100 કલાક પછી વડોદરા પહોંચતા મુખ્ય પ્રધાન, શાળામાં જઈ પરત ફર્યા

3 દિવસ સુધી વડોદરાની પ્રજાની ખબર અંતર પૂછવા ન જનારી ભાજપ સરકાર એકાએક વડોદરા ઉપડી જઈને એક શાળાની મુલાકાત લઈને પરત ફરી હતી. માત્ર કંટ્રોલ રૂમમાં બેસીને ટીવી સ્ક્રીન પર વડોદરાને જોતા રહેલાં મુખ્ય પ્રધાન રૂપાણી 100 કલાક પછી તેઓ વડોદરા પહોંચ્યા હતા. પ્રજામાં ટીકાપાત્ર બનતાં તેઓ વડોદરાની હાલત જોવા ગયા હતા. દેશના વડાપ્રધાનને ચૂંટીને મોકલનારા નરેન્દ્ર મોદીએ પણ વડોદરા સામે જોવાની જસ્દી લીધી ન હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી શાળાએ જઈને પરત ફર્યા હતા. તેઓએ લોકોની વચ્ચે જવાની હીંમત કરી ન હતી. તેના બદલે નાયબ મુખ્ય પ્રઝાન નિતિન પટેલે પ્રજા વચ્ચે જઈને તેમની વાત સાંભળી હતી.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા શહેરની સમા પ્રાથમિક શાળા ખાતે પૂર પીડિતોની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ પરિવારના સ્વજનની જેમ પૂર પીડિતોના ખબરઅંતર પૂછ્યા હતા અને તમામ યથોચિત મદદ-સહાયની ખાત્રી આપી હતી. 

આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્‍યઓ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રહ્યા હતા.

મુખ્યમંત્રી જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વડોદરાની પરિસ્‍થિતિ બાબતે સતત જાણકારી મેળવતા રહયા છે અને તેમણે  ભારત સરકાર દ્વારા તમામ પીઠબળનો સધિયારો આપ્‍યો છે. 

ભારે વરસાદ અને પૂરની આપદામાં મરણ પામેલા મૃતકોના પરિવારોને પ્રત્‍યેક મૃતક દિઠ રૂા.ચાર-ચાર લાખની સહાય ચૂકવવાની તેમણે જાહેરાત કરી હતી. તેમજ જિલ્‍લા પ્રશાસન દ્વારા નિયમો પ્રમાણે પૂર પિડીતોને ઘરવખરી સહિત અન્‍ય ચૂકવવાપાત્ર સહાય ધારાધોરણો પ્રમાણે સત્‍વરે ચૂકવવામાં આવશે તેમ જણાવ્‍યું હતું. 

નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે સયાજી હોસ્‍પિટલની મુલાકાત લીધી હતી તથા તબીબી અને આરોગ્‍ય સેવાઓનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે તાત્‍કાલિક સારવાર વિભાગમાં દાખલ દર્દીઓના ખબરઅંતર પૂછયા હતાં તથા સેવાઓની સંતોષકારતા અંગે પૃચ્‍છા કરી હતી.

નાયબ મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે વડોદરામાં જરૂર જણાશે ત્‍યાં સુધી બચાવ રાહત સફાઇ જેવા જરૂરી કામો ચાલુ રાખવામાં આવશે. ૧૦૦૦થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. આજે પણ ૧૪૦૦ થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જેમાં ૫૦૦ જેટલા નવા કેસીસનો સમાવેશ થાય છે. દર્દીઓ માટેની ભોજન સુવિધા પણ હંમેશની જેમ ચાલુ રાખવામાં આવી હતી.  

લગભગ ૯૦ ટુકડીઓ બનાવવામાં આવી છે. જે શહેરના અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં આરોગ્‍ય સર્વેક્ષણ અને તબીબી સેવાઓ પૂરી પાડવાનું કામ કરશે. એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ. અન્‍ય મહાનગરપાલિકાઓમાંથી આવનારી ટુકડીઓની મદદથી અસર પામેલા વિસ્‍તારોમાં પરિસ્‍થિતિત પૂર્વવત કરવા યુધ્‍ધના ધોરણે કામગીરીનું આયોજન કરવામાં આવ્‍યું છે. મોટાપાયે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. જયાં પાણીનો ભરાવો થયો હતો એવા દુર્ગમ વિસ્‍તારોમાં પણ એન.ડી.આર.એફ. સહિતના દળોની સાધન સુવિધાઓ તેમજ ટ્રેકટર્સ ઇત્‍યાદીનો ઉપયોગ કરીને ફૂડપેકેટસ તેમજ પાણી ઇત્‍યાદી પહોંચાડવામાં આવ્‍યા હતા.

જિલ્‍લા પ્રશાસન દ્વારા અસર પામેલા વિસ્‍તારો અને પરિવારોને વિવિધ પ્રકારે થયેલા નુકશાનનું સર્વેક્ષણ ટુકડીઓ બનાવીને કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેને આધારે કેસડોલ્‍સ તેમજ  વિવિધ રાહત પેકેજીસ અન્‍વયે મળવાપાત્ર સહાય સત્‍વરે આપવામાં આવશે. દિવાલ હોનારતમાં મૃત્‍યુ પામેલાઓના પરિવારોને, મૃતક દીઠ રૂપિયા ચાર લાખની સહાય મુખ્‍યમંત્રી રાહતનીધિમાંથી આપવાની તજવીજ કરવામાં આવી છે.

એકજ દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયો હતો. નદીના બંને કાંઠે નિચાણવાળા વિસ્‍તારોમાં અસર થઇ હતી અને અન્‍ય જગ્‍યાઓએ પણ પાણી ભરાયા હતા. પાણીનો પ્રવાહ ખુબ જ હતો. હવે વરસાદ અટકયો છે અને ધીરેધીરે જળ સપાટીઓ ઘટતી જાય છે.  

કલેક્ટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી  કિરણ ઝવેરી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારી અને પદાધિકારી સાથે રહ્યા હતા.