Written by Maheshwer Peri, Chairman & CEO, Careers 360 (Dated 19.03.2019): A PRICELESS MUST READ. One of The best and the most eloquent, succinct Modi critique I’ve read or heard:
એક શુભ ચિંતકે મને સવાલ કર્યો કે શું આપણે ખીચડી સરકાર (અન્ય પક્ષો) ને લાવવા કરતા દુરંદેશી નેતા (નરેન્દ્ર મોદી) ને મત ન આપવો જોઈએ? આ એક યોગ્ય જવાબ આપવા લાયક પ્રશ્ન છે.
ભારતના રાજકારણી માટે દૂરંદેશીપણું એ થોડી વધુ પડતી અતિશયોક્તિ જેવું ગણાય! કોઈ પણ દૂરંદેશીપણું ધરાવતો નેતા પોતાની યુવા પેઢીમાં રોકાણ કરશે જેનો બદલો પંદર વીશ વર્ષે મળે, પણ એવું કરવાવાળો કોઈ નેતા નજરે ચઢતો નથી! અહીંયા નેતાઓ 5 વર્ષ માટે ચૂંટાય છે અને હંમેશા આવનાર સ્થાનીય અને રાજ્યની ચૂંટણી ઝૂંબેશમાં જોતારાયેલ જોવા મળે છે.
મોદીએ સરકાર ચલાવવા કરતા પ્રચાર પ્રસારમાં વધુ સમય આપ્યો છે, દેશ માટે રણનીતિઓ ઘડવા ને બદલે ચૂંટણી માટે વધુ વ્યૂહો ઘડ્યા છે, યોગ્ય વહીવટકર્તા તરીકે વર્તવા ને બદલે શાસક તરીકે વધુ રોફ જમાવ્યો છે, કામગીરી એટલી નથી કરી જેટલી વચનોની લ્હાણી કરી છે, બોલ્યા છે બહુ પણ લોકોનું બહુ ઓછું સાંભળ્યું છે, સલાહો આપવામાં જેટલો સમય આપ્યો છે એટલો પ્રશ્નો ઉકેલવામાં નથી આપ્યો. જો પોતાના દિલો દિમાગમાં ભારતને પ્રથમ ક્રમે સ્થાન આપ્યું હોત તો પુલવામા, નોટબંધી, વગેરે જેવી દુર્ઘટનાઓ ટાળી શકાઇ હોત. વોરેન બફેટ જેવા પોતાની અસકયામત ઉભી કરવા ટૂંકા ગાળાના લાભને બદલે ભવિષ્યમાં રોકાણ કરતા હોય છે, અને તેની તુલનામાં એક ક્ષુલ્લક વેપારી રોજ રાત્રે પોતાને આજે કેટલો ફાયદો થયો એની ગણતરી કરતો હોય છે. મોદી વોરેન બફેટ કરતા એ ક્ષુલ્લક વેપારી જેમ વધુ વર્તે છે. તે ભારત માટેના વિકાસ ફન્ડ કરતા સાઉદી માટેના હેજ ફન્ડની જેમ વધુ વિચારે છે.
આપણે હિન્દૂ અવિભક્ત કુટુંબ HUF દ્વારા શાસિત રાષ્ટ્ર છીએ. એક સ્વપ્ન દ્રષ્ટા – દુરંદેશી ધરાવનાર નેતાનું કામ હોય છે એક સશક્ત ટીમનું નિર્માણ કરવાનું, નહિ કે પોતાને વફાદાર હોય તેમનું સશક્તિકરણ કરવાનું. 130 કરોડની વસ્તી ધરાવતા રાષ્ટ્રનું સંચાલન મોદી સાથે અમદાવાદથી ગયેલ એક પરિવારની સમિતિ દ્વારા થાય છે, જેમાં અમિત શાહ, હસમુખ અઢિયા, મિશ્રાઓ અને જોશીઓ, અને એવા અન્યોનો સમાવેશ થાય છે. તેઓ રાકેશ અસ્થાનાને સીબીઆઈમાં થોપવામાં પણ નિષ્ફળ રહ્યા. રાજનાથ હેઠળના ગૃહ મંત્રાલયમાં પણ એવા લોકોની ઘુષણખોરી છે જેઓ મોદીના ગુજરાતમાં કામ કરતા હતા.
ભારત એક એવું રાષ્ટ્ર બની ગયું છે જ્યાં રાષ્ટ્ર નિર્માણ માટેની રણનીતિઓ ઘડવા માટેની સંસ્થાઓ હવે સરકારની પબ્લિક રિલેશન ઓફિસો બની ગઈ છે. નીતિ આયોગ રણનીતિઓ ઘડવાનું કામ એટલું નથી કરતું, જેટલું સરકારના પગલાંઓને યોગ્ય ઠેરાવવાનું કામ કરે છે. સી.એસ.ઓ. ભૂતકાળને નીચો દેખાડવાના અને વર્તમાનને ઊંચો દેખાડવાના પેંતરા ઘડવામાં વ્યસ્ત છે, નોટબંધીના મૂર્ખામીભર્યા પગલાંને વ્યાજબી ઠેરવવામાં અને નોટો ગણવામાં રિઝર્વ બેંકે ચાર વર્ષ કાઢી નાખ્યા, એન.એસ.એસ.ઓ.નો સિફતપૂર્વક સફાયો કરી નાખવામાં આવ્યો, રોજગારીના આંકડાઓમાં ભેળસેળ કરી નાખવામાં આવી, ગુન્હાખોરીના આંકડાઓ અદ્રશ્ય થઈ ગયા, ખેતીની દુર્દશાના આંકડાઓ પર પ્રતિબન્ધ આવી ગયો, સી.બી.આઇ. રાજકીય વિરોધીઓને પાડવા સખત મેહનત કરે છે અને એન.એસ.એ. નગણ્ય ગુનેગારોને પકડવા ઉજાગરા કરે છે. હવે આપણી પાસે એક એવો નેતા છે, જે વાસ્તવિક પરિસ્થિતિ બદલવાને બદલે ભ્રમ પેદા કરવામાં જ પોતાની શક્તિ ખર્ચે છે.
માણસની ઓળખ તેના સંગથી પણ થાય છે. મોદીનો મુખ્ય રણનીતિકાર અમિત શાહ છે, મુખ્ય પ્રચારક યોગી અદિત્યનાથ છે, મુખ્ય અર્થશાસ્ત્રી અનિલ બોકિલ છે, મુખ્ય બેન્કર એસ. ગુરુમૂર્તિ છે. અર્થતંત્ર પરના આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીઓના પ્રશ્નોના જવાબ રૂપે આપણી પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની એક મન્ડળી માત્ર છે. સરળ ભાષામાં કહીએ તો, આપણા પર સત્તાવાર રીતે એવા ઊંટવૈદ્યો દ્વારા શાસન ચલાવવામાં આવે છે જેઓ એવું માને છે કે લાયકાત ધરાવતા ડોકટરો કરતા એમની પાસે ઇલાજનું વધારે સારું જ્ઞાન છે. હાર્વર્ડ ચર્ચાની મહેનત એક નવા જ સ્તરે લઇ જવામાં આવી છે. તેમને જ્ઞાન, વિજ્ઞાન અને પ્રતિભા પ્રત્યે ભારે ચીડ છે, અને આ વસ્તુ બહુ ખતરનાક છે.
એક સ્વપ્ન દ્રષ્ટા – દુરંદેશી વ્યક્તિની ઓળખ તે ક્યા મુદ્દાઓ માટે લડત ચલાવે છે તેના પરથી પણ થાય છે. અહીંયા તો તેનો મુખ્ય રણનીતિકાર, અમિત શાહ રથ યાત્રા માટે લડે છે, યોગી રામ મંદિર માટે લડત ચલાવે છે, એન.એસ.એ. ગાંધી પરિવારને સકંજામાં લેવા, સી.બી.આઈ. વિરોધીઓને અંદર કરવા લડત ચલાવે છે. 2014માં નોકરીઓ, ભ્રષ્ટાચાર અને વિકાસની વાતોની ભરમાર હતી, પણ 2019માં પાકિસ્તાન, રામ મંદિર, મુસ્લિમો, અને ગાંધીઓ સિવાય કાંઈ નજર નથી આવતું. એમાં કોઈ પણ માપદંડથી જોઈએ તો જરાય દૂરંદેશીપણું દેખાતું નથી.
એવું પણ કહી શકાય કે આપણા પર માંદલા લોકો રાજ કરી રહ્યા છે. જો કોઈ વસ્તુનું મહત્વ રહ્યુ હોય તો તે છે નેતા પ્રત્યે વફાદારી. આર્થિક કટોકટી અને ચીન પાકિસ્તાન સાથે તણાવની પરાકાષ્ઠાના સમયે આપણા નાણાં મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય માંદલા ગેરહાજર મંત્રીઓ દ્વારા ચાલતા હતા. તબીબી દ્રષ્ટિએ અયોગ્ય હોવા છતાં અનંતકુમાર, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, મનોહર પરિકર જેવાઓ સત્તાસુખ ભોગવતા રહ્યા અને તેની ભારે કિંમત ભારતે ડોકલામ, જી.એસ.ટી.નું મૂર્ખામીભર્યું અમલીકરણ અને નોટ બન્ધી સ્વરૂપે ચૂકવવી પડી. અને સત્તાની ભૂખ એટલી ગજબની છે કે અર્ધ મૃત વ્યક્તિ દ્વારા ગોવાનું શાસન ચાલતું રહ્યું અને મૃત નેતાની ચિતાની આગ ઠરી પણ નહોતી ને શપથવિધિ ગોઠવાઈ ગઈ! આને બળવાની સ્થિતિથી જરાય ઓછી ન આંકી શકાય.
આપણા રાષ્ટ્રને સમૃદ્ધ ભાગેડુઓનું રાષ્ટ્ર પણ કહી શકાય. પાકિસ્તાનથી દાઉદ ઇબ્રાહિમને લાવવાની વાત તો બાજુ પર રહી, આપણે તો ગુનેગારોને દેશ બહાર ભાગી જવામાં મદદ કરી. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્ષી, સ્ટર્લિંગ બાયોટેકના નીતિન સાંડેસરા, વિનસમ ડાયમન્ડના જતીન મેહતા, આ બધા ચોકીદારની બાજ નજર હેઠળ દેશ છોડી ભાગી ગયા! ભારતને સતત જો-તો ની ચર્ચાઓમાં જોતરવામાં આવી રહ્યો છે અને એ દ્વારા પોતાના કૃત્ય પ્રત્યેના સવાલોને આડા પાટે ચડાવવાનો ધંધો થઈ રહ્યો છે, પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરવામાં આવી રહ્યા છે, જવાબદારીને શૂન્ય સ્તરે લઈ જવામાં આવી છે.
હવે એ જમાનો રહ્યો નથી જ્યાં બધા નાગરિકો સમાન અને સલામત હતા. સાવ ક્ષુલ્લક ચૂંટણીમાં પણ લોકોમાં ભાગલા પડાવવામાં આવી રહ્યા છે, લડાવવામાં આવી રહ્યા છે. જાહેર ચર્ચામાં મુખ્ય ચાલક બળ તરીકે નફરતના સૌંદાગારો હોય છે. સમશાન વિરુદ્ધ કબ્રિસ્તાન, અલી વિરુદ્ધ બજરંગ બલી જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડાતી થઈ ગઈ. અને આ તો 2019ની ઝલક માત્ર છે. આપણે પ્રતિભાને દૂર ખદેડીએ છીએ, અખંડિતતાને સજા કરીએ છીએ. આપણને સવાલો પુછાય તો ચીડ ચડે છે. રઘુરામ રાજન, અરવિંદ સુબ્રમણ્યમ, અરવિંદ પનગ્રીયા, ઉર્જિત પટેલ, જસ્ટિસ ચલમેશ્વર અને આલોક વર્મા એના થોડા ઉદાહરણો છે. દરેક અલગ પડતો અવાઝ ધૂળ ચાટતો થઈ જાય છે, હિંમતનું પ્રદર્શન કરનાર હરેક વ્યક્તિ લોહી લુહાણ થઈ જાય છે, તેને ઉખેડી ફેંકવામાં આવે છે.
અને આવી વાણી વિલાસવાળી નેતાગીરીની ભારતને આકરી કિંમત ચૂકવવી પડે છે. સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, રાજનાથ સિંઘ, સુરેશ પ્રભુ, નીતીશ કુમાર, રમણ સિંઘ, શિવરાજ ચૌહાણના ભોગે સ્મૃતિ ઈરાની, ગિરિરાજ સિંઘ અને યોગી અદિત્યનાથ જલસા કરે. પણ ગાદી પ્રત્યેની વફાદારી અને નેતાની અસુરક્ષાની ભાવના ભારતને ભારે પડવાવાળાને લાભ કરાવી કાર્યદક્ષ ભાજપીઓને પણ દુઃખી કરશે.
ઇતિહાસનો રૂખ બદલવાની તકો ઝડપી લેવી એ હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે. કરતારપુર એક તક હતી. પી.ડી.પી.- બી.જે.પી. શાસન એક તક હતી. આંતરરાષ્ટ્રીય ક્રૂડ કિંમત એક તક હતી. સંપૂર્ણ બહુમતી એક તક હતી. પ્રતિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધી એક તક હતી. ભ્રષ્ટચાર વિરોધી મુહિમ એક તક હતી. અને આવી દરેક તકને રીતસર વેડફી નાખવામાં આવી.
અત્યારે આપણી પાસે એક એવો નેતા છે જે જ્ઞાની પ્રેક્ષક કરતા ગુલામ પ્રેક્ષક ગણ સમક્ષ એક તરફી સંવાદમાં માને છે. તે પોતાની નિષફળતાઓ ને ભલી ભાંતી જાણે છે ને પોતાની સિદ્ધિઓ વિશે કોઈ તપાસ થાય એમ ઇચ્છતો નથી. તેનો અહંકાર બોલી રહ્યો છે, ઉદાસીનતા ચિખી રહી છે, બેદરકારી રડી રહી છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશનો નેતા પ્રશ્નોનો સામનો કરવાથી ભાગી રહ્યો છે.
તો આપણા દેશની વર્તમાન હાલત આવી છે. આપણી નિતિઓ ઉન્ટવૈદ્યો દ્વારા ઘડાય છે, આપણી સંસ્થાઓ વ્યક્તિઓની ગુલામ બની ગઈ છે, આપણી વિચારસરણી સટોડીયા અને હવાલા ઓપરેટરો જેવી થઈ ગઈ છે, આપણા આંકડાશાસ્ત્રીઓ બીજાને નીચા દેખાડવા ગધ્ધા મજૂરી કરી રહ્યા છે, આપણા નીતિ ઘડવૈયાઓ વાસ્તવિકતામાં બદલાવ લાવવા ને બદલે ભ્રમ નિર્માણમાં લાગી ગયા છે, આપણા નેતાઓ કાર્યક્ષમતા ને બદલે વફાદારીને બિરદાવતા થઈ ગયા છે, આપણે સ્પર્ધકોની જગ્યાએ સ્વાર્થીઓની ઉન્નતિમાં પડી ગયા છીએ, અર્થ સભર આલોચકોને બદલે ચમચાઓ વચ્ચે રાચવા લાગ્યા છીએ, બીજી હરોળના નેતાઓને અસલામતીની ગર્તામાં ધકેલી દીધા છે, અને આપણા પર ઔપચારિક રીતે અમદાવાદ અને નાગપુરની એક પારિવારિક સમિતિ દ્વારા શાસન થઈ રહ્યું છે.
તસવીર મહેશ્વર પરી