29 જૂલાઇ 2018ના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશ સ્તરનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કાર્યશાળા યોજવામાં આવી હતી. યુધ્ધ પહેલાના શાંતિના સમયમાં જે પક્ષ સુવ્યવસ્થિત આયોજન અને તૈયારી કરે તે પક્ષ યુધ્ધ આસાનીથી જીતી શકે છે. આ કાર્યશાળામાં ઉપસ્થિત નવનિયુક્ત પ્રભારીએ પ્રત્યેક લોકસભામાં બૂથ સુધીના કાર્યકર સાથે યોગ્ય સંકલન કરીને એક ઉત્તમ વ્યવસ્થા દ્વારા ચૂંટણી જીતવાની દિશામાં કાર્ય કરવાનું છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી એક વૈચારિક લડાઇ છે. ૨૦૧૯ની ચૂંટણી એ દેશના ગૌરવ તેમજ દેશના સાર્વભૌમત્વની રક્ષા માટેનું યુધ્ધ છે. સંગઠન, સંકલન, સમન્વય અને યોગ્ય વ્યવસ્થાનો ઉપયોગ કરીને ગુજરાત ભાજપાનો કાર્યકર અપેક્ષિત પરિણામ લાવવા હંમેશા કટિબધ્ધ હોય છે.પ્રજાકલ્યાણના નક્કર કાર્યોને લોકો સુધી પહોચાડી ફરીથી ગુજરાતની તમામ લોકસભા સીટો પર ભાજપાના ઉમેદવારોને વિજયી બનાવવા કટિબધ્ધ બનીએ.
અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ કાર્યયોજના બનાવવામાં આવી છે. જે અંતર્ગત લોકસભા બેઠકદિઠ પ્રભારીઓની ટીમ બનાવવામાં આવી છે. જે આગામી દિવસોમાં પોતાને સોંપાયેલા લોકસભા ક્ષેત્રોમાં જઇ કાર્યકર્તાઓ સાથે સંકલન કરી ચૂંટણી જીતવાની રણનીતિ બનાવશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપાની તાકાત એ ભાજપાનું સંગઠન છે. કાર્યકર્તા આ સંગઠનનો પ્રાણ છે. આગામી લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરથી લઇ બૂથ સુધીના તમામ કાર્યકર્તાઓ સક્રિય બની અને અર્જુનને જેમ એકજ આંખ દેખાય તે રીતે વિજયના નિશ્ચિત લક્ષ્ય સાથે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવા સજ્જ થયા છીએ ત્યારે ભારત ફરીથી વિશ્વગુરુ બને તેવા દ્રઢ સંકલ્પ સાથે લોકસભા ચૂંટણીઓની તૈયાર આજથી જ ચાલુ કરી દેવા હાકલ કરી હતી.
રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી.સતીષએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું મહત્વ સમજાવતાં જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રવિકાસ અને રાષ્ટ્રનિર્માણ માટે આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી ખૂબજ મહત્વની છે. છેલ્લા ૨૨ વર્ષથી રાષ્ટ્રનિર્માણના ભગીરથ કાર્યમાં ગુજરાતે સવિશેષ જવાબદારી નિભાવી છે ત્યારે લોકસભા પ્રભારી ટીમ લોકસભા ક્ષેત્રોમાં જઇ કાર્યકર્તાઓને મળી આંકલન – સંકલન કરી ગુજરાતના પ્રત્યેક બૂથમાં ભાજપાનો વિજય થાય તે પ્રકારની કાર્યયોજના બનાવે.
પ્રદેશ ભાજપા સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા લોકસભા પ્રભારી ટીમની કાર્યપધ્ધતિ, કાર્યયોજનાઓ, બૂથ સશક્તિકરણ યોજના વગેરે બાબતો વિશે વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યુ હતુ કે, લોકસભા પ્રભારી ટીમ આગામી મહિનામાં પોતાને સોંપાયેલ લોકસભા બેઠકનો ત્રણ દિવસીય પ્રવાસ કરી મંડલના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી સંગઠનલક્ષી કામગીરી બાબતે તેમજ પેજપ્રમુખ વ્યવસ્થા તથા બૂથ મેનેજમેન્ટ બાબતે ચર્ચા વિચારણા કરશે. તે ઉપરાંત લોકસભા દીઠ વિસ્તારકોની યાદી, લીગલ ટીમ, સોશીયલ મીડિયા ટીમ વગેરે જેવી વ્યવસ્થા સુગઠીત કરવાનું કાર્ય લોકસભા પ્રભારી ટીમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.