દક્ષિણ આફ્રિકાની 37 વર્ષીય ગોસિઅમે થમારા સિતોલે 10 બાળકોને જન્મ આપ્યો, જેમાંથી 7 પુત્ર અને 3 પુત્રી છે
ડરબન
દક્ષિણ આફ્રિકામાં એક મહિલાએ 10 બાળકોને જન્મ આપ્યો છે. જો ડૉક્ટરો આ વાતની પુષ્ટિ કરશે તો આ વિશ્વ રેકોર્ડ બનશે. હજી એક મહિના પહેલા જ માલીની એક મહિલાએ મોરોક્કોમાં 9 બાળકોને જન્મ આપ્યો હતો. કહેવાઈ રહ્યું છે કે, દક્ષિણ આફ્રિકાની મહિલા ગોસિઅમે થમારા સિતોલે (37 વર્ષ)એ 10 બાળકોને જન્મ આપ્યો છે. જેમાંથી 7 પુત્ર અને 3 પુત્રી છે.
મહિલાના પતિ ટેબોગો ત્સોતેત્સીએ જણાવ્યું કે, આ બાળકોનો જન્મ 7 જૂનના રોજ સિઝેરિયનથી પ્રિટોરિયાની એક હોસ્પિટલમાં થયો છે. ડૉક્ટરોએ કથિત રીતે ટેબોગોને શરૂઆતમાં જણાવ્યું હતું કે, તેમની પત્નીના ગર્ભમાં 6 ભ્રૂણ છે પરંતુ બાદમાં ખબર પડી કે 8 બાળકો છે. જોકે, જ્યારે ડિલિવરી થઈ ત્યારે બાળકોની સંખ્યા 10 હતી. આ આફ્રિકન કપલના 6 વર્ષના જોડકાં બાળકો પહેલાથી જ છે.
ટેબોગો ત્સોતેત્સી હાલ બેરોજગાર છે. ટેબોગોએ જણાવ્યું કે, બાળકોના જન્મ બાદ તેઓ ખૂબ ભાવુક છે અને ખુશી અનુભવી રહ્યા છે. આ 10 બાળકોમાંથી 7 દીકરા અને 3 દીકરીઓ છે. મારી પત્ની 7 મહિના 7 દિવસથી ગર્ભવતી હતી. મને બહુ આનંદ થઈ રહ્યો છે અને ભાવુક છું. હાલ હું વધારે વાત કરવાની સ્થિતિમાં નથી, તેમ તેણે ઉમેર્યું.
અગાઉ આ પ્રકારની જ દુર્લભ ઘટના બની હતી. આફ્રિકાના દેશ માલીની મહિલાએ મોરક્કોમાં 9 બાળકોને જન્મ આપ્યો હતો. માલી સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મહિલા અને તેના તમામ બાળકો સ્વસ્થ છે. આ પહેલા માલી સરકારે 25 વર્ષની હલીમા સિસ્સેને સારી દેખરેખ માટે 30 માર્ચે મોરક્કો મોકલી હતી. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે, આ મહિલાના પેટમાં સાત બાળકો છે. જોકે, તેણે નવ બાળકોને જન્મ આપ્યો હતો. અત્યાર સુધી 6 બાળકોને એકસાથે સફળતાપૂર્વક જન્મ આપવાની ઘટનાને દુર્લભ માનવામાં આવી હતી પરંતુ હવે આફ્રિકાની મહિલાએ 10 બાળકોને જન્મ આપ્યો છે.