બિનઅધિકૃત રેતી ખનીજનું વહન કરતા ૧૦ વાહનો જપ્ત, આટલા કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

છોટાઉદેપુર જિલ્લામાં બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા ૧૦ વાહનો જપ્ત કરી ૧.૩૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

સાદી રેતી ખનીજનું વહન કરતા વાહનોની ભુસ્તરશાસ્ત્રી છોટાઉદેપુર અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતા રોયલ્ટી પાસ વગરના અને ક્ષમતા કરતા વધુ રેતીનું વહન કરતા ૧૦ વાહનો તપાસમાં ઝડપાયા હતા. આ તમામ દસ વાહનોને જપ્ત કરી રૂા. ૧.૩૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

છોટાઉદેપુર તાલુકાની તપાસ દરમિયાન ૦૫ ટ્રકો વગર રોયલ્ટી પાસ અને ક્ષમતા કરતા વધુ રેતીનું વહન કરતા હોવાનું જણાય આવ્યું હતું. આ તમામ વાહનો જપ્ત કરી રૂા. ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે તાલુકામાં તપાસ કરતા ૦૨ ટ્રક અને ૦૩ ટ્રેકટરો વગર રોયલ્ટી પાસ અને ક્ષમતા કરતા વધુ રેતી વહન કરતા આ વાહનો જપ્ત કરી રૂા. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ખાણ ખનીજ કચેરી, છોટાઉદેપુરની ક્ષેત્રીય ટીમ અને પ્રાંત અધિકારી, છોટાઉદેપુર દ્વારા ગેરરીતી આચરી કૌભાંડમાં સામેલ થયેલા તમામ વાહન માલિકો/ડ્રાયવરોની સામે નિયમોનુસારની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ આ કૌભાંડમાં સામેલ અન્ય ઇસમો સામે ઉંડાણપૂર્વકની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ ભુસ્તરશાસ્ત્રી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.