મહાનુભાવો, નમસ્કાર!
કોવિડ-19ના કારણે આપણે માર્ચમાં ભારત-યુરોપિયન યુનિયનનું શિખર સંમેલન સ્થગિત કરવું પડ્યું હતું. સારી બાબત એ છે કે, આજે આપણે વર્ચ્યુઅલ માધ્યમથી મળી રહ્યાં છીએ. સૌપ્રથમ હું યુરોપમાં કોરોનાવાયરસને કારણે થયેલી જાનહાનિ પર સંવેદના પ્રકટ કરું છું. તમારી પ્રારંભિક ટિપ્પણીઓ બદલ ધન્યવાદ. તમારી જેમ હું પણ ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે કટિબદ્ધ છું. આ માટે આપણે લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્ય અપનાવવો જોઈએ.
આની સાથે-સાથે એક કાર્યાભિમુખ એજન્ડા બનાવવો જોઈએ, જેનો નિર્ધારિત સમયમર્યાદામાં અમલ કરવો જોઈએ. ભારત અને યુરોપિયન યુનિયન સ્વાભાવિક પાર્ટનર્સ છે. આપણી પાર્ટનરશિપ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પણ ઉપયોગી છે. આ વાસ્તવિકતા હાલની વૈશ્વિક સ્થિતિમાં વધારે સ્પષ્ટ થઈ ગઈ છે.
ભારત અને યુરોપિયન યુનિયન બંને લોકશાહી, વિવિધતામાં એકતા, સર્વસમાવેશકતા, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે સન્માન, બહુલતા, સ્વતંત્રતા, પારદર્શકતા જેવા મૂળભૂત માનવીય મૂલ્યો ધરાવે છે. કોવિડ-19 પછી આર્થિક ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નવી સમસ્યાઓ પેદા થઈ ગઈ છે. આ માટે લોકતાંત્રિક રાષ્ટ્રો વચ્ચે વધારે સહયોગની જરૂર છે.
અત્યારે આપણા નાગરિકોનું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ – બંને પડકારજનક સ્થિતિ-સંજોગોનો સામનો કરી રહ્યાં છે. નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પર વિવિધ પ્રકારનું દબાણ છે. આ સ્થિતિમાં ભારત અને યુરોપિયન યુનિયનની ભાગીદારી, આર્થિક પુનર્નિર્માણમાં અને માનવ-કેન્દ્રિત વૈશ્વિકરણના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. તાત્કાલિક પડકારો ઉપરાંત આબોહવામાં પરિવર્તન જેવા લાંબા ગાળાના પડકારો પણ ભારત અને યુરોપિયન યુનિયન બંને માટે પ્રાથમિકતા છે.
ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવાના અમારા પ્રયાસોમાં અમે યુરોપના રોકાણ અને ટેકનોલોજીને આવકારીએ છીએ. મને આશા છે કે, આ વર્ચ્યુઅલ શિખર સંમેલનના માધ્યમથી આપણા સંબંધો વધારે ગાઢ બનશે.
મહાનુભાવો, હું આ પ્રસંગે તમારી સાથે વાત કરવા બદલ ફરી આનંદ વ્યક્ત કરું છું.