18 વર્ષથી ખેરાલુ બેઠક ભાજપ પાસે, સતત પાંચમી જીત, મતની ટકાવારી બે વર્ષમાં 21 ટકા વધી

મહેસાણા, તા.૨૫

ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરની 29,091 મતની જંગી લીડથી વિજય થયો હતો. મત ગણતરીના તમામ 20 રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું હોઇ રસાકસીના માહોલ વગર ભાજપની એકતરફી જીત થઇ હતી. ચાર ઉમેદવારોમાંથી એનસીપી અને અપક્ષના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ હતી. બપોરે 12 વાગ્યાના અરસામાં પરિણામ આવી જતાં ભાજપના સમર્થકો, કાર્યકરોએ બાસણા કોલેજથી અજમલજીના વિજયના વધામણા કર્યા હતા.

96,952 મત પૈકી ભાજપના અજમલજી વાલાજી ઠાકોરને 60875 મત, જ્યારે કોંગ્રેસના બાબુજી ઠાકોરને 31,784 મત મળતાં ભાજપનો 29,091 મતે વિજય થયો હતો. જ્યારે એનસીપીના પથુજી ઠાકોરને 1753 અને અપક્ષ ઝરીનાબેન ઠાકોરને 718 મત મળ્યા હતા. 1822 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. બાસણા કોલેજ ખાતે નિરસ માહોલ હતો. 16મા રાઉન્ડે પરિણામ નિશ્ચિત બની ગયું હતું.

સાંસદ ભરતસિંહ ડાભી પહેલાં તેમના પિતા શંકરજી ઠાકોરનો બેઠક પર વર્ષોથી કબજો રહ્યો હતો. આ વખતે ભાજપે નવા ચહેરાને મેદાને ઉતાર્યા અને તેઓ જંગી બહુમતીથી ચૂંટાઇ આવ્યા છે. જેથી વંશ પરંપરાગત બેઠક પર બ્રેક વાગી છે.

ખેરાલુમાં આ વખતે ઓછું મતદાન છતાં ભાજપને 62.80 ટકા મત મળ્યા, તો સામે કોંગ્રેસને તેનાથી અડધા જ એટલે કે 32.79 ટકા મત મળ્યા. આમ છતાં બંનેના વોટશેરમાં વધારો થયો છે. બે વર્ષ પહેલાં 2017ની ચૂંટણીમાં ભાજપને 41.44 ટકા મત મળ્યા હતા એટલે કે વોટશેર 21.36 ટકા વધ્યો છે. તો કોંગ્રેસને 26.49 ટકા મત મળતાં વોટશેર 6.30 ટકા વધ્યો છે.

ભાજપના વિજેતા ઉમેદવાર અજમલજી ઠાકોરે કહ્યું કે, બુથ લેવલથી પ્રમુખપેજ સુધી કાર્યકરોની મહેનત રંગ લાવી છે. આ કાર્યરોની જીત છે. સતલાસણામાં વધુ લીડમાં વિરેન્દ્રસિંહનું નેતૃત્વ કામે લાગ્યું છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર ખેરાલુ વિસ્તારમાં વિકાસ વેગવંતો થાય એવા પ્રયાસો કરીશું.