2020ની દિવાળી સુધીમાં તગડું વળતર અપાવી શકે તેવા શેર્સ

અમદાવાદ, તા.27

શેરબજારનું રોકાણ આમેય જોખમી છે. લાખના બાર હજાર થતાં અને રૂપિયાના કાગળ થઈ જતાં વાર લાગતી નથી. તેથી જ સામાન્ય રોકાણકારોએ તેમાં પડવાનું ખોટું સાહસ કરવું ન જોઈએ. જેમને શેરબજારની આંટીઘૂંટી ન સમજાતી હોય તેમણે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરી દેવાનું આયોજન કરવું જોઈએ. બજારમાં ખબર પડતી નથી તેથી એફ એન્ડ ઓ-ફ્યુચર એન્ડ ઓપ્શન તરફ નજર નાખવાની પણ હિંમત ન કરવી જોઈએ. તેમ જ રોજ રોજ ટ્રેડિંગ કરવામાં પણ ન પડવું જોઈએ. હા, બ્લ્યુચિપ સ્ક્રિપમાં રોકાણ કરવું જોઈએ. આ રોકાણ કર્યા પછી લાંબા સમય સુધી ભૂલી જનારાઓને સારું વળતર મળી શકે છે. હા, સેન્સેક્સ વધી રહ્યો છે તેથી તમે જે સ્ક્રિપમાં રોકાણ કર્યું છે તેનો ભાવ પણ વધી જશે તેવા ભ્રમમાં પણ રોકાણકારોએ હવે રહેવા જેવું નથી. ઇન્ડેક્સ પણ શેરબજારના મોટા ખેલાડીઓની રમત બની ગઈ છે. તેમની આ રમતમાં કંપનીના ફંડામેન્ટલ્સની પણ ઘોર અવજ્ઞા થતી જોવા મળે છે. શેરબજારમાં સોદા કરનારાઓ મૂહૂર્તના સોદામાં ખાસ્સો વિશ્વાસ રાખે છે. દિવાળીને દિવસે સાંજે બજારમાં પડતા સોદામાં એક સ્ક્રિપનો નાનો સોદો કરીને પણ બજારના ખેલાડીઓ મૂહૂર્તના સોદો કરતાં આવ્યા છે. મૂહૂર્તના સોદામાં ન લઈ શકાય તો આગામી વર્ષ દરમિયાન સારુ રિટર્ન આપે તેવી ગણતરી સાથે આ શેર્સમાં રોકાણ કરવાનું આયોજન કરી શકાય તેમ છે.

આઈસીઆઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનો શેર્સ આ જ કેટેગરીમાં આવે છે. આગામી છ માસમાં આઈસીઆઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સનો ભાવ વધીને રૂા.1600ની સપાટીને આંબી જવાની ધારણા મૂકવામાં આવી રહી છે. સ્ક્રિપમાં સેન્ટીમેન્ટ લેવાલીનું છે. તેનો વર્તમાન બજાર ભાવ રૂા.1329ની આસપાસનો છે. બાવન અઠવાડિયામાં સ્ક્રિપે રૂા.759નું તળિયું અને 1365નું મથાળું જોયું છે. શેરદીઠ કમાણી રૂા.23.87ની છે. બુક વેલ્યુ રૂા.118.84ની છે. રૂા.10ની ફેસ વેલ્યુના શેર પર 60 ટકા ડિવિડંડ આપ્યું છે. ડિવિડંડ યિલ્ડ 0.45 ટકા છે. શેર્સનું બજાર મૂડીકરણ 60398 કરોડનું છે.

પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝઃ પિડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝના શેર્સમાં સારુ કરેક્શન જોવા મળ્યું છે. રૂા.1300ની ભાવ સપાટીની આસપાસ તે મજબૂત બોટમ બનાવી રહ્યો છે. તેમાં રિસ્ક સામે સારુ વળતર મળવાની સંભાવના જણાઈ રહી છે. ચાર મહિનાના ગાળામાં શેરનો ભાવ રૂા.1500ના મથાળાને વળોટી જાય તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે.વર્તમાન બજાર ભાવ રૂા.1338ની આસપાસ છે. તેમાં એડવાઈઝ વેચવાલીની છે. પરંતુ કંપનીના પાસ્ટ પરફોર્ન્સને જોતાં ઘટેલા ભાવે ઇન્વેસ્ટ કરી લેવા જેવું છે. સ્ક્રિપની બુક વેલ્યુ રૂા.82.42ની ચે. સેરદીઠ કમાણી રૂા.19.69ની છે. બજાર મૂડીકરણ રૂા.68005 કરોડનું છે. બાવન અઠવાડિયામાં રૂા. 901નું બોટમ અને રૂા. 1494નું ટોપ જોઈ ચૂકેલી સ્ક્રિપ છે. વર્તમાન ભાવ સપાટીથી બાઉન્સ બેક થઈ શકે છે.

વોલ્ટાસઃ એરકન્ડિશનર્સના ઉત્પાદન સાથે સંકળાયેલી આ કંપનીના બિઝનેસમાં છેલ્લા પાંચ વર્ષથી સતત વધારો જોવા મળી રહ્યો છે. બજારની અન્ય કંપનીઓની તુલનાએ વોલ્ટાસનું પરફોર્મન્સ સારુ રહેવાની ધારણા છે. પરફોર્મન્સની મદદથી તેના શેરનો ભાવ વર્તમાન રૂા.696-699ની રેન્ચથી છલાંગ લગાવીને રૂા.780નું મથાળું બતાવી શકે છે. આગામી બાર માસમાં આ સુધારો જોવા મળી શકે છે. સ્ક્રિપમાં ધીમી પણ મક્કમ ગતિએ લેવાલી વધી રહી છે. સ્ક્રિપની બુક વેલ્યુ રૂા.113ની આસપાસની છે. રૂા.1ની ફેસ વેલ્યુના શેર પર કંપનીએ 400 ટકા ડિવિડંડ આપ્યું છે. જોકે તેની ડિવિડંડ યિલ્ડ 0.57 ટકાની છે. બાવન સપ્તાહમાં રૂા.490નું બોટમ અને 720ની ટોચ સ્ક્રિપે જોયેલી છે. શેરદીઠ રૂા.14.61ની કમાણી ધરાવતી આ સ્ક્રિપનું પરફોર્મન્સ સારુ રહેવાની આશા છે.

એક્સેલ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવાનું આયોજન કરી શકાય તેમ છે. પાકને બચાવવા માટેના કેમિકલ બનાવતી આ કંપની છે. આજે સ્પેશિયાલિટી કમિકલ્સ તૈયાર કરનારી આ કંપની છે. 80 વર્ષથી આ બિઝનેસમાં પડેલી છે. પાંચ વર્ષથી કંપનીનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ ટેક 50 ટકાની આસપાસનો છે. કંપનીનો આરઓઈ-રિટર્ન ઓન ઇક્વિટી 24 ટકાથી વધુ છે. અત્યારે સ્ક્રિપનો ભાવ રૂા.880-82ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. 2018માં શેરના ભાવે રૂા.1922ની ટોચની સપાટી જોઈ છે. છેલ્લા બાવન અઠવાડિયાની વાત કરવામાં આવે તો 735નું બોટમ અને રૂા. 1680નું ટોપ સ્ક્રિપે જોયું છે. આગામી બાર માસમાં સ્ક્રિપના ભાવમાં 20થી 30 ટકાનો વધારો જોવા મળી શકે છે.

 

રબર કેમિકલના ક્ષેત્રની કંપની નોસિલ પણ સારું વળતર અપાવી શકે છે. છેલ્લા પાંચ વર્ષનો કંપનીનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 51 ટકાથી વધુનો રહ્યો છે. કંપનીનો આરઓઈ- રિટર્ન ઓન ઇક્વિટી 16 ટકાથી વધુ છે. કંપનીની સ્ક્રિપનો વર્તમાન બજાર ભાવ રૂા.113-80ની આસપાસનો છે. બાવન સપ્તાહમાં કંપનીની સ્ક્રિપ રૂા.73.90નું તળિયું અને રૂા. 182.30નું મથાળું જોઈ ચૂકી છે. સ્ક્રિપની બુક વેલ્યુ રૂા.69.39ની છે. ડિવિડંડ 25 ટકા આપ્યું છે. ડિવિડંડ યિલ્ડ 2.20 ટકાની છે. રૂા.10ની ફેસ વેલ્યુના આ શેરને લાંબી રેસનો ઘોડો ગણવામાં આવે છે. કંપનીનું સૌથી મોટું જમા પાસું તેના પર રાતી પાઈનું દેવું નથી તે છે. કંપનીના શેરના ભાવમાં આગામી છ માસમાં 30થી 40 ટકાનો સુધારો જોવા મળી શકે છે.