1.25 લાખ બોરી બંધ ને હજારો ચેક ડેમ ધોવાઈ ગયા, છતાં તપાસ ન થઈ

ભાજપનાં 22 વર્ષના શાસનમાં જે જળસંચય માટેનું બજેટ ઇમાનદારીથી વાપર્યુ હોત તો આજે જળ સંકટ ન આવત, તરસ લાગી ત્યારે કુવો ખોદવા જવું ન પડે. 2016માં હજારો ચેક ડેમો, 1,25,549 બોરીબંધ, 2,61,988 જેટલી ખેત તલાવડી-સીમ તલાવડીનાં નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા કાગળ ઉપર ખતવાયા અને કમલમમાં ઠલવાણા છે. આ જળ સંચયના અભિયાનના સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પડકાર છે તેમ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે તમારી સરકારે બનાવેલા સવા લાખ બોરીબંધમાંથી એક પણ હયાત રહ્યા નથી. હયાત હયાત બતાવે તો હું રાજીનામુ઼ં આપી દઉં નહીંતર મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપે તેવો પડકાર છે. આ કામોમાંથી ખેત તલાવડીનાં બીલ ખતવવામાં આવ્યા છે પરંતુ 10 ટકા પણ સ્ટ્રકચર સ્થળ પર રહ્યા નથી.

જેની સરકારે આજ સુધી કોઈ તપાસ કરી નથી.

તેમણે કહ્યું કે પાણી બચાવો ઝુંબેશ પ્રજાના પૈસે રાજકીય નાટક છે. પ્રસિધ્ધિ મેળવવાનું નાટક છે. નર્મદા યોજનાનું પાણી ખેડૂતોનાં ખેતરે અને ગામડાના ગોળે પહોંચાડવામાં નિષ્ફળ નીવડેલી ભાજપ સરકાર નિષ્ફળતા છુપાવવા લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા જળસંચય અભિયાનના નામે સહકારી સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓને કામે લગાડી દીધા છે. આ કામથી નિકળી રહેલી માટી પણ કંપનીઓને ખાનગી રીતે વેચીને નાણા કયાંક સગે વગે કરવાનું પણ આયોજન છે.

તેમણે કહ્યું કે ભાજપ સરકાર દ્વારા ગ્રામ વિકાસ, સિંચાઇ આદિવાસી, વન અને પર્યાવરણ,કૃષિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ દરેકમા઼ અબજોનો ભ્રષ્ટાચાર થઇ રહયો છે. તેમ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતું

નર્મદા ચેકડેમ, ખેત તલાવડીઓ અને બોરી બંધ પાછળ કરોડોનું આંધણ છતાં પરિણામ શુન્ય મળ્યું છે. ચેકડેમ, ખેત તલાવડીઓ અને બોરી બંધ બનાવવાની કામગીરી પારદર્શી રીતે કરે તે જરૂરી છે.

સુજલામ સુફલામ યોજનામાં સ્થળ પર કામ થવાને બદલે માત્ર કાગળ પર થતાં હોવાનાં જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા વી.કે. હુમ્બલે આરોપો મૂક્યા છે. ચોમાસાને હજુ બે અઢવાડિયાની વાર છે ત્યારે ગુજરાત સરકારે કચ્છમાં અનેક કામ પૂર્ણ થયા હોવાનું પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા જાહેર કર્યું છે. તેની સામે કચ્છના અનેક કામોમાં ગેરરિતી થયું હોવાનું કચ્છ જિલ્લા કોંગ્રેસે ભુજમાં આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસના આક્ષેપ મુજબ કચ્છમાં છેલ્લા દસ વરસમાં ભાજપ સરકારે ચારથી પાંચ હજાર બોરીબંધ બનાવ્યા છે પરંતુ કેટલા હયાત છે તે એક મોટો પ્રશ્ન છે. જળસંચયના થતા કામો માટે ફોટોસેશન પૂરતું જ હોવાના આક્ષેપ સાથે વિપક્ષી નેતાએ કર્યો છે. વર્ષો અગાઉના કચ્છના કુલ ચાર હજારથી વધુ તળાવો કોઠાસૂઝથી થયેલા હતા. હાલમાં થતા કામો માત્રને માત્ર કાગળ પર જ છે. હાલમાં ચાલતા કામોમાં ઉદ્યોગગૃહોને સરકાર દ્વારા ફરજિયાત આ કામમાં જોતર્યા છે.