નવી માધ્યમિક શાળા મંજૂર કરવામાં રૂ.50 લાખનો ભ્રષ્ટાચાર
રાજ્યમાં આવેલી નવી માધ્યમિક શાળાઓની મંજૂરીઓમાં રૂ.10 લાખ થી લઈ રૂ.50 લાખ સુધીની લેતીદેતી કરીને નિયમ વિરુદ્ધ મંજુરી આપવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રાજ્યમાં બેફામ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની મંજુરીમાં નિયમોના નામે છેલ્લા પંદર વર્ષમાં કરોડો રૂપિયાની થયેલી લેતીદેતી અંગે હાઈકોર્ટના સીટીંગ જજની સીધી દેખરેખ હેઠળ ન્યાયિક તપાસની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા પંદર વર્ષમાં સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓના માળખાને તોડી નાંખીને ખાનગી શાળાઓને મોટા પાયે મંજુરી આપવામાં આવી રહી છે. રાજ્યમાં શાળાઓને મંજુરી માટે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 અને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ-1974 અમલમાં છે જેના આધારે નવી શાળા શરૂ કરવા માટે નિયમોની જોગવાઈ છે. પણ છેલ્લા પંદર વર્ષમાં સરકારના સત્તાવાર નિયમોને ઘોળીને લાગતાં વળગતાંઓને નાણાકીય લેતીદેતીથી યેનકેન પ્રકારે મંજુરી આપવામાં આવી છે. મંજુર થયેલ શાળાઓમાં રમતગમતના મેદાનની, શોપિંગ સેન્ટર એક જ જગ્યામાં ચાર શાળાઓને મંજૂરી, પાયાની સુવિધાઓનો અભાવ છતાં સોગંદનામાંના નામે “વહીવટથી” આવી શાળાઓ લાખો રૂપિયા ફી ઉઘરાવી રહી છે.
2019 માટે નવી માધ્યમિક શાળાઓની મંજુરીમાં માલિકીનું રમતગમત મેદાન અને પાર્કિંગની જગ્યા હશે તો જ સ્કુલની મંજુરીના નિયમ અગાઉના નિયમની જેમ પાલન થશે કે નહિ કે પછી નાણાંકીય ગોઠવણથી સંચાલકોની સગવડ સાચવીને લુંટફાટના લાયસન્સ અપાશે તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ખોટાખોટા અહેવાલો તૈયાર કરીને નંબર-1ના બણગા ફૂંકતી ભાજપ સરકારના શાસનમાં રાજ્યમાં 32 જીલ્લાઓમાં રમતગમત મેદાનની સુવિધા વિનાની 6921 શાળાઓ હાલ ધમધમી રહી છે. ભાજપ સરકાર “રમશે ગુજરાત, જીતશે ગુજરાત” જેવા ખોટા સુત્રો આપીને પ્રસિદ્ધિ પાછળ કરોડો રૂપિયાના ખર્ચે ખેલ મહાકુંભના તાયફાઓ કરે છે. રાજ્યના શિક્ષણ મંત્રી જે જીલ્લામાંથી પ્રતિનિધિત્વ કરે છે તે અમદાવાદ જીલ્લામાં 69 શાળાઓમાં મેદાનની સુવિધા નથી. સૌથી વધુ મેદાન વિનાની દાહોદ જીલ્લામાં 693 શાળાઓ, બનાસકાંઠા જીલ્લામાં 658 શાળાઓ, પંચમહાલ જીલ્લામાં 565 શાળાઓ જયારે વડોદરામાં 285, રાજ્યના મુખ્યમંત્રીના રાજકોટમાં 109 શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. રાજ્યમાં 6311 શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ જ નથી. રાજ્યમાં 14562 શાળાઓ એવી છે કે જ્યાં એક વર્ગખંડમાં 1 કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.
ગુજરાતી
English




