- વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં 16,597 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
- હાઇવોલ્ટેજ લાઈનો વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ જરૂર જણાય તો દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે પરામર્શ કરી બંધ કરવા સૂચના
- અસરગ્રસ્ત વિસ્તારોની પોર્ટ ઓથોરિટીને વાવાઝોડા લાગત એલર્ટ રહેવા સૂચના
- માછીમારોએ સરકારની મંજૂરી સિવાય દરિયો ખેડવો નહીં
રાહત કમિશનર હર્ષદ પટેલે નિસર્ગ વાવાઝોડા સંદર્ભે જણાવ્યું છે કે આ વાવાઝોડું આજરોજ તારીખ ૩જી જુન ને બપોર બાદ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે ટકરાવની સંભાવના છે. જેના પગલે દરિયાકાંઠાના સંભવિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જીલ્લાના 16,597 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.
રાજ્યના સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ભાવનગર, આણંદ, અમરેલી અને ગીર સોમનાથ એમ કુલ આઠ જેટલા દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના 21 તાલુકાઓના 167 ગામ/બેટની કુલ વસ્તી 5,79,906 છે જેમાંથી 34,885 લોકોનું સ્થળાંતર કરવાની આવશ્યકતા છે
તેમાંથી અત્યાર સુધીમાં 16,597 લોકોને સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા આયોજન બદ્ધ રીતે 265 જેટલા સલામત આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં વાવાઝોડાના પવનની તીવ્રતાને ધ્યાને લઇને જરૂર જણાય તો હાઇવોલ્ટેજ લાઈનો દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે પરામર્શમાં રહીને બંધ કરવા પણ સૂચના આપી દેવાઇ છે.
એ જ રીતે અસરગ્રસ્ત વિસ્તારની એરપોર્ટ ઓથોરિટીને વાવાઝોડાને લાગત એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ માછીમારો પણ સરકારની મંજૂરી સિવાય દરિયો ખેડે નહીં તે માટે ફિશરીઝ અને મેરીટાઈમ બોર્ડને સૂચના આપવામાં આવી છે.