DJ વગાડશો તો વર અને કન્યા પક્ષ પાસેથી 2100 રૂપિયા દંડ, ઠાકોર સમાજમાં જૂનો રિવાજ અમલી

2100 fine from bride and groom party for playing DJ, old custom implemented in Thakor society

પાલનપુરના ચોવીસી ગોળ ઠાકોર સમાજ દ્વારા જૂના રીવાજોને લઇને એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલનપુરમાં ચોવીસી ગોળ ઠાકોર સમાજે મહત્ત્વનો નિર્ણય કર્યો છે કે, મોતના પ્રસંગોમાં ખોટા ખર્ચ ન થાય તે માટે કફન અને બેસણાની પ્રથાને દૂર કરવામાં આવી છે. લોકાચારમાં માત્રને કઢી અને ખીચડી બનાવવાની રહેશે. આ ઉપરાંત જો ઝલો કરવી હોય તો ઠાકોર સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલું દાન આપવાનું રહેશે. ઠાકોર સમાજે કફન પ્રસંગ બંધ કરીને ધર્માદા માટે સ્વેચ્છાએ 10 રૂપિયાનું દાન લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે અને સુવાળામાં માત્ર મહિલાઓ જ જશે તેવું પણ નક્કી કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં DJ સાઉન્ડ વગાડવું હોય તો સમાજને દાન આપવાનું રહેશે. લગ્ન પ્રસંગમાં DJ વગાડવા બદલ વર અને કન્યા પક્ષની પાસેથી 2100 રૂપિયાનું દાન લેવામાં આવશે.

રિપોર્ટ અનુસાર બનાસકાંઠાનો ઠાકોર સમાજ હવે જૂના રૂઢિગત રીવાજોને છોડીને શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. આ કારણે પાલનપુરના ચોવીસી ગોળ ઠાકોર સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, પુરુષોએ બેસણામાં જવાનું નથી અને બેસણા પ્રથા બંધ કરીને ગામના ચબુતરે સવા મણ જુવાર નાંખવાની રહેશે અને લોકાચારમાં માત્ર કાઢી અને ખીચડી બનાવવાની રહેશે. લગ્ન પ્રસંગમાં DJ વગાડવું હોય તો વર અને કન્યા પક્ષના લોકોએ સમાજને 2100 રૂપિયાનું દાન અપાવું પડશે. કોઈ પણ વ્યક્તિ ખોટા વ્યસન કરીને પરિવારના સભ્યોની સાથે ખરાબ વર્તન કરશે તે વ્યક્તિ સમાજનો ગુનેગાર ગણાશે અને તેની પાસેથી ઠાકોર સમાજ દ્વારા દંડ પેટે 5000 રૂપિયાની વસુલાત કરવામાં આવશે.

આ બાબતે ઠાકોર સમાજના પ્રમુખ મોતીજી ઠાકોરે જણાવ્યું હતું કે, મોતના પ્રસંગમાં કફન પ્રથા બંધ કરવામાં આવી છે અને ડાઘુઓની પાસેથી ધર્માદા પેટે 10 રૂપિયા લેવામાં આવશે. આ ઉપરાત બેસણા પ્રથા બંધ કરવામાં આવી છે અને સુવાળા પણ મહિલાઓ જ જશે. લગ્નમાં DJ વગાડનાર પાસેથી દાન લેવામાં આવશે અને વ્યસન કરીને પરિવાર સાથે દુર્વ્યવહાર કરનાર પાસેથી દંડ લેવામાં આવશે. સમાજના લોકો પાસેથી જે દાન લેવામાં આવશે અથવા તો નિયમ ભંગ કરતા લોકોની પાસેથી જે દંડ લેવામાં આવશે તેનાથી એકઠી થતી રકમનો ઉપયોગ ઠાકોર સમાજના બાળકોના અભ્યાસ પાછળ કરવામાં આવશે.