અમદાવાદ, તા. 10
સમગ્ર રાજ્યમાં એકતરફ કમોસમી વરસાદના મારની કળ હજુ ખેડૂતોને વળી નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગની આગાહી મુજબ આ બે દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ આવે એવી શક્યતાઓ છે. એકતરફ બંગાળમાં બૂલબૂલ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં ફરી વરસાદની આગાહીના કારણે ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે.
રાજ્ય પરથી હાલમાં જ મહા વાવાઝોડાનું સંકટ હજુ ટળ્યું છે અને તેના લીધે સૌરાષ્ટ્ર તેમ જ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યાં ફરીએકવાર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર 13મી નવેમ્બરે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ-મોરબી, રાજકોટ અને જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 14મી નવેમ્બરે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 14મી નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ચોમાસું ગયા બાદ વાવાઝોડાના કારણે એક સિસ્ટમ સક્રિય થઈ હતી અને તેના લીધે વરસાદ વરસ્યો હતો ત્યારે ફરી એક વાર વરસાદની આગાહી થઈ છે. જોકે, આ વરસાદ સામાન્યથી મધ્યમ હશે, પરંતુ ખેતી માટે આ સિઝનમાં કોઈ પણ પ્રકારનો વરસાદ નુકસાન વેરે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલમાં તો વર્તાઈ રહી છે.