16 સ્થળો પર દરોડાની કાર્યવાહીમાં 7 કરોડના બેનામી વ્યવહાર મળ્યા

અમદાવાદ, તા. 15

શહેરમાં આજે સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા દિવાળીના ટાણે જ દરોડા પાડતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવકવેરા વિભાગે કાલુપુર ન્યુ ક્લોથ માર્કેટ અને એસજી હાઈવે સહિત કુલ 16 સ્થળોએ દરોડા પાડ્યાં છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન 7 કરોડની બેનામી સંપત્તિના વ્યવહારો બહાર આવ્યા હતા. આ ઉપરાંત તેર જેટલા લોકર પણ મળી આવ્યા જેમાં બેનામી હિસાબના ઝવેરાત અને અન્ય દસ્તાવેજો હતા જે પણ જપ્ત કરવામાં આવ્યા છે. હજુ દરોડાની કાર્યવાહી ચાલુ છે ત્યારે વધુ બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતાઓ છે.

આવકવેરા વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રાયપુર અને કાલુપુર વિસ્તારમાં જાણીતા વેપારીઓને ત્યાં આઈટીના અધિકારીઓ વહેલી સવારથી જ પહોંચી ગયા હતા અને સર્વે શરૂ કર્યો હતો. સવારથી જ ચાલી રહેલી આવકવેરા વિભાગની કાર્યવાહીના પગલે વેપારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આ દરોડા દરમિયાન અધિકારીઓએ ન્યુ ક્લોથ માર્કેટ બંધ કરાવ્યું છે.

ટેક્સટાઈલ માર્કેટમાં આવકવેરાના દરોડા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યુ ક્લોથ માર્કેટમાં આવેલી શિવાલી ટેક્સટાઈલ ગ્રુપમાં આઈટીએ દરોડા પાડ્યા છે. શિવાલી ટેક્સટાઈલ ગ્રુપના શિવાભાઈ ગોગીયા નામના વેપારીના ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા અને આ દરોડાની કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર સામે આવે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત આજે સવારથી આઇટી વિભાગની 18થી વધુ ટીમોએ રામભાઇ ભરવાડ, તેમના પુત્ર ધીરેનભાઇ ભરવાડ, મેવાડા ગ્રૂપ, ગો‌ગિયા ગ્રૂપ, ધવલભાઇ તેલી, પ્રેમ ભા‌ટિયા અને ન્યુ કલોથ માર્કેટ સહિત રહેઠાણ અને કોમર્શિયલ વિસ્તારમાં આવેલી ઓફિસો પર દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. તાજેતરમાં જ દશેરાના દિવસે જમીન દલાલ દ્વારા કરાવાયેલા જમીનના મોટા સોદાની મળેલી બાતમીના આધારે આવકવેરા વિભાગે સર્વે હાથ ધર્યો હોવાનું પણ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. આ સર્વેમાં કરોડોના બેનામી વ્યવહાર અને મોટી કરચોરી પકડાય એવી સંભાવનાઓ રહેલી છે.

16 સ્થાનો પર કાર્યવાહી

શહેરમાં આજે સવારથી કુલ 16 સ્થળે સર્વેની કાર્યવાહી આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તપાસ આવતીકાલ સુધી ચાલે તેવી સંભાવના છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ આ તમામ પાસેથી કરોડોનું કાળુ નાણું મળી આવે એવી શક્યતાઓ છે. સૂત્રો ઉમેરે છે કે, શહેરમાં અલગ અલગ શહેરોમાંથી દરોડા વિંગના અધિકારીઓને આ સર્વેની કામગીરી કરવા બોલાવવામાં આવ્યા છે. ત્યારે આજે હાથ ધરાયેલી કાર્યવાહી બાદ જે સ્થળોએ અને જ્યાં પણ જમીનોના મોટા કારોબાર કરવામાં આવ્યા હશે ત્યાં આગામી દિવસોમાં મોટા પાયે દરોડાની કામગીરી હાથ ધરાશે.

સિંધુ ભવન રોડ પર પણ તવાઈ

આવકવેરા વિભાગ દ્વારા ન્યુ ક્લોથ માર્કેટમાં જે ટેક્સટાઈલના વેપારીને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે તે વેપારીના સિંધુ ભવનસ્થિત નિવાસસ્થાને પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સર્વેમાં મોટાપાયે બેનામી વ્યવહાર મળે એવી શક્યતાઓ આવકવેરા વિભાગને છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ટેક્સટાઈલ વેપારીના ઓફિસ અને નિવાસસ્થાનેથી રાખવામાં આવેલા તમામ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ સ્થળો પરથી મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. અને કમ્પ્યૂટર પણ સીલ કરી દેવામાં આવ્યા છે. તો આવકવેરા વિભાગ દ્વારા આ વેપારીના બેન્કના લોકરમાંથી પણ મોટી સંખ્યામાં ઝવેરાત અને બેનામી વ્યવહારોની વિગતો મળી આવે એવી શક્યતાઓ છે.