ગુજરાતમાં 2019માં 7 માસમાં 3 વાવાઝોડાથી નુકસાન થયું પણ મોદીએ આર્થિક સહાય ન કરી

હિંમતનગર, 9 નવેમ્બર 2019

કુદરતી આપત્તિઓનો માર ઝેલી રહેલ કિસાનોના હામી હોવાનો દમ ભરતી રાજ્ય સરકારે છેલ્લા 7 મહિના દરમિયાન ત્રણ – ત્રણ વખત ખેતી પાકને થયેલ નુકસાન અંતર્ગત ખેડૂતોને એક પાઇ પણ ચૂકવી નથી. દર વખતે સર્વે માટે જતા કર્મચારીઓને પણ ખેડૂતો આગળ જતાં ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. સર્વે કરી નુકસાનીનો અંદાજ મૂકી વળતર ન ચૂકવતા ખેડૂતોની ક્રૂર મજાક થઇ રહી હોવાનો અનુભવ થઇ રહ્યો છે. ખેડબ્રહ્મા તાલુકામાં 47 હેક્ટરમાં 33 ટકાથી વધુ નુકસાન હોવાનું ખેતીવાડી સૂત્રો જણાવી રહ્યા છે.

જિલ્લામાં એપ્રિલથી નવેમ્બર દરમિયાન ત્રણ વાવાઝોડા આવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડની જોગવાઇ છતા પ્રશાસનની ગ્રાન્ટ મેળવવામાં નીરસતા સ્પષ્ટ બની રહી છે. એપ્રિલમાં વાવાઝોડાએ જિલ્લાને ઘમરોળતા બાગાયતી પાકને નુકસાન થયુ હતુ તેનો સર્વે થયા બાદ કુલ રૂ.32 લાખ વળતર નક્કી કરી ગ્રાન્ટ માંગવામાં આવી હતી. ચોમાસા દરમિયાન થયેલ અતિવૃષ્ટિને કારણે ખરીફ પાકને થયેલ નુકસાન અંતર્ગત કરવામાં આવેલ સર્વે બાદ રૂ.2.42 કરોડ વળતર ચૂકવવા ગ્રાન્ટની માંગણી કરાઇ હતી. હવે 2 જી નવેમ્બરે કમોસમી વરસાદે ખેડબ્રહ્મા તાલુકાને ઘમરોળ્યો છે અને સર્વે શરૂ થયો છે ત્યારે સરકાર દ્વારા નર્યુ નાટક કરી ખેડૂતોની ક્રૂર મજાક કરાઇ રહી હોવાનો સૂર વ્યક્ત થઇ રહ્યો છે.

પાંચ દિવસ અગાઉ ખેડબ્રહ્મા તાલુકામાં ખાબકી ગયેલ બે ઇંચથી વધુ વરસાદને પગલે લક્ષ્મીપુરા, રોધરા, ગલોડીયા, શીલવાડ, પાદરડી, રૂદ્રમાળા, નીચીધનાલ, વાસણા, ગોતા, ગાડુ, મેત્રાલ, ખેડબ્રહ્મા, માતાજીકંપા, વાસણા, દેલવાડા, મટોડા, અંબઇગઢા, ગૂંદેલ, રાધીવાડ સહિતના 26 ગામમાં મગફળીને 3240 હેક્ટરમાં, સોયાબીનને 560 હેક્ટરમાં અને અડદને 65 હેક્ટરમાં નુકસાનનો પ્રારંભિક અંદાજ મૂકાયા બાદ અત્યાર સુધીમાં 700 હેક્ટરનો સર્વે થઇ ચૂક્યો છે. તે પૈકી 47 હેક્ટરમાં 33 ટકાથી વધુ નુકસાન હોવાનુ ખેતીવાડી સૂત્રો જણાવી રહ્યા છે. ફાઇનલ સર્વે થઇ ગયા બાદ અંદાજે 150 હેક્ટરમાં 33 ટકાથી વધુ નુકસાન બહાર આવવાની સંભાવના છે. પ્રાંતિજ તાલુકામાંથી 15 ખેડૂતો એ જ વીમા કંપનીમાં અરજી કરી છે.

મોડાસા, ટીંટોઇ અને માલપુર તેમજ તાલુકાના અણીયોર-ઉભરાણ તેમજ ભિલોડાના ખોડંબા અને બાયડના ગાબટ પંથકમાં બુધવારની રાત્રી દરમિયાન અને ગુરૂવારે વહેલી સવારે કમોસમી માવઠાના ઝાપટાં પડતાં ખેડૂતોની નીંદ હરામ બની હતી. અગાઉ અતિવૃષ્ટિ અને સતત જિલ્લામાં પાછોતરો વરસાદ પડ્યાબાદ વારંવાર કમોસમી માવઠું થતાં ખેડૂતોનો મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોવાનું અગ્રણી ખેડૂત અને સાબરકાંઠા બેંકના મેનેજીંગ ડિરેક્ટર પંકજભાઇ નરસિંહભાઇ પટેલે જણાવ્યું હતુ. ખેડૂતોની મગફળીનો પાક માવઠાંનો લીધે નિષ્ફળ જતાં ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવતાં પરિવારો રહ્યા-રહ્યા પાકને બચાવવા આકાશ-પાતાળ એક કરી રહ્યા છે.

ધનસુરા તાલુકાના વડાગામમાં વાવાઝોડાની અસરના લીધે વડાગામ પંથકમાં ઝરમર વરસાદનું સવારે તથા ગુરૂવાર સાંજે આગમન થયું હતુ. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું અને સાંજે ઝરમર વરસાદ થયો હતો.

એપ્રિલ માસનું વળતર બાકી હોવાનુ ધ્યાન ઉપર આવતા મારી અને કલેક્ટરની સંયુક્ત સહીથી ગ્રાન્ટ ફાળવવા તાજેતરમાં જ રિમાઇન્ડર કર્યું છે. તેમાં સપ્ટેમ્બર માસના વળતરનો પણ ઉલ્લેખ કર્યો છે. ટૂંક સમયમાં ગ્રાન્ટ મળી જવાની આશા છે.> રાજેન્દ્ર પટેલ, ડીડીઓ, સાબરકાંઠા

કમોસમી વરસાદને પગલે ખેડબ્રહ્મા તાલુકામાંથી 1699 અને વડાલી પ્રાંતિજ તાલુકામાંથી 15-15 મળી 1729 અરજીઓ થઇ છે. નાયબ ખેતી નિયામક પી.બી. ખિસ્તરીયાએ જણાવ્યુ કે પ્રથમ ત્રણ દિવસ ખેડૂતોની અરજીઓ લેવાયા બાદ બે દિવસ વીમા કંપનીએ સ્ક્રૂટીની કરી છે અને ત્યારબાદ 48 કલાકમાં લોસ એસેસરની નિમણૂંક કરવાની હોય છે. વીમા કંપનીની 15 ટીમો સાથે સ્થાનિક ટીમો બે દિવસમાં સર્વે શરૂ કરશે.

જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યું હતું કે, ગત રવિવારથી ગ્રામ સેવકોના માધ્યમથી નુકસાનીનો પ્રારંભિક તાગ મેળવી સર્વે હાથ ધરાયો છે. જે બે-ત્રણ દિવસમાં પૂર્ણ થઇ ગયા બાદ સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડમાંથી ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત મોકલી અપાશે.