નવી આવકવેરા વ્યવસ્થામાં વિશેષરૂપે મધ્યમવર્ગના કરદાતાઓને મોટી રાહત
નવી કર વ્યવસ્થા કરદાતાઓ માટે વૈકલ્પિક રહેશે
નવી દિલ્હી, 01-02-2020
કેન્દ્રીય અંદાજપત્રમાં કરદાતાઓને મોટી રાહત આપવા અને આવકવેરા કાયદો વધુ સરળ બનાવવા માટે એક નવી અને સરળ વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેમાં એવા વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા દરોને નોંધપાત્ર પ્રમાણમાં ઓછા કરવામાં આવશે જેઓ કપાત અને મુક્તિ છોડવા માટે તૈયાર હશે.
વર્ષ 2020-21 માટે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ. નવી કર વ્યવસ્થા કરદાતાઓ માટે વૈકલ્પિક હશે. કોઇપણ વ્યક્તિ કે જેને આવકવેરા કાયદા અંતર્ગત હાલમાં વધુ કપાત અને મુક્તિ મળી રહી છે તેઓ આનો લાભ ઉઠાવી શકે છે અને જૂની વ્યવસ્થા અનુસાર તેમના કરની ચૂકવણી યથાવત રાખી શકે છે.
નવી વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થામાં નીચે ઉલ્લેખિત માળખાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે:
કરપાત્ર આવકનો સ્લેબ (રૂપિયામાં) આવકવેરાના વર્તમાન દર આવકવેરાના નવા દર
0-2.5 લાખ મુક્તિ મુક્તિ
2.5-5 લાખ 5 ટકા 5 ટકા
5-7.5 લાખ 20 ટકા 10 ટકા
7.5-10 લાખ 20 ટકા 15 ટકા
10-12.5 લાખ 30 ટકા 20 ટકા
12.5-15 લાખ 30 ટકા 25 ટકા
15 લાખથી વધુ 30 ટકા 30 ટકા
નવી કર વ્યવસ્થામાં કોઇપણ કરદાતા દ્વારા દાવો કરાયેલી મુક્તિ અને કપાતના આધારે તેમને યોગ્ય કર લાભ મળશે. ઉદાહરણ તરીકે, જો કોઇ વ્યક્તિ એક વર્ષમાં 15 લાખ રૂપિયા કમાય છે અને તે કોઇ કપાતનો લાભ નથી લેતી તો તેણે જૂની વ્યવસ્થામાં રૂ. 2,73,000 રૂપિયાની ચૂકવણી કરવાની રહે પરંતુ નવા કર દર અનુસાર હવે તેણે રૂપિયા 1,95,000 ચૂકવવા પડશે. આમ, નવી કર વ્યવસ્થામાં તેમના પર રૂપિયા 78,000નું ભારણ ઘટશે. આ નવી વ્યવસ્થામાં એવી સ્થિતિમાં પણ લાભ મળતો રહેશે, જ્યારે તે વ્યક્તિ જૂની વ્યવસ્થા અનુસાર આવકવેરા કાયદાના પ્રકરણ VI-A અંતર્ગત વિવિધ ધારાઓ હેઠળ રૂપિયા 1.5 લાખ રૂપિયાની કપાતનો લાભ લઇ રહી હોય.
નવી કર વ્યવસ્થા કરદાતાઓ માટે વૈકલ્પિક રહેશે. જો કોઇ વ્યક્તિ અથવા હિન્દુ સંયુક્ત પરિવાર કે જે વર્તમાન કાયદા હેઠળ વધુ કપાત અને મુક્તિનો લાભ લઇ રહ્યા છે, તેમને આ લાભ મેળવવાનો વિકલ્પ મળી શકે છે અને તેઓ જૂની વ્યવસ્થામાં કરની ચૂકવણી યથાવત રાખી શકે છે. નાણાં વિધેયકમાં આપવામાં આવેલી જોગવાઇઓ અનુસાર, વિકલ્પનો ઉપયોગ દરેક અગાઉના વર્ષ માટે કરી શકાય છે, જ્યાં કોઇ વ્યક્તિ અથવા હિન્દુ સંયુક્ત પરિવાર (HUF)ના વ્યવસાયમાંથી કોઇ આવક નથી અને અન્ય કિસ્સામાં જો વિકલ્પનો એકવાર અગાઉના વર્ષ માટે ઉપયોગ થઇ ગયો હોય તો, તે અગાઉના વર્ષ અને તે પછીના તમામ વર્ષ માટે માન્ય રહેશે. જો, કોઇ વ્યક્તિ અથવા હિન્દુ સંયુક્ત પરિવાર લાગુ પડતા કાયદાની શરતો અને અન્ય જોગવાઇઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહે તો, અગાઉના વર્ષ અથવા અગાઉના વર્ષો માટે આ વિકલ્પ અમાન્ય થઇ શકે છે.
નવા આવકવેરા દરો અંદાજે રૂપિયા 40,000 કરોડની વાર્ષિક મહેસૂલ આવક માફ કરશે. એવા ઉપાયો શરૂ કર્યા છે જેનાથી આવકવેરા રિટર્નને સમય પહેલાં ભરી શકાય જેથી નવી વ્યવસ્થા અપનાવવા માગતી કોઇપણ વ્યક્તિને પોતાનું રિટર્ન જમા કરાવવા અને આવકવેરાની ચૂકવણી કરવામાં કોઇ નિષ્ણાતની સલાહ લેવાની જરૂર નહીં પડે.
આવકવેરા વ્યવસ્થાને સરળ બનાવવા માટે, તેમણે છેલ્લા અનેક દાયકાના આવકવેરા કાયદામાં સામેલ કરવામાં આવેલી તમામ મુક્તિ અને કપાતની સમીક્ષા કરી છે.
અંદાજપત્રમાં, હાલમાં અસ્તિત્વમાં હોય તેવી અંદાજે 70 મુક્તિ અને વિવિધ પ્રકારની કપાતો (100થી વધુ) દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બાકીની મુક્તિ અને કપાતોની સમીક્ષા કરવામાં આવશે અને આવનારા વર્ષોમાં તેને તર્કસંગત બનાવવામાં આવશે જેથી કર વ્યવસ્થા વધુ સરળ બનાવી શકાય અને કરના દર ઘટાડી શકાય.