હું ભાજપમાં જઈને મારી નામના હલકી કરવા નથી માંગતો

અમદાવાદ, તા. 21

ભાજપમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાનનાં અંતિમ દિવસોમાં ગુજરાતનાં ખ્યાતનામ કલાકારે પોતે ભાજપમાં નથી જોડાયો એવું જાહેર કરીને ભાજપનાં જૂઠ્ઠાણાંની પોલ ખોલી કાઢી હતી. આમ ભાજપ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહેલા સંગઠન પર્વ પર ખોટી રીતે સભ્યો બનાવવાનુ કલંક તો લાગ્યું પણ આ કલાકારે એવું પણ કહી દીધું કે, હું ભાજપમાં જઈને મારી નામના હલકી કરવા માંગતો નથી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે બધા કલાકારો સાથે ભાજપમાં જોડાયેલા ગુજરાતના ભજનિક હેમંત ચૌહાણે કહ્યું છે કે, તેઓ ભાજપમાં નથી જોડાયા. તેઓ ફક્ત ભાજપના સન્માન કાર્યક્રમમાં ગયા હતા. હેમંત ચૌહાણે બે જ દિવસમાં ભાજપમાં જોડાવાનો ઈનકાર કરી દીઘો. હેમંત ચૌહાણે એક વીડિયો પોસ્ટ કરીને પોતે ભાજપમાં જોડાયા હોવાનો ઈનકાર કર્યો છે.

હેમંત ચૌહાણની કહાની તેમની જુબાની

ભજનિક હેમંત ચૌહાણે જે વીડિયો જાહેર કર્યો છે તેમાં તેમણે શું કહ્યું છે તે અહીં અક્ષરશઃ પ્રસ્તુત છે.

નમસ્તે ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકો. આજે મારે એક ચોખવટ કરવાની છે. આજે મીડિયામાં એવી જાહેરાત થઈ છે કે હું ભાજપ સાથે જોડાયો છું. અમે કલાકાર મિત્રો છીએ. સન્માન કાર્યક્રમમાં અમને બોલાવવામાં આવતા હોય છે ત્યારે એક સિનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે. પાંચ વર્ષ પહેલા મને ચૂંટણીમાં ટિકિટની ઓફર થઈ હતી ત્યારે મેં ના કહી હતી. મારું કામ ભજન કરવાનું છે, હું કોઈ પક્ષમાં સક્રિય ન રહી શકું. કોંગ્રેસ વખતે પણ અમારા સન્માનો થયા હતા. એ સન્માનોને પણ અમે વધાવી લીધા હતા. રૂપાણી સાહેબના સન્માનને પણ અમે વધાવી લીધું છે. હું કોઈ પક્ષનો માણસ નથી. હું જાતે કહું છું કે ભાજપમાં જોડાયો હોવાનું કોઈ કહે તો આ વાત માનવી નહીં. કોઈ સત્યની રાહ લેતા હોય ત્યારે કલાકાર તરીકે અમે તેને બિરદાવવા માટે જતા હોઈએ છીએ. પાર્ટી કોઈ પણ હોય અમે જતા હોઈએ છીએ. અમે કલાકારો અભિનંદન પાઠવવા માટે ગયા હતા. હું બધાનો છું. કલાકારને કોઈ પક્ષ ન હોય. હું માણસનો માણસ છું. તમે બધા અમારા હૃદયમાં બિરાજમાન છો. હું ભાજપમાં જઈને મારી નામના હલકી કરવા માંગતો નથી. મારા વિશે કોઈ અફવા ફેલાવો તો માનવી નહીં. હું ભજન માટે જન્મ્યો છું.

જિતુ વાઘાણી ગાયબ થઈ ગયા

દરમિયાનમાં આજે ભાજપનાં પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે કેટલાંક કલાકાર કસબીઓ જોડાવાનાં હતા અને તેઓ ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાવાના હતા પરંતુ, હેમંત ચૌહાણે ભાજપમાં નહિ જોડાયો હોવાનો વીડિયો જાહેર કરતાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નહોતા અને તેમની ગેરહાજરીમાં પ્રદેશનાં અન્ય આગેવાનોએ આ કાર્યક્રમ આટોપવો પડ્યો હતો. તો સાંજે ભાજપે પોતાનો બચાવ કરવા માટે સોમવારે હેમંત ચૌહાણ ભાજપનો ખેસ પહેરીને તેમનું જે ભજન ગાઈ રહ્યાં છે તે વીડિયો જાહેર કર્યો હતો.

અગાઉ કિંજલે પણ કરી હતી આવી વાત

ભાજપમાં જોડાયેલી કિંજલ દવેએ પણ ભાજપમાં જોડાઈ હોવા છતાં એવું કહ્યું હતું કે, ગાયન મારો વ્યવસાય છે તેના માટે હું કોઈ પક્ષ સાથે ઓમાયું વર્તન નહિ કરું. હું કોંગ્રેસ માટે પણ ગાઈશ.