2017માં તૂટેલા રોડ મુદ્દે અમપાએ હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી

અમદાવાદ,તા.૧૫

અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭માં તૂટેલા ૨૨૫ કિલોમીટરના રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી એક પીઆઈએલ સંદર્ભમાં અમપા દ્વારા હાઈકોર્ટ સમક્ષ એક એફિડેવિટ રજૂ કરાઈ છે. જેમાં રોડ તૂટવા મામલે આસિસ્ટન્ટ સિટી ઈજનેર અને આસિસ્ટન્ટ ઈજનેર કક્ષાના ૩૯ ઈજનેર સામે દંડનીય કાર્યવાહી કરાઈ હોવાનું જણાવાયું છે. જ્યારે એડિશનલ અને ડેપ્યુટી સિટી ઈજનેર કક્ષાના ૩૦ અધિકારીને માત્ર નોટિસ અપાઈ હોવાનો ઉલ્લેખ છે. સાથે જ હવે પછી શહેરમાં રોડ તૂટવાના કેસમાં અમપા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરશે એવી બાંહેધરી આપવામાં આવી છે.

વર્ષ-૨૦૧૭ના જુલાઈ માસમાં અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદમાં કુલ મળીને ૨૨૫ કિલોમીટરના રોડ તૂટ્યા હતા. રોડ તૂટવાના મામલે હાઈકોર્ટમાં મુસ્તાક કાદરી દ્વારા જાહેરહિતની અરજી કરાઈ હતી. અમપા દ્વારા સોમવારે હાઈકોર્ટ સમક્ષ જે સોગંદનામું કરવામાં આવ્યું છે એમાં શહેરમાં રોડ રિપેર કરવા માટે ઓક્ટોબર-૨૦૧૮થી સપ્ટેમ્બર-૨૦૧૯ સુધીમાં કુલ ૪.૯ લાખ ટન હોટમિક્સ બિટુમીન ઉપયોગમાં લેવાયું હોવાનું કહેવાયું છે. શહેરમાં રોડ તૂટવા મામલે અમપા દ્વારા કુલ ૧૧૬ જેટલા અધિકારીઓ કે જેમાં સિટી ઈજનેર, ડેપ્યુટી સિટી ઈજનેર, આસિસ્ટન્ટ સિટી ઈજનેર અને આસિસ્ટન્ટ ઈજનેરને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. વિજિલન્સ દ્વારા કરાયેલી તપાસમાં કુલ ૮૬ જેટલા અધિકારીઓને વ્યક્તિગત બોલાવીને તેમની સુનાવણી કરાઈ હતી. આ ઉપરાંત ૩૯ અધિકારીને અલગ-અલગ પ્રકારનો દંડ પણ કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

અમપા તરફથી હાઈકોર્ટને એવી બાંહેધરી આપવામાં આવી છે કે, હવે પછી અમદાવાદ શહેરમાં રોડ તૂટવા મામલે તંત્ર તરફથી કડક કાર્યવાહી કરાશે. જેના ભાગરૂપે હાલ જે રોડ તૂટવા મામલે રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરના રનિંગ બિલમાંથી પાંચ ટકા રકમની કપાત કરાય છે એના બદલે દસ ટકા કપાત કરાશે. સાથે જ ડિફેક્ટ લાઈબિલિટીનો સમય જે પાંચ વર્ષનો છે એ ઘટાડીને ત્રણ વર્ષનો કરાશે, સાથે જ રોડ તૂટવાના કિસ્સામાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સુધીની પણ કાર્યવાહી કરાશે.

કોને કેટલી સજા

૧. ૨૨ અધિકારીઓનું એક ઈન્ક્રિમેન્ટ રોકાયું
૨. આઠ અધિકારીઓનાં બે ઈન્ક્રિમેન્ટ રોકાયાં
૩. નવ અધિકારીઓને રૂ.૧૦ હજારથી ૭૦ હજાર સુધીનો દંડ ફટકારાયો
૪. એક અધિકારીને રિટર્ન વોર્નિંગ અપાઈ

કક્ષા નોટીસ અપાઈ કાર્યવાહી
એડિ. સિટી ઈજનેર ૦૭ નીલ
ડેપ્યુટી સિટી ઈજનેર ૨૩ નીલ
આસિસ્ટન્ટ સિટી ઈજનેર ૩૬ ૧૪
આસિસ્ટન્ટ ઈજનેર ૫૦ ૨૫
કુલ ૧૧૬ ૩૯