સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો

સુરતમાં ભાજપના ધારાસભ્ય, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ સહિત 17 લોકો સામે સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા નાણામાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે 17 લોકો સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસના નેતાએ પોલીસને અરજી કરી છે.

રિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2015ના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિનું ભૂમિપૂજન થયુ હતું. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલા પૈસામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસના નેતા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યો છે.

નીતિન ભરૂચાએ એડવોકેટ ઝમીર શેખ મારફતે પોલીસ કમિશનરને આ બાબતે અરજી કરી હતી. આ સમગ્ર મામલે સુરતના લિંબાયતના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. અરજીને લઈને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દ્વારા નીતિન ભરુચાનું નિવેદન લેવા આવ્યું હતું અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.

નીતિન ભરુચાએ તેની અરજીમાં આક્ષેપ કર્યો છે કે, લિંબાયત વિસ્તારમાં આવેલ મુક્તિધામ સ્મશાનના બાંધકામ માટે 6.40 કરોડ રૂપિયાનું અનુદાન સુરત મહાનગરપાલિકા દ્વારા આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. 6.40 કરોડના દાનમાંથી સુરત મહાનગરપાલિકા દ્વારા 4.4 કરોડ મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટને ચૂકવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ચેરીટી કમિશનરમાં જે ઓડિટ રિપોર્ટ થયા છે તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સહી નથી.

બીજી તરફ સુરતના લિંબાયત ઝોનના એક્ઝિક્યુટીવ એન્જિનિયર દ્વારા સમયાંતરે સ્મશાનભૂમિનું નિરીક્ષણ કરીને તેનો રિપોર્ટ પાલિકાના એકાઉન્ટન્ટ વિભાગમાં મોકલવાનો હોય છે પરંતુ તે રિપોર્ટ મોકલવામાં આવ્યો નથી અને આ રિપોર્ટ મોકલ્યા બાદ એકાઉન્ટ દ્વારા અનુદાન આપવામાં આવે છે. તો રિપોર્ટ વગર કેવી રીતે સ્મશાન ભૂમિ ટ્રસ્ટને 4.4 કરોડ રૂપિયાનું દાન ચૂકવવામાં આવ્યું?

મહત્ત્વની વાત છે કે, નીતિન ભરૂચાના એડવોકેટે સુરત મહાનગરપાલિકા અને સ્મશાન ભૂમિ ટ્રસ્ટને પત્ર લખ્યો હતો. પત્રમાં શિડ્યુલ ઓફ રેટ કરતા ટ્રસ્ટમાં જે સામગ્રી વપરાઈ રહી છે તેનો ભાવ વધારે છે તેવું જણાવવામાં આવ્યું હતું. જેને લઇને સુરત મહાનગરપાલિકાએ પણ ટ્રસ્ટના ઠપકો આપ્યો હતો. ત્યારે સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા હજુ પણ 12 કરોડનું વધારે દાન માંગવામાં આવ્યું હોવાની વાત પણ પોલીસ કમિશનરને કરવામાં આવેલી અરજીમાં કોંગ્રેસના નેતાએ કરી છે.

કોંગ્રેસના નેતા નીતિન ભરૂચાએ અરજી કરી છે તેમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરેશ વરોડિયા, જગન્નાથ સોની, જયવંત જોશી, છોટુ પટેલ, સંજય પાટીલ, રતુ પટેલ, શાંતિલાલ જૈન, જાગીન્દર સહાની, હીરાલાલ પાટીલ, પ્રકાશ વોડીકર, સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર, શૈલેષ પટેલ, કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન અને બદલી થયેલા કાર્યપાલક ઇજનેર સહિત 17 લોકોના નામ લખવામાં આવ્યા છે.