કૃષિ કાયદામાં ભાજપના અહંકાર, ડરની રાજનિતીનો પરાજય છે – અર્જુન

તા ૧૯/૧૧/૨૦૨૧

આ ભાજપના અહંકારનો પરાજય છે, ડરની રાજનિતીનો પરાજય છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

તાનાશાહી સરકારનું અભિમાન તોડવા બદલ દેશના ખેડૂતોને મસ્તક નમાવીને અભિનંદન પાઠવું છું – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

ચુંટણીમાં હારના ડરથી ભાજપ સરકારે કૃષિ કાયદાઓ પરત ખેચવા મજબુર થવુ પડ્યુ છે, દેશને બચાવવો હશે તો આ ડર બનાવી રાખવો પડશે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

ખેડૂતોને આતંકવાદી, ખાલિસ્તાની, દેશદ્રોહી ગણાવવામાં આવ્યા, ભાજપના દમનકારી નેતાઓએ ખેડૂતોને ગાડી નીચે કચડી નાંખવાના પ્રયત્નો કર્યા, પરંતુ અંતે જીત સત્યની થઈ – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

ખેડુત આંદોલનનો સ્પષ્ટ સંદેશ છે કે જો સંઘર્ષ કરવાની તૈયારી રાખો તો સરકારની જનવિરોધી નિતીઓ સામે પડકાર ફેકીને આ નિતીઓને દુર કરાવવાની ક્ષમતા આજે પણ જનતામાં રહેલી છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

સરકારે હજી ખેડુતો ઉપર કરવામાં આવેલ ખોટા કેસ પરત લેવા પડશે, આંદોલનમાં શહીદ થયેલ ખેડુતોના પરિવારને વળતર ચુકવવુ પડશે અને અત્યાર સુધી જે જન વિરોધી પોગલા લીધા છે તેને પણ પરત ખેચવા પડશે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

ડીઝલ, ખાતર, બિયારણ, દવાઓ, વીજળી સહિતની ચીજ વસ્તુઓમાં કમરતોડ ભાવ વધારા સામે સંઘર્ષ હજી ચાલુ રહેશે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ત્રણ કાળા કૃષિ કાયદાઓ પરત ખેચવાના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ મહિનાથી પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત સમગ્ર દેશના ખેડૂતો ત્રણ કાળા કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં સંઘર્ષ કરતા હતા, આખરે તેમના સંઘર્ષ આગળ ભાજપની સરકારે ઝુકી કાળા કાયદાઓ રદ્દ કરવા માટે મજબુર થવુ પડ્યુ, તે માટે હું સમગ્ર દેશના ખેડૂતોને અભિનંદન આપું છું.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે, ખેડૂતોને કચડી નાખવા માટે અને ખેડૂતોના ખેતી કરવાનો અને જમીન માલિકોનો અધિકાર તેમની પાસેથી છીનવી લેવાનો પ્રયત્ન કરનાર કાળા કૃષિ કાયદાઓ આજે પરત ખેચવા માટે ભાજપ સરકારે મજબુર થવુ પડ્યુ છે. અધિકારો માટેની આ જે લડાઈ હતી તેમાં ખુબ મોટો સંઘર્ષ ખેડુતો એ કર્યો છે, ૭૫૦ જેટલા ખેડુતો શહીદ થયા છે. લગભગ ૧૫ મહિના સુધી ખેડૂતોએ ઘરબાર છોડીને, ટાઢ, તડકો, વરસાદ વેઠીને પરિવાર સાથે દિલ્હી બોર્ડર ઉપર પડાવ નાંખવો પડ્યો, અનેક અપમાનો સહન કર્યા, ખેડૂતોને આતંકવાદી, ખાલિસ્તાની, દેશદ્રોહી ગણાવવામાં આવ્યા. એટલુ જ નહીં ભાજપના દમનકારી નેતાઓએ ખેડૂતોને ગાડી નીચે કચડી નાંખવાના પ્રયત્નો કર્યા. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ૬ જેટલા ખેડૂતોની હત્યાઓ કરી, ધાકધમકીઓ આપી, ખોટા કેસો દાખલ કર્યા, તેમને બદનામ કરી હેરાન પરેશાન કરવામાં આવ્યા. પરંતુ ભાજપના તમામ હથકંડાઓ છતાં ખેડુતો ટસથી મસ ના થયા અને કાળા કૃષિ કાયદાઓ પરત ખેચવા માટે સરકારને મજબુર કરી. જે માટે હું દેશના ખેડૂતોને મસ્તક નમાવીને અભિનંદન પાઠવું છું. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ ખેડુતો આંદોલને સમગ્ર દેશમાં એક નવો સંદેશ આપ્યો છે કે, જો જનતા સંઘર્ષ કરવાની તૈયારી રાખે, યુવાનો સંઘર્ષ કરવાની તૈયારી રાખે તો સરકારની જનવિરોધી નિતીઓ સામે પડકાર ફેકીને આ નિતીઓને દુર કરાવવાની ક્ષમતા આજે પણ જનતામાં રહેલી છે. આ ભાજપના અહંકારનો પરાજય છે, ડરની રાજનિતીનો પરાજય છે.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને ડરથી લીધેલ નિર્ણય ગણાવતા જણાવ્યું હતું કે તાજેતરમાં દેશમાં યોજાયેલ વિધાનસભા અને લોકસભાની પેટા ચુંટણીઓમાં જનતાએ જે રીતે ભાજપને જાકારો આપ્યો તેના કારણે પેટ્રોલ/ડીઝલના ભાવ અમારા હાથમાં નથી કહેનાર ભાજપ સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી જનતાને નજીવી પણ રાહત આપવી પડી. એ જ પરાજયના ડરથી આ કાળા કૃષિ કાયદાઓ પાસા ખેચવાની ફરજ પડી. કાળા કૃષિ કાયદાઓ તો પરત ખેચાયા પરંતુ ખેડુતોના ગુનેગારો હજી ખુલ્લે આમ ઘુમી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન મોદીજીએ પોતાના ગૃહરાજય મંત્રી અજય મિશ્ર ટેની નું રાજીનામુ લેવુ જોઈએ, ખેડુતો ઉપર કરવામાં આવેલ ખોટા કેસ પરત લેવા જોઈએ, આંદોલનમાં શહીદ થયેલ ખેડુતોના પરિવારને વળતર ચુકવવામાં આવે. તેમજ ભાજપ સરકારે જે ખેડુત વિરોધી અને જન વિરોધી પોગલા લીધા છે તેને પણ પરત ખેચવામાં આવે. મારી જનતાને પણ અપીલ છે જે ડર છોડી દે અને ખેડૂતો આંદોલમાંથી પ્રેરણા લઈને સંઘર્ષ કરવાની તૈયારી રાખે. જો આપણે સંઘર્ષ કરીશું તો કોઈપણ રાજ્ય સત્તાને જનતા સામે ઝુકવુ જ પડશે.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દેશના ખેડુતોને હાકલ કરી હતી કે પ્રશ્નો હજી પણ ઉભા છે, ખાસ કરીને ડીઝલ, ખાતર, બિયારણ, દવાઓ, વીજળી સહિતની ચીજ વસ્તુઓમાં કમરતોડ ભાવ વધારા સામે સંઘર્ષ ચાલુ રાખવો પડશે. જે કૃષિ ચીજ વસ્તુઓના બજાર ભાવ ૭ વર્ષથી ત્યાના ત્યાં જ છે તેને વધારવા માટે પણ મેદાનમાં આવવુ પડશે. તેમજ પાક વીમા અને દુકાળ/પુરમાં સહાય માટે સંઘર્ષ કરવો પડશે.