અમદાવાદ આસપાસ ૧૪૨ ઉદ્યોગને 10 હજાર પાસ અપાયા

10 thousand passes were given to industries around Ahmedabad

અમદાવાદ, 24 એપ્રિલ 2020

લોકડાઉનના 31 દિવસના પરિણામે ઉદ્યોગ- ધંધા બંધ થયા હતા, પણ રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગો ચોક્કસ શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી આપતા અમદાવાદ જિલ્લામાં ૧૪૨ ઔદ્યોગિક એકમો શરૂ થઇ ગયા છે.

અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૬૮, ધોળકામાં ૨૯, કેરાલામાં ૨૦, ધંધુકામાં ૧૪, અને માંડલમાં ૧૧ ઔદ્યોગિક એકમો પુન: શરૂ થતાં ફેક્ટરી કે એકમો સુધી જવા- આવવા માટે જિલ્લા વહીવટીતંત્રએ ૧૦,૭૦૦થી વધુ પાસ ઈસ્યૂ કર્યા છે. ૧૨૮૪ જેટલા પાસ બાંધકામ ઉદ્યોગ માટે આપવામાં આવ્યા છે.

૨૦ એપ્રિલ બાદ લોકડાઉનમાં અપાયેલી રાહત બાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૪૨ થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે, જેમાં ૪૪ જેટલા ઔદ્યોગિક એકમો આવશ્યક ચીજવસ્તુઓને લગતાં છે જ્યારે 98 જેટલા ઔદ્યોગિક એકમો અન્ય ચીજવસ્તુઓ અને સેવાઓને લગતા છે.

ઉદ્યોગ સાથે ખેડૂતોના હિતમાં અમદાવાદ જિલ્લાની એ.પી.એમ.સી. પણ શરૂ કરી દેવામાં આવી છે જેથી ઉદ્યોગ સાથે ખેતી ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળે. રાજ્ય સરકાર દ્વારા પણ થોડા સમયમાં ટેકાના ભાવે ઘઉં ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે.