મોરબી પછી બીજા ક્રમે સાબરકાંઠામાં સિરામીક ઉદ્યોગ વિકસ્યો છે. ગઢોડા ગામમાં સિરામીક ફેકટરીમાંથી ઉડતો સફેદ પાવડર ભેજના કારણે જમીન પર સફેદ ચાદર રૂપે પથરાઈ જતા ગામની ૨૦૦ એકરથી વધુ જમીનમાં કરાયેલા મગફળીના પાક પર સંકટ પથરાયું છે.
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા એક દાયકામાં સિરામીક ઉદ્યોગ ખુબ ફૂલ્યો ફાલ્યો છે. જેના કારણે સ્થાનિક લોકોની રોજગારીમાં વધારો થયોં છે. સાથોસાથ તંત્રને પણ સારી એવી આવક થઈ રહી છે. પરંતુ આ સિરામીક ફેકટરીમાથી નીકળતો સફેદ પાવડર વાતાવરણમાં ભળવાના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. આ ઉદ્યોગની માઠી અસર આટલેથી જ અટકતી નથી. આ પ્રદુષણનો સૌથી વધુ ભોગ સાબરકાંઠાનું ગઢોડા ગામ બન્યું છે. ગઢોડા ગામની ખેતી પણ સિરામિક ઉદ્યોગના કારણે બરબાદ થવાના કગાર પર આવીને ઉભી છે. હાલની વાત કરીએ તો ૨૦૦ એકરથી વધુ જમીનમાં વાવેતર કરાયેલા મગફળીના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે.
આ અંગે ગઢોડા ગામના મનોજભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ સહિતના ખેડૂતોના જણાવ્યા મુજબ સાબરડેરીથી ગઢોડા જતા રોડ પર પાંચથી વધુ મોટી સીરામિક ફેક્ટરીઓ આવેલી છે. ઉપરાંત અન્ય નાની ફેક્ટરીઓ પણ ધમધમી રહી છે. પરંતુ આ ફેક્ટરીઓમાંથી રોજબરોજ પથ્થરના સફેદ પાવડરની રજકણો સતત વાતાવરણમાં ભળતી રહે છે. જેના લીધે લોકોના આરોગ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે .
ચોમાસાની શરૂઆતમાં ભેજવાળું વાતાવરણ રહેતું હોવાના કારણે આ સફેદ પાવડરના રજકણો આકાશમાં ઉચે જવાને બદલે જમીન પર પથરાઈ જાય છે. જેથી ગઢોડા ગામની અંદાજે ૨૦૦ એકરથી વધુ જમીનમાં કરાયેલા ચોમાસુ મગફળીના વાવેતર ઉપર સંકટના વાદળ ઘેરાયા છે.
પાકે જાણે કે પાવડરની સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવું જોવા મળે છે. એટલુ જ નહી, પણ સીરામિક ફેક્ટરીઓ પૈકી કેટલીક ફેકટરીઓનું દુષિત પાણી ચોમાસામાં ખુલ્લામાં છોડી દેવામાં આવે છે. જેના લીધે ખેડુતોને બમણો માર સહન કરવો પડે છે. અને ખેતીલાયક જમીનને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે .
પ્રાંતિજ અને હિંમતનગર તાલુકામાં આવેલી મોટા ભાગની સિરામીક ફેકટરીઓનો વેસ્ટ તેનો ઇજારદાર ગમે ત્યાં નાખી દેતા હોવાને કારણે તે વિસ્તારની જમીનો કડક અને બરડ બની જાય છે. પરિણામે આ વિસ્તારની જમીન બિન ઉપજાઉ બની જાય છે. જાણકારોનું માનીએ તો આગામી વર્ષોમાં સિરામીક ફેક્ટરીઓનો વેસ્ટ ચોમાસુ પાણીની સાથે લીધે ભૂર્ગભમાં ગયા બાદ આ વિસ્તારની પ્રજાને પીવા માટે સ્વચ્છ પાણી પણ સ્વપ્ન બની જશે અને દુષિત સફેદ પાણી પીવાનો વારો આવે તો નવાઈ નહી.
સિરામીક પાવડરના કારણે શ્વાસના રોગોમાં વધારો
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગ થી ઉડતો સફેદ પાવડર શ્વાસના રોગમાં વધારો કરે છે . પાવડરના સફેદ રજકણો શ્વાસના કારણે ફેફસાના રોગમાં વધારો થાય છે. જોકે પાવડરના રજકણોની આ ઘનતા એટલીજ મહત્વની છે.
ખેડૂતોની રજૂઆત ફેકટરી માલિકોના બહેરા કાને અથડાય છે.
ખેડૂતોએ જણાવ્યું હતુકે તેમની આ સિરામિક ફેકટરીના પ્રદુષણની વિકટ સમસ્યા અંગે અનેક વખત સિરામિક ફેકટરીના સંચાલક સમક્ષ ફરિયાદો કરી છે. આમ છતાં સીરામિક ફેકટરીના સંચાલકો જાણે ખેડૂતોને ગણકારતા નથી.