10 હજાર કરોડની મોદીની મેટ્રોના ઠેકાણા નથી

છૂક છૂક ગાડી છે, 4300 કરોડના ખર્ચ પછી 6 કિલોમીટર ચાલે છે

અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2020 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો ગુજરાત સરકાર વિધાનસભામાં કર્યો છે. એટલે કે 2020ના અંત સુધીમાં અમદાવાદ મેટ્રોરેલનું કામ પૂર્ણ થતાં અમદાવાદની જનતાને મેટ્રોરેલમાં સફર કરવા મળશે. 15 વર્ષના વિલંબથી મેટ્રો રેલ ચાલી રહી છે. વડાપ્રધાન મનમોહસ સિંગે જ્યારે મેટ્રો માટે મોદીને કહ્યું ત્યારે મેટ્રોનો ઈન્કાર કરી દેવાયો અને બીઆરટીએસ પસંદ કરી હતી. તેથી આ પ્રોજેક્ટ 15 વર્ષના વિલંબથી ચાલી રહ્યો છે. હજું ક્યારે પૂરો થશે તે કોઈ 56 ઈંચની છાતી કાઢીને કહી શકે તેમ નથી. 

વિભાગે જણાવ્યું છે કે મેટ્રોરેલના કારણે અમદાવાદના કુલ 554 પરિવારો અસરગ્રસ્ત બન્યાં છે જે પૈકી 450 પરિવારોને ઇડબલ્યુએસ ઘર અને 104 પરિવારોને વળતર આપવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગે આ પરિવારો માટે 45.08 કરોડ રૂપિયાનું ખર્ચ કર્યું છે. જો કે મેટ્રોરેલમાં હજી ઘણું કામ બાકી છે અને કામગીરી ધીમી ચાલે છે.

અત્યારે માત્ર એપરલ પાર્ક થી વસ્ત્રાલ સુધીના રૂટમાં મેટ્રોરેલ દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં 39.25 કિલોમીટરનું અંતર મેટ્રોરેલ માટે નક્કી કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 10773 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. મેટ્રોરેલના ત્રણ કોચમાં 1017 મુસાફરો એકસાથે મુસાફરી કરી શકશે. મહત્તમ 90 કિલોમીટરની ગતિથી ટ્રેન દોડી શકશે. 

રાજ્યના શહેરી વિકાસ વિભાગે વિધાનસભામાં ધારાસભ્યોના વિવિધ પ્રશ્નોના જવાબમાં કહ્યું છે કે અમદાવાદ મેટ્રોરેલમાં અત્યારે બાંધકામની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થતાં હજી એક વર્ષનો સમય લાગી શકે છે. રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં મેટ્રોરેલ પાછળ રૂ.4228.86 કરોડનો ખર્ચ કર્યો છે.