13 સાયબર ક્રાઈમ પોલીસ મથક સ્થપાશે

રાજયમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ચાર મહાનગરોમાં અને નવ પોલીસ રેન્જમાં નવા સાયબર ક્રાઈમ પોલીસ મથક ઊભા કરાશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યુ હતું.

વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગૃહ વિભાગની રૂા. ૬,૬૮૭ કરોડની બજેટલક્ષી માંગણીઓ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે નવી સેવાઓ માટે રૂા. ૭૬૭ કરોડ અને ચાલુ બાબતો માટે વઘારાના રૂા. ૧૪૪ કરોડની ફાળવણી ‘ફેરફાર કરેલા અંદાજ૫ત્ર’માં કરેલ છે. જે મુજબ કુલ રૂા.૩૨૯.૧૯ કરોડના ખર્ચ વાળી ‘સેફ એન્ડ સિક્યોર ગુજરાત’ (સાસગુજ) યોજના હેઠળ ૩૪ જિલ્લા, ૬ યાત્રાધામો અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સંકુલની સલામતી, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સર્વેલન્સ અને ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ નેટવર્ક ઉભુ કરાશે. આ માટે ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા 100 કરોડની જોગવાઈ કરાઈ છે.  આ ઉપરાંત ઉદ્યોગો અને મહત્વના પ્રોજેક્ટોની સુરક્ષા માટે ૨૪૦૦ પોલીસ કર્મચારીગણ સાથે બે એસ.આર.પી.એફ.ના ગૃપની રચના થશે.

ડીસીપીએ ધમકી આપ્યા અંગેની ગ્યાસુદ્દીન શેખ દ્વારા કરાયેલી રજૂઆત અંગે તેમણે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરીને યોગી કાર્યવાહી કરવામાં આવશે, સરકારના પ્રોટોકોલને અધિકારી દ્વારા પાલન કરવામાં આવવું જોઈએ.

જ્યારે કોંગ્રેસનાં વિક્રમ માડમ દ્વારા રજૂઆત કરાયેલ કે, હવે પોલીસ હપ્તા લેવાના બદલે ભાગીદાર બનવા લાગ્યા છે. એક કોન્સ્ટેબલ બે કરોડ રૂપિયા કમાઈ રહ્યો છે. તે અંગે જાડેજાએ જણાવ્યુ હતું કે, આ બાબત ધ્યાનમાં આવી છે. અને આ મામલે ટૂંક સમયમાં તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

બજેટમાં કરાયેલી જોગવાઇઓ

  • પોલીસ તંત્રની નવી કચેરીઓ બાંધવા રૂા. ૧૫૫ કરોડ પોલીસ કર્મીઓના આવાસ બાંધવા રૂા. ૨૨૩ કરોડ તથા જેલ તંત્રના મકાનો અને આવાસો બાંધવા રૂા. ૧૦૯ કરોડ મળીને કુલ રૂા.૪૮૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • મહિલાઓ, બાળકો અને વરીષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ‘સેફ સીટી પ્રોજેક્ટ’ અંતર્ગત રૂા.૧૫૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ રૂા. ૧૨૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • પોલીસ આધુનિકરણ યોજના હેઠળ પોલીસ તંત્ર અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીને સુદ્રઢ કરવા માટે રૂા. ૫૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • રાજ્યની જેલો અને કોર્ટ વચ્ચે વીડીયો કોન્ફરન્સ સીસ્ટમ ઉભી કરી ઝડપી ન્યાય અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે રૂા. ૩૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • કન્વીક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ થકી ગંભીર ગુનાઓમાં કન્વીક્શન રેટ ઓછામાં ઓછો ૩૦ ટકા લઇ જવા માટે ઇન્વેસ્ટીગેશન પધ્ધતિમાં સુધારો, ચાર્જ-શીટ સમયસર દાખલ કરવી અને એફ.એસ.એલ.ને વધુ સુદ્રઢ કરવા માટે રૂા. ૨૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે રૂા. ૪૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • રાજ્યમાં આવેલ ઉદ્યોગો તેમજ અતિ મહત્વપૂર્ણ મેટ્રો રેલ પ્રોજેક્ટની સુરક્ષા માટે ૨૪૦૦ પોલીસકર્મીઓ સાથેના રાજ્ય અનામત પોલીસ દળના બે નવા ગૃપ ઉભા કરવામાં આવશે.