટ્યા હતા.
19 માર્ચ 2015માં SRKમાંથી 825 કેમેરા અને 30 કર્મચારીઓની નજર ચૂકવીને માત્ર ત્રણ મિનિટમાં રૂ.3 કરોડોના હીરા ચોરી સાગર કપૂરિયા નામના યુવકે કરી હતી. ચ્યો
20 ડિસેમ્બર 2018માં ચોરી કરતા પહેલા મધરાતે મોબાઇલ પર કોન્ફરન્સ કરીને રૂ.1 કરોડ સોનાના પાવડર અને હીરાની ચોરીની ઘટના બની હતી.
8 માર્ચ 2015માં સુરત શહેરમાં આવેલા શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટર્સ પ્રા. લિ.માં 3 વર્ષથી સપ્લાયર તરીકે નોકરી કરતો યુવાન 2500 કેરેટ રફ રૂ.2 હીરા લઈને ભાગી છૂટયો હતો. જોકે પોલીસને હીરાની કિંમત રૂ.35 કરોડથી વધુ હોવાની આશંકા છે.
15 માર્ચ 2015 સુરતના કતારગામાં ઇતિહાસમાં હીરાની સૌથી મોટી લૂંટ રૂ.20 કરોડના હીરાની લૂંટ થઈ હતી. કતારગામ સેફ ડિપોઝીટ વોલ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ગ્લો સ્ટાર હીરા કમ્પનીના કર્મચારી આશરે રૂ.15 થી 20 કરોડના હીરા મુકવા જઈ રહયા હતા. બાઇક પર આવેલા 6 લૂંટારુઓએ લૂંટની ઘટના દરમ્યાન બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. 3 જેટલા લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં આબાદ રીતે ઝડપાઇ ગયા હતા.